સુરત: સોશિયલ મીડિયાનો સમજ્યા વિના ઉપયોગ કરવાનું ક્યારેક ભારે પડી શકે છે. ફેસબુક હોય કે પછી બીજી સોશિયલ સાઈટ હોય તેમાં જો પાસવર્ડ રાખવામાં થોડી ગફલત થાય તો એકાઉન્ટ હેક થઇ શકે છે. એક મહિલાએ ફેસબુકના પાસવર્ડ તરીકે પોતાનો પાસવર્ડ રાખ્યો અને તે કાઉન્ટ હેક થઇ ગયું હતું.સાયબર ક્રાઈમની ટીમે જામનગરના એક 16 વર્ષના તરુણની અટક કરી છે.
સુરતની એક મહિલાએ તેના ફેસબુકના એકાઉન્ટમાં પાસવર્ડ તરીકે પોતાનો જ મોબાઈલ ફોન નંબર રાખ્યો હતો. જે તેને ભારે પડી ગયું. વરાછા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ ચાર વર્ષ અગાઉ પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપતા તે ઉપયોગ કરતી હતી. દરમિયાન, ગત 26 મેના રોજ પરિણીતાને પતિએ પૂછ્યું હતું કે, તું તારા ફેસબુક એકાઉન્ટની સ્ટોરીમાં તારા બિભત્સ ફોટા કેમ મૂકે છે?
પરિણીતાએ પોતે ફોટા મૂક્યાનો ઇન્કાર કરતા તેના પતિએ ફોટા બતાવ્યા તો તે તેના ફોટા મોર્ફ કરી કોઈકે મુક્યા હતા. પરિણીતાએ ફેસબુક એકાઉન્ટ રિકવર કરવા પ્રયાસ કરતા એકાઉન્ટ રિકવર થયું નહોતું. આથી એકાઉન્ટ હેક થયું હોવાનું જણાતા આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી.અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી ટેકનીકલ સર્વેલન્સના આધારે ફેસબુક એકાઉન્ટ હેક કરી પરિણીતાનો ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો મુકનાર જામનગરના 16 વર્ષના તરુણની અટકાયત કરી હતી.
જામનગરના તરુણે મહિલાની ફેસબુક આઈ.ડી. જોઈ હતી અને તેણે મહિલાના મોબાઈલ નંબરને એકાઉન્ટ હેક કરવાને ઈરાદે પાસવર્ડ તરીકેન મોબાઈલ નંબર લખ્યો અને ફેસબુક એકાઉન્ટ ખુલી ગયું હતું જેનો ગેરલાભ લઈને મહિલાને ફેસબુક પરથી ફોટાઓ લઇ લીધા હતા. અને મહિલાના નામનું જ બીજું એકાઉન્ટ બનાવી દીધું હતું અને તેમાં બીભત્સ પોસ્ટ મૂકી હતી.
જામનગરના ખોજાનાકા ખલીફા મસ્જીદ પાસે રહેતા અને ધો.8નો અભ્યાસ લોકડાઉનમાં પડતો મૂકી હાલ પિતાની સાથે ચિકનની દુકાનમાં મદદ કરતા તરુણની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે ટીખળ કરવા પરિણીતાનું એકાઉન્ટ ખોલી તેમાં લખેલો મોબાઈલ નંબર પાસવર્ડમાં નાંખ્યો તે સાથે જ એકાઉન્ટ ખુલતા તેણે હેક કરી ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યો હતો.બાદમાં તેણે પાસવર્ડ બદલી નાખ્યો હતો. ફેસબુક અથવા તો બીજા સોશ્યલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરનારાઓને પોલીસે અપીલ કરી છે કે, પોતાના પાસવર્ડ જન્મ તારીખ, બાઈક કે કારનો નંબર એવા નહિ રાખવા પરંતુ અટપટા રાખવા જેથી કોઈ આસાનીથી જાણી ન શકે.