કેતન પટેલ, ડાંગ: સામાન્ય રીતે આપણને લાગે છે કે, ચોમાસામાં ડાંગ (Dang in Monsoon) સોળેકળાએ ખીલે છે પરંતુ તેની સાથે ડાંગના ગામડાનાં લોકોને ચોમાસામાં અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ડાંગ (Dang) જિલ્લામાં 311 ગામો આવેલા છે જેમાં આહવા અને વઘઇ નગરોને બાદ કરતાં આ સમગ્ર ડાંગ જિલ્લાના ગામોમાં સ્મશાનભૂમિની (no facility of cremation place in Dang, Gujarat) વ્યવસ્થા નથી. હજુ પણ લોકોને ભરચોમાસામાં પણ નદીના પટમાં ખુલ્લા આકાશ નીચે સ્વજનોની અંતિમ ક્રિયા કરવી પડે છે.
અડધા સળગેલા મૃતદેહો પણ નદીમાં વહી જાય છે
સ્મશાન ભૂમિમાં સગડીની વ્યવસ્થા ન હોવાના કારણે મૃતદેહને કે અગ્નિદાહ આપ્યા બાદ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ જતા વરસાદના લીધે અડધી ચિતા ઓલવાઈ જાય છે. આ ઉપરાતં જો અગ્નિદાહ નદીના પટમાં થતો હોય અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીમાં પુર આવે તો અડધા સળગેલા મડદાઓ નદીના પૂરમાં તણાઈ જવાના પણ અનેક કિસ્સાઓ બન્યા છે.
ડાંગ જિલ્લાના લોકોમાં એવી માન્યતા છે કે, ગામથી નદીના પેલી પાર મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે તો ગામને કોઈપણ જાતના ભય રહેતા નથી. જેથી મોટાભાગના ગામોમાં નદીનો પ્રવાહ ઓળંગીને નદીના પેલા કિનારે અંતિમ ક્રિયા થતી હોય છે. ચોમાસા દરમિયાન આ સ્મશાન ભૂમિ પર જવા માટે રસ્તો નથી. પરિવારજનો અને ડાઘુઓ ઠાઠડી સાથે નદીના પ્રવાહમાંથી ગળા સુધી પાણીમાંથી પસાર થઈ અંતિમ ક્રિયા માટે જાય છે.
ચોમાસા દરમિયાન નદીમાં પણ લીલ થઈ જવાને કારણે અનેકવાર લોકો ઠાઠડી સાથે સાથે પડી જતા લાશનો મલાજો જળવાતો નથી. જાગૃત ગામના લોકોએ અનેકવાર જે તે ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયતમાં સ્મશાનભૂમિમાં જવા માટે રસ્તો તેમજ સગડી સાથે સ્મશાનભૂમિ બનાવી આપવા માટેની માંગણી કરવા છતાં હજુ સુધી ડાંગના અંતરિયાળ ગામોમાં સ્મશાનભૂમિ સુધી જવા માટે રસ્તો તેમજ સગડી સાથે સ્મશાનભૂમિ બનાવવામાં આવી નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર