દિપક પટેલ, કેવડિયા: અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તે વાતને લઈને પ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજપીપળા ખાતે આવેલા ભાજપના રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી.
આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે. હાલ પ્રવાસીઓની ભીડ જોતા વહેલી તકે ફરી સી પ્લેન કેવડિયાના તળાવમાં ઉતરતું થઇ જશે તેવી પણ વાત કરી મંત્રીએ પ્રવાસીઓને આસ્વાસન આપ્યું હતું. જોકે, હવે આ સેવા ક્યારે શરૂ થાય એ તો હવે કેન્દ્ર સરકારને આભારી છે. હાલમાં પ્રવાસીઓની રોજની 100થી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે.
કેબિનેટ મંત્રી, પૂર્ણેશ મોદીના જણાવ્યા પ્રમાણે, સી પ્લેનમાં નવી કનેક્ટિવિટી વધશે. સરકાર અને વિભાગ વચ્ચેે સૈદ્ધાંતિક ચર્ચા થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, sou કેવડિયા અને સુરતના પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કન્ક્ટીવીટી બનાવી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેના સર્વેનો હુકમ કર્યો છે. સુરતથી, ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે. 9 સીટનું સી પ્લેન શરૂ થશે. ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે. તે બાબતે હાલ સર્વે ચાલુ છે. કેવડિયા સી પ્લેન જલ્દી જ શરૂ થશે.એમ મંત્રીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 31મી ઓક્ટોબરના રોજ રીવરફ્રન્ટથી સી-પ્લેનમાં ઉડાન ભરી હતી અને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ આ સર્વિસ શરૂ થયાના એક મહિના પછી બંધ થઇ ગઇ હતી. સી-પ્લેનને મેનન્ટેનન્સ માટે માલદીવ્સ લઇ જવામાં આવ્યું હતું જે ફરી એકવાર પરત ફર્યું હતું અને ડિસેમ્બરમાં શરૂ થયું હતું પરંતુ થોડાં સમય પછી ફરી તેને મેનન્ટેનન્સ માટે લઇ જવામાં આવ્યા પછી પાછું આવ્યું નથી. અમદાવાદના રીવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે શેત્રૂંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર