સુરત : સુરત શહેરના (Surat)રિંગરોડ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલ (Hotel)દ્વારા પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની (Pakistan Food Festival)જાહેરાત કરવાની સાથે હોટલની બહાર બેનર લગાવવામાં આવ્યા હતા. જેને લઈને બજરંગ દળે (Bajrang Dal)વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધાં હતાં. સાથે-સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.
સુરત શહેરના રોડ વિસ્તારમાં આવેલા એક ખાનગી રેસ્ટોરન્ટમાં પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરવા સાથેના મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી બજરંગ દળને મળી હતી. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બેનર ઉતારી સળગાવી દેવાયાં હતાં. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય તેવી ચેતવણી આપી હતી.
કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઊજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવ્યું હતું. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતા ભાજપીઓ અને તેમની ભગિની સંસ્થાઓ આ બેનરના લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી, પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવી અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતાં આવાં બેનર ભાજપીઓની વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો હાલ એ વ્યક્તિ "દેશદ્રોહી" છે એ પ્રસ્થાપિત કરવામાં તેમને અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરત એ નક્કી.
આ મામલાની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આ પહેલા કાર્યકર્તાઓ તોડફોડ કરી વિરોધ નોંધાવી ત્યાંથી જતા રહ્યા હતા.