સુરત : કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસના પણ વળતાં પાણી, દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો

સુરત : કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસના પણ વળતાં પાણી, દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીઓ ધરાવતાં દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતાઓ સૌથી વધુ જોવા મળતી હતી

  • Share this:
સુરત : સુરત સહિત સમગ્ર દેશમાં કોવિડ-19 બાદ હાહાકાર મચાવનાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ આંશિક ઘટાડો જાવા મળી રહ્યો છે. જેને પગલે એક સમયે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રોજેરોજ દાખલ થતાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાવા પામ્યો છે. હાલ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસિસના 135 દર્દીઓ સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કોરોના વાયરસના બીજા તબક્કાની મહામારી પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી ચુકી છે. જાકે આ દરમ્યાન કોવિડ-19ના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ નામના નવા રોગનું ગ્રહણ જાવા મળ્યું હતું. એક તબક્કે રાજકોટ બાદ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ દર્દીઓનોંધાયા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ આ રોગની ગંભીરતા અને સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખીને મહામારી જાહેર કરવામાં આવી હતી. જાકે હાલ કોવિડ-19ના બીજા તબક્કાની લહેર પર કાબુ મેળવાઇ ગયા બાદ હવે મ્યુકોરમાઇકોસિસના કેસોમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા, 3398 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.07 ટકા

એક તબક્કે સુરત શહેર - જિલ્લામાં રોજના 60થી 70 દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જોવા મળતા હતા. જે દર્દીઓની સંખ્યા હાલ ઘટીને 10થી 12 પર પહોંચી ચુકી છે. આમ, હાલના તબક્કે બ્લેક ફંગસના નામથી પણ ઓળખાતા આ રોગચાળાના દર્દીઓની સંખ્યા એકંદરે સ્થિર થઇ જવા પામી છે અને આગામી બે -ત્રણ સપ્તાહમાં સંભવતઃ આ રોગચાળા પર પણ કાબુ મેળવવામાં સફળતા સાંપડી શકે છે.

કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીઓ ધરાવતાં દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતાઓ સૌથી વધુ જોવા મળતી હતી. જાકે હવે આ રોગના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સુરત શહેરની સ્મીમેર - સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં મળીને 135 દર્દીઓ દાખલ છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં 21, સિવિલ હોસ્પિટલમાં 51 અને ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓનો આંકડો 63 નોંધાવા પામ્યો છે.

એક તબક્કે સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં જ આંકડો બિનસત્તાવાર 500થી વધુ નોંધાયો હતો. હાલ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા સ્થિર થઇ ચુકી છે અને આગામી દિવસોમાં આ સંખ્યામાં પણ નિશ્ચિતપણે ઘટાડો જાવા મળશે. જોકે તેમ છતાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો ધરાવતાં દર્દીઓને તાકીદે સારવાર કરાવવી સૌથી વધુ હિતાવહ છે.

સુરત શહેર સહિત રાજ્યમાં પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધાઇ રહેલા ઘટાડા સંદર્ભે અગ્રણી ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર બાદ બેથી ત્રણ અઠવાડિયામાં દર્દીમાં મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જાવા મળતાં હોય છે. હાલ સુરત શહેરમાં કોરોના મહામારીના બીજા તબક્કાના પીકને પણ બે સપ્તાહથી વધુ સમય થઇ ચુક્યો છે અને એટલે જ આ રોગના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં હજુ પણ ઘટાડો નોંધાઇ શકે છે તેમાં કોઇ બેમત નથી.
Published by:Ashish Goyal
First published:June 04, 2021, 23:25 pm

ટૉપ ન્યૂઝ