અમદાવાદ બાદ સુરતમાં પણ સ્થિતિ બેકાબુ, રાત્રી કર્ફ્યૂ મૂકવાની તૈયારીઓ

અમદાવાદ બાદ સુરતમાં પણ સ્થિતિ બેકાબુ, રાત્રી કર્ફ્યૂ મૂકવાની તૈયારીઓ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે

  • Share this:
સુરત : સુરતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સુરતમાં પણ સ્થિતિ બેકાબુ બની રહી છે. જેથી હવે સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ મૂકવાની તૈયારીઓ થઈ રહી છે. શહેરમાં 4 દિવસમાં 784 કેસ નોંધાયા છે. જેને લઈને પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. બંછા નિધી પાની દ્વારા સુરતના અઠવા ઝોનમાં તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વધુ ભીડભાડ વિસ્તારમાં જો લોકો એકઠા થતા હોય તો તે વિસ્તારને બંધ કરવા અંગે આદેશ આપ્યા છે. આ ઉપરાંત હાલ ખાસ કરીને સુરતના ડુમસ બીચ પર વીકેન્ડમાં ફરવા જતા લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તેની પણ સૂચના આપવામાં આવી છે.

કોરોના સંક્રમણને લઇ જે બીક હતી તે જ સ્થિતિ હાલ દિવાળી બાદ સામે આવી છે. સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેથી બહાર નીકળ્યા હતા. આ જ કારણ છે કે અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તહેવારો બાદ અચાનક અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો વધતા રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતને લઇને આજે કોર કમિટીમાં નિર્ણય લઇ શકાય છે. સુરત શહેરમાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.



દિવાળી તહેવારોમાં નિયમોનું પાલન ન કરતા સંક્રમણ વધ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં પણ કકડ નિયમની અમલવારી કરાશે. સુરતની સ્થિતિને લઈ સુરત પાલિકા કમિશનર બંછા નિધી પાનીએ અલગ અલગ ઝોનની મીટિંગનો દોર શરૂ કર્યો છે. ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરવામા આવી રહી છે. જેમાં શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં જો વધારે લોકો ઉમટે તો તેને બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શહેરના બીચ પણ પાલિકાની ટીમ સતત નજર રાખશે. આ સાથે સતત વધી રહેલા કેસના કારણે જે દર્દીઓ ઉપર મોનિટરિંગ કરવા માટે પાલિકા દ્વારા ખાસ ફોલોઅપ સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોમ આઇસોલેશનના દર્દીઓની દર એક કલાકે આખી ડીટેલ પાલિકાના અધિકારીઓ મેળવી રહ્યા છે. જો હોમ આઇસોલેશનના દર્દીઓની તબિયત લથડે અને સુધાર ન આવે તો તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગેની પણ તમામ તૈયારીઓ પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો - કોરોનાના કેસ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

કોરોનાના વધતા કેસોને લઈ સુરત મનપા દ્વારા કોરોના ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી છે. રેલવે સ્ટેશને રોજિંદા 900 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેશને રોજિંદા 600 લોકોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. શહેરના 4 પ્રવેશ દ્વાર ઉપર ચેકપોસ્ટ પણ ઉભી કરાઇ છે. ચારેય ટેસ્ટિંગ પોઇન્ટ ઉપર રોજિંદા 1200 જેટલા ટેસ્ટ કરાય છે. ટેસ્ટિંગ પોઇન્ટ પર રોજ 50 જેટલા કેસ નોંધાયા છે.

મનપા દ્વારા આગામી સોમવારથી અન્ય ટેસ્ટિંગ પોઇન્ટ શરૂ કરાશે. આ સાથે જ હીરા બજાર, ટેક્સટાઇલ માર્કેટમાં પણ ટેસ્ટિંગ શરૂ કરાશે. સાથે જ 100થી વધુ ધન્વંતરી રથો દ્વારા પણ ટેસ્ટિંગ પ્રક્રિયા સઘન બનાવાશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે એક જ દિવસમાં શહેર અને જિલ્લામાં 239 કેસ પોઝિટિવ નોંધાયા છે. અને શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારને પાર કરી 40632 થઈ ગઈ છે.
Published by:Ashish Goyal
First published:November 20, 2020, 15:28 pm