ભરતસિંહ વાઢેર, વાપી: કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો વાપીમાં પ્રકાશમાં આવ્યો છે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં અજીબ ફરિયાદ નોંધાઇ છે. જેમાં એક લેભાગુની ગેંગે વાપીના સલવાવમાં રહેતા એક વ્યક્તિને સ્મશાનમાં વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવી આપવાની લાલચ આપી અને રૂપિયા દોઢ લાખ પડાવી લીધા છે. જોકે, સ્મશાનમાં વિધિ કરવા બેસી બહાનું બતાવી અને રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપતી ગેંગના સભ્યો રૂપિયા દોઢ લાખ લઈને છૂમંતર થઈ ગયા હતા. આથી ભોગ બનનારે આ બાબતે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લેભાગુ ગેંગના એક સાગરીતને દબોચી અને સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ રીતે વ્યક્તિ જાળમાં ફસાયો હતો
બાકીના બે ભેજાબાજ આરોપીઓને ઝડપવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. બનાવની વિગત મુજબ, વાપીના સલવાવમાં રહેતા પ્રતીક માયાવંશી નામના એક વ્યક્તિને વિજય મોરિયા અને નરેશ નામના વ્યક્તિઓએ અસલી રૂપિયા ઉપર સ્મશાનમાં વિધિ કરી અને એક બાપુ રૂપિયાનો વરસાદ કરાવી શકે છે, આવી લાલચ આપી હતી. જેનાથી તે વ્યક્તિ લલચાઇ ગયો હતો અને ભેજાબાજોની જાળમાં ફસાઈ ગયો હતો. આથી અનાવલના હરિબાપુ નામના એક તાંત્રિકને વિધિ માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશન
સ્મશાનભૂમિમાં વિધિ કરવા ગયા હતા
બનાવના દિવસે અનાવલના હરિબાપુ અને અન્ય આરોપીઓ વાપી નજીક આવેલા સલવાવના સ્મશાનમાં રૂપિયા દોઢ લાખ લઈ અને વિધિ કરવા ગયા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, જો અસલી રૂપિયા આપવામાં આવે તો અસલી રૂપિયા પર તેઓ સ્મશાનમાં વિધિ કરશે અને આ વિધિ દ્વારા સ્મશાનમાં અસલી રૂપિયાનો વરસાદ કરશે. આવી શક્તિ અને વિદ્યા તેઓ ધરાવે છે. આથી લાલચમાં આવી અને પ્રતીક માયાવંશીએ દોઢ લાખ જેટલી રકમ લેભાગુઓને વિધિ કરવા આપી હતી. ત્યારબાદ આ વ્યક્તિઓ સલવાવની સ્મશાનભૂમિમાં વિધિ કરવા ગયા હતા.
જોકે વિધિ કરતી વખતે ઘર પર નાળિયેર ભૂલી ગયા છે તે નાળિયેર લેવા જવું પડશે આવું કહી અને વિધિ કરવા બેસેલા હરિબાપુ સહિત અન્ય આરોપીઓ વિધિ કરવા મુકેલા રૂપિયા દોઢ લાખ લઈ અને સ્મશાનમાંથી છૂમંતર થઈ ગયા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાનું ભાન થતા પ્રતીક માયાવંશી નામના વ્યક્તિએ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરતા શરૂઆતમાં જ પોલીસને સફળતા મળી હતી. સ્મશાનમાં વિધિ કરી અને અસલી રૂપિયાનો વરસાદ કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતાં ગેંગના નરેશ નામના એક સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરી આ કેસના મુખ્ય ભેજાબાજ એવા અનાવલના હરિબાપુ અને વિજય મોર્યાં નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ લેભાગુઓ અવનવા બહાના બતાવી અને અજબ ગજબ ગજબની તરકીબો બતાવી અને લોકોને એકના ડબલ કરવાની કે, રૂપિયાનો વરસાદ કરાવી આપવાની લાલચ આપી અને રૂપિયા ખંખેરતા હોવાના બનાવો અગાઉ પણ બની ચુકી છે. જોકે આવી કોઈપણ જાતની વિધિથી કોઈપણ રીતે રૂપિયાનો વરસાદ થાય તે શક્ય નથી. તેમ છતાં અંધશ્રદ્ધાથી પ્રેરાઈ કેટલાક લોભી લાલચુ લોકો આવા ભેજાંબાજોની જાળમાં સપડાઈ જાય છે અને મોટી રકમ ખોવાનો વારો આવી શકે છે. ત્યારે અત્યારે વાપીના સલવાવમાં બનેલી આ ઘટનાની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય ભેજાબાજ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. આથી આ ગેંગના મુખ્ય ભેજાબાજ ઝડપાયા બાદ આ ગેંગે અગાઉ કેટલા લોકોને લાલચ આપી શિકાર બનાવ્યા છે. તેનો પણ પર્દાફાશ થશે. આથી મુખ્ય આરોપીઓ ઝડપાયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતા જોવાઇ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર