Home /News /gujarat /સુરત : કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના સાંસદને પાર્ટીના જ કાર્યકર્તાઓએ ખરી-ખોટી સંભળાવી, ચુપચાપ ચાલતી પકડી

સુરત : કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના સાંસદને પાર્ટીના જ કાર્યકર્તાઓએ ખરી-ખોટી સંભળાવી, ચુપચાપ ચાલતી પકડી

સુરત : કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના સાંસદને પાર્ટીના જ કાર્યકર્તાઓએ ખરી-ખોટી સંભળાવી, ચુપચાપ ચાલતી પકડી

ખુદ ભાજપના જ કાર્યકરોએ બુમો પાડીને કહ્યું- અત્યાર સુધી ક્યાં હતા તમે, તમારા મતદારોની તમને કંઇ પડી નથી, હવે શું દોડી આવો છો તમને શરમ નથી આવતી, ભાજપના અન્ય અગ્રણીઓ પણ હાજર હતા. પરંતુ તેઓ કાર્યકરોનો રોષ જોઇને કંઇ બોલી શક્યા ન હતા

સુરત : કોરોનાને કારણે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર તદન બોગસ પુરવાર થયું છે. લોકોના સ્વજનો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. ઓક્સિજન મળતો નથી અને દવાઓના કાળા બજાર થઇ રહ્યા છે ત્યારે હવે લોક નેતાઓને તેમના જ કાર્યકરો ખરી ખોટી સંભળાવતા થઇ ગયા છે. પુણા ગામમાં ગત સપ્તાહે મેયર હેમાલી બોઘાવાલાને ભગાવનારા કાર્યકરોએ આજે પુણા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો ઉધડો લીધો હતો. ખુદ ભાજપના જ કાર્યકરોએ પ્રભુ વસાવાને બુમો પાડીને કહ્યું હતું કે, અત્યાર સુધી ક્યાં હતા તમે, તમારા મતદારોની તમને કંઇ પડી નથી, હવે શું દોડી આવો છો તમને શરમ નથી આવતી, ભાજપના અન્ય અગ્રણીઓ પણ હાજર હતા. પરંતુ તેઓ કાર્યકરોનો રોષ જોઇને કંઇ બોલી શક્યા ન હતા. લોકોમાં નેતાઓ પ્રત્યે એટલો બધો રોષ જોવા મળી રહ્યો છે કે, હવે તેમની મોટી મોટી વાતોમાં આવવાને બદલે પોતાનો ગુસ્સો ઠાલવતા જરા પણ ખચકાતા નથી. પ્રભુ વસાવા આ ઘટના બન્યા બાદ ચુપચાપ ચાલતા થઇ ગયા હતા.

પુણા વિસ્તારમાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવા તેમના વિસ્તાર એટલે કે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા આવ્યા હતા જોકે ત્યાં હાજર રહેલા મહેશ હિરાપરા નામના વ્યક્તિએ બધાની વચ્ચે જ ખખડાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, બીજી લહેર પૂરી થઇ ગયા બાદ આવ્યા છો, અત્યાર સુધી તમે ક્યાં હતા, તમને શરમ આવવી જોઈએ. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા કરી નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા. ભાજપના કાર્યકર્તાએ તેમનો ઉગ્ર વિરોધ કરતા સાંસદ પ્રભુ વસાવા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.

આ પણ વાંચો - ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આક્ષેપ, બનાસકાંઠામાં 45થી વધુ ઉંમરના 98 ટકા લોકોને વેક્સિનેશનના તંત્રના દાવા પોકળ

આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન આ પ્રકારે કોઈ વિરોધ કરશે તેવું કલ્પના કરી ન હતી. સાંસદને તેમની કોરોના સંક્રમણ દરમિયાન નબળી કામગીરીની ઝાટકણી કાઢી નાખી હતી. પ્રભુ વસાવા બોલતા રહ્યા કે તમે તમારા સ્વજનો ગુમાવ્યા છે. તેની હું લાગણી સમજી શકું છું પરંતુ મહેશ હીરાપરાએ તેમની સંવેદનાની વાતને જાણે માત્ર એક ઔપચારિકતામાં લીધી હતી. આ એ જ કાર્યકર છે જેણે થોડા દિવસ પહેલા પણ ઇન્જેક્શનને લઇને સુરતના મેયરનો પણ ઉધડો લીધો હતો અને મેયરને પણ જાહેરમાં ખખડાવ્યા હતા. તેમને પણ ત્યાંથી ભગાડ્યા હતા.

જે પાર્ટી માટે કામ કર્યું અને જે પાર્ટીના કાર્યકર છે તેમના માટે આ મેયરથી લઇને ધારાસભ્ય અને સાંસદને ફોન ઉપાડી જવાબ આપવાનો સમય નથી. આવા નેતા જે પાર્ટીના કાર્યકરોની સેવા નથી કરી શકતા તે પ્રજાની સેવા શું કરશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોરોના સંક્રમણકાળના એક વર્ષનો સમય વીતી ગયા બાદ બીજી લહેરના અંતે સાંસદને પોતાના મતવિસ્તારમાં જોતા સ્થાનિક લોકો ક્રોધિત થયા હતા. તેમણે સાંસદની ગરીમા જાળવ્યા વગર રીતસરના તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવી દીધું હતું. સાંસદ પ્રભુ વસાવાના ચહેરા ઉપર પોતાનો થઈ રહેલા અપમાનનો ભાવ સ્પષ્ટ જોવા મળતો હતો. આઇસોલેશન સેન્ટરમાંથી સાંસદ પ્રભુ વસાવા વીલા મોઢે પરત ફર્યા હતા.
First published:

Tags: Bjp mp, Covid center, ભાજપ, સુરત