ભરૂચ: મહિલા રેલવે ટ્રેક ઓળગંતી હતી અને અચાનક ટ્રેન આવી ગઇ, RPF જવાને બચાવ્યો આ રીતે જીવ

સીસીટીવી વીડિયોમાંથી લીધેલી તસવીર

Bharuch news: મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે આ ટ્રેક પર ગુડ્સ ટ્રેન આવી ગઇ હતી. તેના હોર્નના અવાજથી મહિલા ગભરાઈ ગઇ હતી.

 • Share this:
  ભરૂચમાં (Bharuch) આરપીએફ જવાનનો બહાદુરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. RPFના હેડ કોન્સ્ટેબલે (RPF jawan saved woman life on railway track) મહિલા મુસાફર ટ્રેક ક્રોસ કરી રહી તે દરમ્યાન ટ્રેન આવી જતા મહિલા ગભરાઇ ગઇ હતી. આ જોતા જવાને પોતાના જીવને જોખમમાં મૂકીને મહિલાને સલામત ટ્રેકની બહાર ખસેડી જીવ બચાવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે બાદ લોકો બહાદૂર જવાનને સલામ કરી રહ્યા છે.

  ટ્રેનના અવાજથી મહિલા ગભરાઇ ગઇ હતી

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચ આરપીએફ પોલીસ મથકમાં ધર્મેશ ગોરજીયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 7મી સપ્ટેમ્બરે, મંગળવારે સવારે પ્લેટફોર્મ પર હતા. ત્યારે સવારે 9 વાગ્યાના અરસામાં અંદાજિત 50 વર્ષની એક અજાણી મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે આ ટ્રેક પર ગુડ્સ ટ્રેન આવી ગઇ હતી. તેના હોર્નના અવાજથી મહિલા ગભરાઈ ગઇ હતી. જોકે આ દ્રશ્ય જવાને જોતા આરપીએફના હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમારે આ મહિલાને ટ્રેક ઉપર કૂદીને પોતાના જીવની ચીંતા કર્યા વગર મહિલાનો હાથ પકડીને બીજી સાઈડ ઉપર ખેંચી લાવ્યો હતો. જોત-જોતામાં તો ગુડ્સ ટ્રેન પસાર થઈ ગઈ હતી.

  લોકોએ જવાનની બહાદુરીને બિરદાવી

  ઓઇલ ટેન્કરની ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે પણ આ જોતા ઇમરજન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન આ સ્થળથી ઘણી આગળ થોભી હતી. મહિલા મુસાફરનો જીવ બચી જતા અન્ય મુસાફરોએ પણ હાશકારો અનુભવ્યો હતો. મુસાફરોએ RPFના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયાની બહાદુરીને બિરદાવી હતી. આ સમગ્ર ઘટના ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ છે જે વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.  આ પણ વાંચો : ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 12મી સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ

  દાહોદમાં પણ બની હતી આવી ઘટના

  થોડા સમય પહેલા આવી જ એક ઘટના દાહોદ રેલવે સ્ટેશન પર પણ બની હતી. બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન સાંજના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી. તે સમયે સ્લીપર કોચમાં ચઢતા સમયે એક મુસાફર પોતાનું બેલેન્સ ગુમાવતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયો હતો, અને ટ્રેન ચાલવા લાગી હતી. તે સમયે રેલ્વે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત સીટી બાબુ નામક આરપીએફ જવાન આ મુસાફર માટે દેવદૂત બનીને આવ્યા હતા. આરપીએફ જવાને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચપળતા પૂર્વક આ મુસાફરને બહાર ખેંચી લેતા મુસાફરોનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ સમગ્ર ઘટના બાદ આરપીએફ સ્ટાફ સહિત ઉપસ્થિત મુસાફરોએ આરપીએફ જવાનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: