સુરત : ડાયમંડ યુનિટો અને કારખાનાઓ માટે મનપા દ્વારા એક ઘંટી પર એક જ રત્નકલાકાર (કારીગર)ને બેસવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે વિવિધ રજૂઆતોને આધારે મનપા દ્વારા શરતોને આધારે એક ઘંટી પર બે કારીગરોને બેસવા માટેની મંજૂરી આપવામાં આવી છે. મનપાની શરત મુજબ એક ઘંટી પર એક જ કારીગર બેસી શકશે પરંતુ આ જ ઘંટી પર બેસનાર અન્ય કારીગર કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય અને સાજા થઇ ગયો હોય અથવા જે રત્નકલાકારને ડાયમંડ યુનિટ દ્વારા સ્વખર્ચે એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવેલ હોય અને તેનો રિપોર્ટ પોઝિટિવ ન હોય કે કોઇ લક્ષણ ન હોય તેવી વ્યક્તિને તે ઘંટી પર બીજા વ્યક્તિ પર બેસાડવાની મંજૂરી આપવામાં આવી છે. એક ઘંટી પર બે વ્યક્તિઓ બેસતાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે મુજબ બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.
કેન્દ્ર સરકારની અનલોક-3 માર્ગદર્શિકાનો અમલ શરૂ થઇ રહ્યો છે. જેને સુસંગત થવા માટે અને વેપારીઓ, ડાયમંડ એસોસિએશનની રજૂઆતોને ધ્યાને લઇ મનપા દ્વારા હીરાબજારને ખુલ્લા રાખવાના સમયમાં વધુ બે કલાકની છૂટછાટ આપવામાં આવી છે. હવે શનિવારથી હીરાબજારમાં ઓફિસો બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી શકાશે.
આ પણ વાંચો - રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ, યુવતી સહિત ચાર આરોપી ઝડપાયા
છેલ્લાં એક સપ્તાહથી ડાયમંડ એસોસિએશન અને વિવિધ વેપારી અગ્રણીઓ દ્વારા મેયર તથા મનપા કમિશનરને પ્રવર્તમાન માગદર્શિકામાં સુધારો કરી હીરાબજારમાં ઓફિસોનો સમય બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીના બદલે બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી કરવાની માગણી કરવામાં આવતી હતી.
સેવાનિવૃત્ત થનાર ઇચ્છે તો 31 ડીસેમ્બર સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક કરાશે
31 જૂલાઇના રોજ સેવાનિવૃત્ત થનારા મનપાના કોઇપણ કેડરના કર્મચારી, અધિકારીઓ જો સંમતિ આપે તો 31 ડિસેમ્બર સુધી તેમનો કોન્ટ્રાક્ટ ધોરણે મનપામાં નિમણૂક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય સ્થાયી સમિતિએ કર્યો છે. હાલ મનપા પાસે સ્ટાફની તંગી છે. આ સ્થિતિમાં સ્થાયી સમિતિનો નિર્ણય ખૂબ જ મહત્વ ધરાવે છે.
સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે, 31 જૂલાઇના રોજ કે ત્યારબાદ સેવાનિવૃત્ત થનાર મનપાના કોઇપણ કેડરના સ્ટાફ જો ઇચ્છે તો તેમની 31 ડીસેમ્બર 2020 સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક કરવામાં આવશે. એટલું જ નહીં ડેપ્યુટી કમિશનર પદેથી સેવા નિવૃત્ત થયેલ સી. વાય. ભટ્ટને 11 માસના કોન્ટ્રાક્ટર પર લેવાના સ્થાયી સમિતિના ઠરાવને હજુ સરકારની મંજૂરી મળી નથી પરંતુ કોવિડ-19ની કામગીરી માટે ડેપ્યુટી કમિશનર ભટ્ટને ચાર માસના કોન્ટ્રાક્ટર પર લેવામાં આવ્યા છે. સેવાનિવૃત્ત ડેપ્યુટી કમિશનર ભટ્ટની મુદ્દત પણ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકામાં જુલાઇ માસમાં 100થી વધુ કર્મચારીઓ નિવૃત થઇ રહ્યા છે. હાલમાં કોરોનાને કારણે તમામ સ્ટાફની ખુબજ જરૂરિયાત હોવાથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.