સુરત : સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. સુમુલ ડેરી (Sumul Dairy)સાથે જોડાયેલા દૂધ (Milk)ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવમાં (Milk Price)પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાય અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોએ 680 હતા તે વધીને 700 રૂપિયા થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે 695 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 715 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 માર્ચ 2022થી લાગુ પડશે.
આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. અમૂલ ડેરી દ્વારા બે રૂપિયા લિટર દૂધમાં વધારો કરી અને આ ભાર પ્રજા ઉપર નાખ્યો છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પણ પશુપાલકોને લીટરે બે રૂપિયા આપતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પણ દૂધના ભાવમાં 2 રૂપિયા વધારો થાય તેવી આશંકા સેવાઈ રહી છે.
અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો
અમૂલે દૂધની (Amul Milk)કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.
આ નવા ભાવ વધારા અંતર્ગત આવતી કાલથી અમૂલ તાજા 500 ml 24 રૂપિયાના હિસાબે મળશે. આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 30 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 24 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 27 રૂપિયા થયો છે.