સુરત : કોરોના વાયરસને લઇને સમગ્ર વિશ્વ જયારે ચિંતામાં મુકાયું છે. ત્યારે ભારતમાં પણ તેની વ્યાપક અસરો દેખાઇ રહી છે. એમા પણ મહારાષ્ટ્ર્ , કેરલ અને પછી ગુજરાતમાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કોરોના વાયરસનો ફેલાવો વધુ ન થાય અને લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સરકાર શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. દરમિયાન કોરોનાના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા શહેરના સચિન વિસ્તારમાં કાર્યરત એક કંપનીને 300 વેન્ટીલેટર મશીનો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
કોરોના વાયરસની ગંભીરતા જોતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા વેન્ટીલેટર માટેનો આદેશ કરાયો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇના જણાવ્યા અનુસાર સુરતમાં આવેલી મેડેક્સ ટેકનોલોજીના પ્રદીપ પટેલને પીએમઓ ઓફિસ ખાતેથી 300 જેટલા વેન્ટીલેટર મશીનો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. કોરોનાની વકરતી સ્થિતિને જોતાં આ આદેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની સાથે મેડેક્સ કંપની મુંબઈમાં પણ કાર્યરત છે. સુરત સ્થિતિ આ કંપની હાઈ ઈક્વિપ્ટ એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર, એક્સ-રે સહિતની મેડીકલને લગતી સાધન સામગ્રી બનાવે છે. મુંબઈ સ્થિતિ સુરતના પ્રદીપ પટેલની કંપની પીએમઓ તરફથી મળેલા 300 વેન્ટીલેટરનો ઓર્ડર પૂરો પાડશે. જોકે હજુ સુધી એ ફોડ પડાયો નથી કે આ ઓર્ડર કયા સુધીમાં પુર્ણ કરવામાં આવશે. તેમજ આ જે વેન્ટીલેટર છે તે સુરતમા કે ગુજરાતમાં ઉપયોગમાં લેવામાં આવશે કે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને આપવામાં આવશે.