2012માં ભાજપ તરફથી કપરાડા બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા પ્રકાશ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી

2012માં ભાજપ તરફથી કપરાડા બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા પ્રકાશ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી
ભાજપની ટિકિટ પર ઉમેદવારી કરી ચૂકેલા પ્રકાશ પટેલ પણ હવે ચૂંટણી જંગમાં ઝંપલાવવાની તૈયારી

વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રસપ્રદ બની રહી છે

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રસપ્રદ બની રહી છે. વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને 2012માં કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઉમેદવારી કરી ચૂકેલા પ્રકાશ પટેલ પણ હવે ચૂંટણી જંગમાં ઝંપલાવવાની તૈયારી કરી છે. ભાજપના એક સમયના જિલ્લાના આગેવાન એવા પ્રકાશ પટેલે આ વખતે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

  2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રકાશ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે કપરાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીની સામે ચૂંટણી પણ લડી ચૂક્યાં છે. જોકે ત્યારબાદ પ્રકાશ પટેલે રાજકીય સંન્યાસ લઇ લીધો હતો અને વર્ષો સુધી તેઓ જિલ્લાની રાજનીતિથી અલિપ્ત રહ્યા હતા. પરંતુ આ વખતે આવી ચૂકેલી પેટા ચૂંટણીમાં એકાએક પ્રકાશ પટેલ લાઈમ લાઈટમાં આવ્યા છે અને તેઓએ અચાનક જ વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.  આ પણ વાંચો - 60 વર્ષની ઉંમરમાં LIC વીમા એજન્ટે શરૂ કરી ટ્રેક્ટર બનાવતી કંપની સોનાલિકા, ભારતના અમીરોના લિસ્ટમાં સામેલ

  મીડિયા સાથેની વાતમાં પ્રકાશ પટેલ પોતે સ્વીકારી રહ્યા છે કે આજે પણ તે ભાજપનો સમર્પિત કાર્યકર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આદર્શ માને છે. પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ચાર ટર્મ સુધી કોંગ્રેસની ટિકિટ પરથી કપરાડા બેઠક પર જીતતા આવેલા જીતુ ચૌધરી સામે તેઓને વાંધો છે. જીતુ ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસના સભ્યમાંથી પણ રાજીનામું આપી દીધું હતું અને અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે વ્યક્તિગત જીતુ ચૌધરીથી નારાજ પ્રકાશ પટેલ કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

  હાલના સમયે ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવે તે નિશ્ચિત છે. બીજી તરફ કોંગ્રેસે હજુ સુધી જીતુ ચૌધરીની ટક્કરનો ઉમેદવાર શોધી શકી નથી. એવા સમયે હવે વર્ષ 2012માં ભાજપની ટિકિટ પરથી કપરાડા વિધાનસભા બેઠક પર જીતુ ચૌધરીની સામે ભાજપ ની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા પરંતુ જીતુ ચૌધરી સામે હારેલા પ્રકાશ પટેલે પણ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતાં જ કપરાડાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભારે રસપ્રદ બની રહી છે.. આમ પ્રકાશ પટેલની અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત ભાજપ માટે મુશ્કેલીરૂપ બની શકે તેમ લાગી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:October 08, 2020, 18:42 pm

  टॉप स्टोरीज