Home /News /gujarat /

સુરત: પિતાને પુત્રનું ડેથ સર્ટિફિકેટ મેળવતા લાગ્યા 38 વર્ષ, જાણો વિચિત્ર કેસ વિશે

સુરત: પિતાને પુત્રનું ડેથ સર્ટિફિકેટ મેળવતા લાગ્યા 38 વર્ષ, જાણો વિચિત્ર કેસ વિશે

પ્રતિકાત્મક તસવીર

Gujarat high court : ગુજરાત હાઈકોર્ટે બે નીચલી અદાલતોના ચુકાદાઓને આ અવલોકન સાથે ઉલટાવી દીધા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ગુમ થયેલા પરિવારના સભ્યના પાછા ફરવા માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી એ માનવીયવૃત્તિ હોવાની હકીકતને નજરઅંદાજ કરી દેવાઈ છે

વધુ જુઓ ...
સુરત: એક દાયકા સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આખરે વયોવૃદ્ધ માનસિંહ દેવધરાને 38 વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલા તેમના પુત્રનું ડેથ સર્ટિફિકેટ મળશે. આ કેસ ખૂબ લાંબો ચાલ્યો હતો અને કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ વાત ધ્યાને લેવામાં આવી હતી.

માનસિંહ દેવધરાને પોતાના પુત્ર જિતેન્દ્રસિંહને મૃત જાહેર કરવા માટે લાંબી કાનૂની લડત લડવી પડી હતી. તેમણે આ બાબતે 2012માં ન્યાયપાલિકાનો સંપર્ક કર્યો હતો. તે સમયે નીચલી અદાલતોએ અભિપ્રાય આપ્યો હતો કે તેઓ કોર્ટનો સંપર્ક કરવામાં ખૂબ જ મોડા પડ્યા છે. લો ઓફ લિમિટેશનના કારણે તેમના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.

જોકે, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે બે નીચલી અદાલતોના ચુકાદાઓને આ અવલોકન સાથે ઉલટાવી દીધા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ગુમ થયેલા પરિવારના સભ્યના પાછા ફરવા માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી એ માનવીયવૃત્તિ હોવાની હકીકતને નજરઅંદાજ કરી દેવાઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આવા કિસ્સાઓમાં લૉ ઓફ લિમિટેશન લાગુ થઈ શકતો નથી.

શું છે આ મામલો?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે, દેવધરાનો પુત્ર કોલેજના અભ્યાસ માટે સુરતમાં તેના પિતરાઇ ભાઇના ઘરે રહેતો હતો. આ દરમિયાન તે 31 જાન્યુઆરી, 1984ના રોજ ગુમ થયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી અને દૈનિકોમાં જાહેરાતો પણ આપી હતી. પરંતુ તેઓને જિતેન્દ્રસિંહ મળ્યો નહોતો. તેથી પિતાએ તેમના પુત્રના મૃત્યુની ઘોષણા માટે સુરતની સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમનું માનવું હતું કે, રેકોર્ડમાં એન્ટ્રી કરવાથી મિલકતો પરના ગેરકાયદે દાવાઓ ટાળવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા પોલીસને મળી મોટી સફળતા, ગુમ થયેલા ત્રણ બાળકો આખરે મળી ગયા

સિવિલ કોર્ટે તેમને પુત્રના ગુમ થયાના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. દેવધરાએ પોતાની પાસે જે કંઈ હતું તે રજૂ કર્યું હતું અને કોર્ટને 2006ના સુરત પૂરમાં પોલીસ રેકોર્ડ ધોવાઈ ગયા હોવાનું કહ્યું હતું. 2016માં સિવિલ કોર્ટે દેવધરાના દાવાને એમ કહીને ફગાવી દીધો હતો કે, તેમણે સમયમર્યાદામાં એટલે કે, તેમનો પુત્ર ગુમ થયાના 10 વર્ષ અંદર કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો. એવીડન્સ એક્ટ 108 મુજબ લૉ ઓફ લિમિટેશન દ્વારા તેમના દાવાને ફગાવી દેવાયો હતો.

ત્યારબાદ દેવધરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા હતા, જ્યાં તેઓ સફળ રહ્યા નહોતા. જેથી તેમણે હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં જસ્ટિસ એ.પી.ઠાકરે તેમની અપીલ મંજૂર કરી હતી અને તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવા સરકારને આદેશ આપ્યો હતો.કહેવામાં આવ્યું છે કે, પરિવાર માટે માત્ર સાત વર્ષ રાહ જોવી જરૂરી નથી. રાહ જોવાનો સમયગાળો દાયકાઓ સુધી હોઈ શકે છે. ચોક્કસ સમયગાળા પછી કુટુંબના સભ્યો ગુમ થયેલી વ્યક્તિનું મૃત્યુ કોઈ ચોક્કસ તારીખે અથવા કોઈ ચોક્કસ સમયની અંદર થયું છે તેવું આપમેળે જ ધ્યાનમાં લેશે એવી કોઈ ધારણા ન હોઈ શકે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, સુરત

આગામી સમાચાર