પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સાધ્વી સાથે દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજા મળતા જ નારાયણ સાંઇને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે. અહીં તેને અન્ય કેદીઓની જેમ કેદી નંબર અપાયો છે, જે 1750 છે.
આજીવન કેદની સજા મળતા જ નારાયણ સાંઇને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સુરતની લાજપોર જેલમાં તે હવેથી કેદી નંબર 1750થી ઓળખાશે. અહીં નારાયણ સાંઇને બેરેક નંબર સી-6માં રાખવામાં આવ્યો છે. જેલ મેન્યુલ પ્રમાણે નારાયણ સાંઇ પર તમામ નિયમો લાગુ પડશે. જેમ કે જેલનું જ ભોજન લેવું પડશે. જેલમાં તેને ટૂંક સમયમાં કામગીરી પણ સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ કેસમાં આસારામ અને તેનું પુત્ર નારાયણ સાંઇ જેલમાં બંધ છે. સગીરા સાથે દુષ્કર્મ કરવા બાબતે આરોપી આશારામને જોધપુર કોર્ટ દ્વારા આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. અહીં આસારામને કેદી નંબર 130 આપવામાં આવ્યો છે. આસારામ સહીત તેમના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી અને ડિરેક્ટર શરત ચંદ્રને પણ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી શિવા અને રસોઈયા પ્રકાશને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.
જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 11 વર્ષ બાદ એટલે કે 2013માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત 58 દિવસ સુધી ભાગતો રહ્યો હતો. હાલ સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી, શુકવાર તા. 26મી એપ્રિલના રોજ નારાયણ સહિત પાંચને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા અને પાંચને નિર્દોષ છોડતો હુકમ કરાયો હતો. જેમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. નારાયણ સાંઈને આજીવન, ગંગા,જમુના અને હનુમાનને 10 વર્ષ અને રમેશને 6 માસની સજા ફટકારવામાં આવી છે. જ્યારે નારાયણ સાંઈને 1 લાખ અને ગંગા,જમુના અને હનુમાનને 5000 હજાર અને રમેશને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદમાં કોર્ટ રૂમમાં સરકારી અને નારાયણ સાંઇના વકીલો વચ્ચે સજા માટે દલીલો શરૂ થઈ હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર