સુરત : સુરતના (Surat)ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસે સંતોષી નગર નજીક 11 માસ અગાઉ ધોળે દિવસે યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા (Murder)કરી ફરાર મુખ્ય સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવને ડિંડોલી પોલીસે (Dindoli Police)ગોવાથી ઝડપી પાડયો છે. હત્યા (Murder In Surat)કરી ફરાર થઈ આરોપી ગોવા પહોંચી ગયો હતો. ત્યાં હાઈડ્રોલિક ક્રેનના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં વિકાસે પોલીસથી બચવા માતા-પિતાને વતન મોકલી આપ્યા હતા અને પરિવારને સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરાવી દીધો હતો. જોકે પોલીસે બાતમીના આધારે ગોવામાં વાત કરી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સુરતની ડિંડોલી પોલીસને સફળતા મળી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ તળાવ નજીક સંતોક રેસિડેન્સીમાં રહેતા અને અગાઉ ગેરેજ ચલાવતા યુવકનું લોકડાઉનમાં (lockdown) ગેરેજ બંધ થઈ જતા ફાઈનાન્સ કંપનીમાં ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. 2 નવેમ્બર 2020ના બપોરના સમયે બે બાઇક ઉપર આવેલા વિકાસ મનજી સહિત ચારથી પાંચ વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. વધુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. ડિંડોલી પોલીસે આ મામલે ઘટના સ્થળે દોડી જઇ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસથી સોસાયટીમાં છોકરાઓ વચ્ચે ઝઘડો ચાલતો હતો અને તેમાં દરમિયાનગીરી કરતાં મધુકર ઉપર હુમલો કરાયો હતો. પોલીસે આ ગુનામાં અમિત પરમારની ધરપકડ કર્યા બાદ થોડા સમય અગાઉ ગુનેગાર મનજી ચૌધરીની પણ ધરપકડ કરી હતી. પરંતુ હત્યાકાંડમાં મુખ્ય સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવ ફરાર થઇ ગયો હતો અને તેનો પરિવાર પણ સુરતમાં હાજર ન હતો. વર્ષ 2018માં લગ્નસંબંધમાં પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ઝડપાયેલો વિકાસ 2015-16 ગોવામાં રહેતો હોવાની હકીકત પણ પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે એક ટીમ તૈયાર કરી હતી અને તપાસ અર્થે ગોવા મોકલી હતી. ચેતન અને સંતોષ પાર્ટીની આગેવાનીમાં ગોવા ગઈ હતી જ્યાં વિકાસની તપાસ કરતી હતી. આરોપી હત્યા કરીને ગોવા ભાગી ગયા બાદ હાઇડ્રોલિક ક્રેનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આરોપીએ પોતાના માતા-પિતાને પણ વતન મોકલી દીધા હતા અને છેલ્લા લાંબા સમયથી સ્માર્ટફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. જોકે આમ છતા પોલીસ તેને ઝડપવા સફળ રહી છે. આરોપી ગોવા ખાતે ઝડપાયો બાદ તેને સુરત લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.