સુરત : સુરતમાં બોમ્બે માર્કેટમાં ભાડેથી ઓફિસ રાખી યાર્નની દલાલીનું કામ કરતા યુવકને એડવાન્સમાં યાર્નના પૈસા જમા કરાવશો તો પોણા બે ટકાને બદલે બે ટકા કમિશન આપવાનું કહી પલસાણા ઈકોપાર્કમાં યાર્નની ફેકટરી ધરાવતા વેપારી તેમજ તેના ભાગીદારે કુલ રૂપિયા 2.50 કરોડ પડાવી લીધા બાદ યાર્નનો માલ કે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. દલાલે પેમેન્ટ માટે ઉઘરાણી કરતાં ટાંટીયા તોડી નાંખવાની અને પત્ની અને સંતાનને ઉપાડી દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી. યાર્નની ફેકટરીના માલિક અને તેના ભાગીદારની ધમકીથી ગભરાઈને દલાલ સુરત છોડી અમદાવાદ નાસી ગયો હતો.
અમદાવાદ નિકોલ ઉત્તમનગર રોડ પુષ્પાકુંજ સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના ધારીના પ્રફુલભાઈ કાળુભાઈ નાકરાણી (ઉ.વ. 40 ) સોપારીના વેપાર સાથે સંકળાયેલા છે. પ્રફુલભાઈએ ગઈકાલે ધર્મેશ પરસોત્તમ ઉકાઈ, પરસોત્તમ ઉકાઈ, પરેશ ગાંગાણી, દુલા નાગજી કાકડીયા અને શૈલેષ દુલા કાકડીયા સામે રૂપિયા 2.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેઓ પહેલા સુરતમાં સરથાણા શ્રધ્ધા પેલેસમાં રહેતા હતા અને બોમ્બે માર્કેટમાં ભાડેથી ઓફિસ રાખીને યાર્નની દલાલીનું કામ કરતા હતા. તે દરમિયાન 2010માં તેમની ધર્મેશ ઉકાણી અને પરેશ ગાંગાણી સાથે ઓળખાણ થઈ હતી. ધર્મેશ ઉકાણી પલસાણા ઈકોપાર્ક ખાતે યાર્ન બનાવવાની ફેક્ટરી ધરાવ છે, પરેશ તેમના ડીલર છે અને શૈલેષ દુલા કાકડીયા ભાગીદાર હતો.
પ્રફુલભાઈ 2011-12માં તેમની પાસેથી યાર્નના માલ લઈ અન્ય વેપારીઓને આપતા હતા. જેમાં તેમને પોણો ટકા કમિશન આપતા હતા. જે તે સમયે ધર્મેશ ઉકાણીએ યાર્નના રૂપિયા એડવાન્સમાં જમા કરાવશો તો પોણા ટકાની જગ્યાએ બે ટકા કમિશન આપવાની અને ભાવમાં પણ સારો ફાયદો કરી આપવાનું વાત કરી હતી. જેથી પ્રફુલભાઈએ જાન્યુઆરી 2014માં વિવર્સ પાસેથી તેમને એડવાન્સમાં રૂપિયા ૭૫ લાખ અપાવ્યા હતા જેના બદલામાં ધર્મેશભાઈએ સમયસર યાર્નનો માલ આપ્યો હતો ત્યારબાદ વિવર્સને યાર્નના માલની જરૂરીયાત ઉભી થતા પ્રફુલભાઈએ કિશોર વેલજી કુકડીયા પાસેથી રૂપિયા 75 લાખ, રાજુ પાલડીયા પાસેથી રૂપિયા 15 લાખ, નિતેશ ભીમાણી પાસેથી રૂપિયા 25 લાખ, દિલીપ જૈન પાસેથી રૂપિયા 20 લાખ તેમજ તેમની બચતના રૂપિયા 1 કરોડ 15 લાખ મળી કુલ રૂપિયા 2 કરોડ 50 લાખ ટુકડે ટુકડે કરી ડિસેમ્બર 2014 સુધીમાં યાર્નના માલ ખરીદવા એડવાન્સ પેટે આપ્યા હતા.
આ પણ વાંચો - Covid-19 Vaccine: ભારતમાં બનશે રશિયાની Sputnik V વેક્સીનના 10 કરોડ ડોઝ, આટલી હશે કિંમત
આ તમામ વ્યવહાર બોમ્બે માર્કેટની ઓફિસમાં થયો હતો. ધર્મેશ યાર્નનો માલ આપે તે પહેલા ફેબ્રુઆરી 2015માં તેની ફેકટરીમાં આગ લાગી જતા માલ અપ્યો ન હતો. એડવાન્સ રૂપિયાની સિક્યુરીટી પેટે ધર્મેશે તેની નિર્માણ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પેઢીના બેંક ઓફ બરોડાના ખાતાના 16 ચેક આપ્યા હતા. જે પૈકી 1 કરોડ 97 લાખના ચેક લખી આપ્યા હતા. યાર્નનો માલ ચુકવતા જાય તેમ ચેક પરત કરવાનું નક્કી થયું હતું. જાકે ધર્મેશે લાંબા સમય સુધી યાર્નનો માલ નહી આપતા પ્રફુલભાઈ તેમજ વીવર્સોએ રૂપિયાની માંગણી કરી હતી. બીજી બાજુ ધર્મેશે તેના ડીલર પરેશ ગાંગાણીના પણ રૂપિયા આપવાના હતા જેથી તેના બદલામાં ધર્મેશે સરસાણાગામે આવેલી તેમની આસરે રૂપિયા ૩,૩૧,૫૦,૦૦૦ની કિંમતની 1950 વારની જુની શરતની ખેતીની જમીનનો દસ્તાવેજ પરેશ ગાંગાણીના સસરા દુલા નાગજી કાકડીયાના નામે કરી આપ્યો હતો. જમીનના તેમનો પણ હિસ્સો હોવાનુ બાહેધરી કબુલાતનામુ કર્યું હતું. જાકે બાદમાં પરેશ અને દુલા કાકડીયાએ જમીન બિલ્ડર વી.કે.રવાણીને વેચાણથી આપી તેના બદલામાં ઘોડદો઼ડ રોડ ખાતે કેનોપર્સ બિલ્ડિંગમાં રૂપિયા 4 કરોડ 50 લાખની ત્રણ દુકાનો લીધી હતી અને તેમાં પ્રફુલભાઈને કોઈ હિસ્સો આપ્યો ન હતો.
આ અંગેની જાણ થતા પ્રફ્લુભાઈએ પરેશ પાસે દુકાનમો હિસ્સો માંગતા તેમણે ધર્મેશ સાથે રૂબરૂ મિટિંગ કરાવો જેથી હિસાબ ક્લિયર કરીને તમારો હિસ્સો આપીશ હોવાનુ કહ્યું હતું પરંતુ ધર્મેશ મિટિંગ માટે આવતો ન હતો. ત્યારબાદ પ્રફુલભાઈએ બંને પાસે પૈસાની ઉઘરાણી કરતા ધમકી આપી હતી કે અમારી પાસે રૂપિયા લેવા આવવુ નહીં. જો આવીશ તો તારા ટાંટીયા ભાંગી નાંખીશું તેમ કહી અવાર નવાર ધમકી આપતા હતી. જેથી પ્રફુલભાઈએ ડરના માર્યા પરિવાર સાથે સુરત છોડીને અમદાવાદ રહેલા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ યાર્નના એડવાન્સ રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીઓએ પત્ની અને સંતાનોને ઉપાડી જઈ દુષ્કર્મ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે પ્રફુલભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.