ભરતસિંહ વાઢેર, દમણ : સંઘ પ્રદેશ દમણમાં ( Daman)એક કિશોરને જાહેરમાં નગ્ન કરી અને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થઇ રહ્યો છે. દમણના બામણ પૂજાના કહેવાતા વીડિયોમાં ચોરીનો (Theft)આરોપ લગાવી અને કિશોરને લોકો ઢોર માર મારી રહ્યા છે. આટલેથી ન અટકતા કેટલાક લોકોએ કિશોરને જાહેરમાં જ નગ્ન કરી અને એક થાંભલા સાથે બાંધી અને તેને ઢોરમાર મારી તાલિબાની સજા (Taliban punishment)કરતા હોવાના દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દમણમાં બામણ પૂજા વિસ્તારમાં કિશોરને તાલિબાની સજા આપવાની આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
બનાવની વિગત મુજબ દમણના બામણ પૂજા વિસ્તારમાં બજારમાં એક કિશોરને લોકો ચોરીના આરોપસર પકડી પાડે છે. ત્યારબાદ આ કિશોરને સ્થળ પર હાજર લોકો ઢોર માર મારે છે. કેટલાક લોકો યુવકને ચપ્પલથી પણ માર મારી રહ્યા છે. એક વ્યક્તિ કિશોરના પગ પર ઉભા રહી અને તેને સજા કરતા હોવાનું પણ મોબાઈલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જોકે ઉપસ્થિત ટોળું આટલેથી ન અટકતા માનવતાની તમામ હદ વટાવી હતી અને કિશોરને થાંભલા સાથે બાંધી અને કપડા ઉતારી તેને નગ્ન કર્યો હતો અને ત્યારબાદ પણ માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
કિશોરને આવી અમાનવીય રીતે સજા ફટકારી લોકોએ કાયદો હાથમાં લીધો હતો. માર મારતા લોકોને કિશોર હાથ જોડી અને છોડી મુકવા આજીજી કરી રહ્યો હતો. તેમ છતાં કેટલાક લોકો બહાદુરી બતાવતા હોય તેમ વધુ જોરથી માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં એકસાઇઝ વિભાગના એક પોલીસકર્મી પણ દેખાઇ રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો પોલીસની હાજરીમાં પણ કિશોરને મારવાનું ચાલુ જ રાખે છે. વીડિયોમાં દેખાતા એકસાઇઝ વિભાગના પોલીસકર્મી પણ લોકોને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક જ બનીને જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.