સુરત : કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત બને અને મનમાં હતાશા ન આવે તેની કાળજી હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટરમાં લેવામાં આવી રહી છે. સુરતના યુવા કલાકાર જેનિશ કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે. સુમધુર સંગીત અને ગાયકી સાથે કોરોના દર્દીઓનું દુઃખદર્દ હળવું કરવા અને માનસિક શાંતિ આપવાની સાથે હ્યદયમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી રહ્યાં છે. અલથાણ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં જેનિશના સંગીત થેરાપીના નવતર પ્રયોગથી કોરોના દર્દીઓનું દુઃખદર્દ હળવું થાય છે.
જેનિશ સુરતી સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અને મ્યુઝિક આર્ટીસ્ટ પણ છે. તેઓ જુલાઈ માસથી અટલ કોવિડ સેન્ટરમાં રિસેપ્શન તથા મેનેજમેન્ટ કાર્યમાં સેવા આપી રહ્યા છે. જેનિશ સુરતીએ જણાવ્યું હતું કે શારીરિક બીમારીથી પીડાતાં રોગી માનસિક રીતે ભાંગી પડતાં હોય છે. શારીરિક બિમારીનું મુળ મન હોય છે. માણસ મનથી મક્કમ બની જાય તો બીમારીથી મુક્તિ મેળવવી સરળ બને છે. સંગીત માત્ર મનોરંજન માટેનો પ્રકાર નથી રહ્યો. વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવી લેવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ સંગીતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
જેનિશની નાની બહેન રોશની કોરોના સંક્રમિત થતાં ‘અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર’માં દાખલ કરી હતી. બે દિવસ બાદ જેનિશે કોવિડ સેન્ટરના મેનેજમેન્ટમાં સેવા આપવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે બહેન સ્વસ્થ થઈને ઘરે આવી અને થોડા દિવસમાં મારા માતા-પિતાને પણ કોરોનાનું ઇન્ફેકશન થયું. આ સમયગાળો ઘણો જ ગંભીર અને નિરાશાજનક રહ્યો હોવાનું જણાવી જેનિશે કહ્યું હતું કે મનમાં નકારાત્મક વિચારો આવતા પણ હું હિંમત રાખતો. મેં વિચાર્યું કે જેમને કોરોના થયો છે એવા દર્દીઓની સ્થિતિ શું થતી હશે? મેં નિર્ણય કર્યો કે, મારી સંગીતની કળા દ્વારા હું તેમનું મનોરંજન કરીશ અને કોરોના સામેના યુદ્વમાં દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરીશ. બસ આ એક ઉદ્દેશથી નિરંતર અટલ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાની સાથે દર્દીઓનું મન હળવું થાય અને મનોરંજન થાય એવા પ્રયત્નો કરું છું. માતા-પિતા સ્વસ્થ થઈને ઘરે આવ્યા અને તેમણે પણ સેવા કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યો છે.
" isDesktop="true" id="1021669" >
પરિવારમાં કોરોના થતાં જેનિશભાઈ એકથી વધુ વાર કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે. જેમાં રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતાં. જેનિશે કહ્યું હતું કે કોરોના સ્થિતિમાં દર્દીઓને માનસિક સધિયારાની ખુબ જરૂર હોય છે. ગીત-સંગીત પેઈનકિલરનું કામ કરે છે. હું અટલ કોવિડ સેન્ટરમાં સેવા સાથે સંગીતને જોડીને દર્દીઓને કોરોના સામે લડવા પ્રોત્સાહિત કરી રહ્યો છું. હજારો લોકો સામે સ્ટેજ પર પરફોર્મ કરીને જે આનંદ થાય એનાથી સવિશેષ આનંદ કોરોના દર્દીઓને સંગીતની સુરાવલિ રેલાવીને મળે છે. જ્યાં સુધી શહેર કોરોનામુક્ત નહીં થાય ત્યાં સુધી હું કોરોનાગ્રસ્તોની મદદ અને સેવા કરીશ.