ભરૂચ: બે મિત્રોએ મળીને ટ્રક ડ્રાઇવરની કરી હત્યા, વિકૃત મૃતદેહ પર નજર ન જાય તે માટે ઓઢાડી ચાદર

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

બન્ને વિરૂદ્ધ નબીપુર પોલીસ મથકે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કરતાં લૂંટ કરાયેલી ટ્રક કીમ પાસેથી પીટીએ પાવડર વિના બિનવારસી હાલતમાં મળી આવી હતી.

 • Share this:
  ભરૂચ: નબીપુર નજીક વગુસણા ગામની સીમ પાસે ભરૂચથી વડોદરા જવાના માર્ગની સાઇડમાં કાંસમાંથી મૃતદેહ મળવાનો કેસ ઉકેલાયો છે. આ વ્યક્તિની હત્યાનો ભેદ (Murder Mystery) ઉકેલાયો છે. બિહારના જમુઇ જિલ્લાનો વતની અને હાલમાં સુરતથી એમ. આર. શાહ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર (truck driver murder) તરીકે નોકરી કરતો મુકેશ થમન યાદવની હત્યા તેના જ બે મિત્રોએ કર્યાની પોલીસને શંકા છે. હાલ તે ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.

  30 લાખ રુપિયાનો માલ લઇને સેલવાસ જતો હતો

  મૃતક મુકેશ યાદવ ટ્રકમાં દહેજની રિલાયન્સ કંપનીમાંથી PTA એટલે કે પ્યોરીફાઇડ ટેરીફેથેલીક પાઉડરનો 30 લાખ રુપિયાનો જથ્થો ભરીને સેલવાસ જઇ રહ્યો હતો. તેની સાથે તેની જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતાં અને ભિલાડ ખાતે રહેતાં નુરૂલહોદા ઉસ્માન હોદા તેમજ અબ્દુલ અજીજ નુરઆલજી પણ સેલવાસ સુધી આવવાનું કહીને ટ્રકમાં બેઠાં હતાં.

  ભાણાએ વારંવાર ફોન કર્યા છતાં ન ઉપાડતા ગઇ શંકા

  દહેજથી ટ્રક નિકળ્યાં બાદ સેલવાસ નહીં પહોંચતાં મુકેશના ભાણેજ નવલ યાદવે મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુકેશ ફોન ન ઉપાડતા કરતાં ભાણેજને ચિંતા થઇ હતી અને તેમને શોધવાની કામગીરી શરૂ કરી હતી. જે બાદ નબીપુર નજીક વગુસણા ગામની સીમ પાસે ભરૂચથી વડોદરા જવાના રસ્તા પર કાંસમાંથી મુકેશ યાદવનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. લોકોનું ધ્યાન ન જાય તે માટે તેના પર ચાદર ઢાંકી દીધી હતી. જ્યારે તેની ટ્રક અને તેમાં રહેલુ 30 લાખનું PTA એટલે કે પ્યોરીફાઇડ ટેરીફેથેલીક પાઉડર સાથે નુરૂલહોદા ઉસ્માન હોદા તેમજ અબ્દુલ અજીજ નુરઆલજી શંકાસ્પદ રીતે ગુમ હતા.

  બંને મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ

  તેઓએ મુકેશ યાદવની હત્યા કર્યા બાદ લાશને કાંસમાં ફેંકી ટ્રક લઇને ફરાર થઇ ગયાં હોવાનું જણાતાં બન્ને વિરૂદ્ધ નબીપુર પોલીસ મથકે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કરતાં લૂંટ કરાયેલી ટ્રક કીમ પાસેથી પીટીએ પાવડર વિના બિનવારસી હાલતમાં મળી આવી હતી.

  આ પણ વાંચો - ગુજરાતમાં ઠંડી વધશે અને કમોસમી વરસાદ દિવાળી બગાડશે? જાણો શું કહે છે આગાહી

  નબીપુરના સબ ઇન્સ્પેક્ટર, જે. એમ. જાડેજાની મીડિયા સાથેની વાત પ્રમાણે, હત્યાની વારદાતને અંજામ આપનાર બન્ને આરોપીઓ 5-6 મહિના પહેલાં જ નોકરીએ લાગ્યાં હતાં. દહેજથી નર્મદા ચોકડી સુધી પહોંચતાં સુધીમાં તેમણે ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કર્યાં બાદ તેની લાશને વગુસણા ગામ પાસે ફેંકી નબીપુરથી યુટર્ન મારી કીમ તરફ ગયાં હોવાનું અનુમાન છે. જે રીતે બનાવ બન્યો છે તે રીતે આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ અપાયો હોવાનું લાગી રહ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: