સુરત : કોરોના કાળ વચ્ચે માસ્કના નામે તોડ કરવાની ઘટના સામે આવી છે. સરથાણાના ગઢપુર રોડ શીવ પ્લાઝા પાસે ગઈકાલે રાત્રે મોબાઈલના વેપારીને પોલીસનો ડ્રેસ પહેરીને ઉભેલા બે અજાણ્યાએ પોલીસની લાઠીના ઈશારે આંતરી ઉભા રાખ્યા હતા. આ પછી માસ્ક કેમ પહેર્યુ નથી હોવાનું કહી ધમકાવી ગાડીના કાગળ્યા માંગ્યા હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતી અસલી પોલીસ ત્યાં પહોચી પુછપરછ કરતા અજાણ્યાઓ નકલી પોલીસ હોવાનો ભાંડો ફુડ્યો હતો. પોલીસે મોબાઈલના વેપારીની ફરિયાદ લઈ નકલી પોલીસની ધરપકડ કરી છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ સરદારનગર સોસાયટીમાં રહેતા નિલેષકુમાર સન્મુખભાઈ પટેલ (ઉ.વ.31) કામરેજ પાસે આવેલ દાઢીયા ગામ પાસે ઓમ ટાઉનશિપમાં મોબાઈલની દુકાન ચલાવે છે. નિલેષકુમાર રવિવારે રાત્રી દુકાનેથી એકટિવા મોપેટ ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા. તે વખતે સરથાણા રોડ ગઢપુર શીવ પ્લાઝા પાસેથી પસાર થતી વખતે બે અજાણ્યાઓએ લાઠીના ઈશારે તેમને રોક્યા હતા.
જેમા એક જણાએ પોલીસનો ખાખી શર્ટ, કાળુ પેન્ટ પહેરેલ હતું, જયારે બીજાએ માથા ઉપર પોલીસની વાદળી કલરની ગોળ ટોપી અને હાથમાં પોલીસની લાઠી હતી. પોલીસનો સ્વાંગ રચનાર અજાણ્યાઓએ નિલેષકુમારને માસ્ક કેમ પહેરેલ નથી. તમારા ડ઼ોક્યુમેન્ટ ક્યાં છે. કર્ફ્યૂ પાસ બતાવવાનું કહ્યું હતું. જાકે તેમની બોલવાની ભાષા જાઈને નિલેષકુમારને તેઓ પોલીસ નહી હોવાની શંકા ગઈ હતી. તે દરમિયાન ત્યાં પેટ્રોલિંગમાં ફરતા સ્થાનિક પોલીસવાળા આવી પહોંચ્યા હતા અને પોતાની ગાડી સાઈડમાં કરી પૂછપરછ કરતા બંને જણા નકલી પોલીસ હોવાનુ બહાર આવ્યું હતુ. પોલીસની પૂછપરછમાં નકલી પોલીસે પોતાના નામ પ્રીયંક જીતેન્દ્ર ઘરસંડીયા (રહે, ગેરેજ આશીર્વાદ રો હાઉસ, સરથાણા ) અને કેતન ભીખાભાઈ રાઠોડ (રહે, એલ.એચ. રોડ,વર્ષા સોસાયટી, વરાછા) હોવાની કબુલાત કરી હતી. પોલીસે નિલેષકુમારની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.