જય મિશ્રા, અમદાવાદ : વૃક્ષારોપણ માટે ફક્ત અભિયાનો ચલાવવાથી લોકો પ્રેરાય નહીં પરંતુ તેમને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહન મળે તેવું આયોજન હોવું જોઈએ. આ જ વિચાર સાથે ભરૂચ જિલ્લાના બોરી ગામની ગ્રામ પંચાયતે અનોખા અભિયાનનો પ્રારંભ કર્યો છે. પંચાયતે ગામમાં વૃક્ષો વાવવા માટે લોકોને પ્રેરવા અનોખી સ્કિમ બહાર પાડી છે. બોરી ગામમાં જે લોકો ઘર દીઠ 3 વૃક્ષ વાવી અને તેની સંપૂર્ણ કાળજી રાખીને ઉછેરશે તેનો આવતા વર્ષે પંચાયતનો વેરો માફ કરી દેવામાં આવશે. આ અભિયાનના માધ્યમથી પંચાયત ગામને નંદનવન બનાવવા માંગે છે.
આ અભિયાન વિશે માહિતી આપતા ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ગામના ઉપ સરપંચ અરૂણ વસાવાએ જણાવ્યું, “આવનારી પેઢીને પર્યાવરણની ભેટ આપવી હોય તો આજથી જ કમર કસવી પડે. અમે નક્કી કર્યુ છે કે અમારા ગામને હરિયાળું બનાવીશું. અમે ફક્ત વૃક્ષો વાવી અને તેને ત્યજી દેવા માંગતા નહોતા તેથી લોકોને સામે વળતર આપવાનું નક્કી કર્યુ. જે લોકો ઘર દીઠ 3 વૃક્ષ વાવશે અને તેનો ઉછેર કરશે તેને એક વર્ષ બાદ વૃક્ષની સ્થિતી જોયા બાદ ગામના વેરામાંથી માફી આપવામાં આવશે.” વસાવા જાતે પણ વૃક્ષપ્રેમી છે અને પાવડા અને ત્રિકમ લઈને વૃક્ષો રોપવા નીકળી પડે છે. આ સ્કિમની જાહેર 27મી જુલાઇએ કરવામાં આવી છે.
બોરી ગ્રામ પંચાયત દ્વારા 27મી જુલાઇથી આ યોજના શરૂ કરવામાં આવી છે.
પંયાતમાં દર 5 વર્ષે ચૂંટણીઓ થતી હોય છે, તેવામાં આ પ્રકારની યોજના નવી સમિતી ચૂંટાય ત્યારે જૂની યોજના અમલી ન બને તેવું પણ બનતું હોય છે. જોકે, વસાવા જણાવે છે કે હું છું ત્યાં સુધી તો આ સ્કિમ શરૂ રહેશે. તેમના મતે આગામી સરપંચ અને ઉપ સરપંચ પણ આ યોજનાને અમલી બનાવશે પણ ન બનાવે તો આગામી 2.5 વર્ષ સુધી તો આ યોજના શરૂ રહેશે અને ત્યાં સુધીમાં વૃક્ષનો ઉછેર લોકોની આદતનો ભાગ બની જશે.
ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી બાદ નવી સમિતી ન રચાય ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
ગામમાં 200 ઘર છે બોરી ગ્રામ પંચાયત અંતર્ગત લગભગ 200 જેટલા ઘરનો વેરા અંતર્ગત સમાવેશ થાય છે. આ પ્રકારની યોજનાઓનો લાભ તમામ લોકો લે તે જરૂરી નથી પરંતુ વેરાની યોજનાનો લાભ જો તમામ લોકો લેશે તો પણ પંચાયતને તેનો રંજ નથી. આ વિશે વધુ માહિતી આપતા વસાવાએ કહ્યું, “અમે પ્રતિ મકાન સાઇઝ મુજબ વેરો લઈએ છે. આશરે એક ઘરનો વેરો 300 રૂપિયા જેટલો ઓછામાં ઓછો આવતો હોય છે. જોકે, તમામ લોકો લાભ લઈને વૃક્ષો ઉછેરશે અને વેરાની એક રૂપિયાની આવક નહીં થાય તો પણ પંચાયતની તૈયારી છે. અમારો હેતુ પાર પડે તે જ અમારી નેમ છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર