સુરત : સુરત શહેરમાં પાછલા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોધાયો છે. જેમાં મનપા દ્વારા ગુજરાતના અન્ય કોઇ શહેરોમાં ન હોઇ તેવી રીતે સૌથી વધુ 182 ટેસ્ટિંગ સેન્ટરો બનાવ્યા છે. જે ગુજરાત નહીં પરંતુ સુરતની કેટેગરીના શહેરોમાં ભારતમાં નંબર વન બન્યું છે. સુરતમાં રોજના 2 હજારથી વધુ ટેસ્ટ થાય છે. જેની સામે પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે. સુરતમાં આજે રિકવરી રેટ વધ્યો છે જેનું કારણ પણ આ ટેસ્ટિંગ જ છે.
કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે મનપાની સ્મીમેર, સરકારની નવી સિવિલ હોસ્પિટલ સહિત, મનપાએ સમજુતી કરાર કરેલ અન્ય ખાનગી હોસ્પિટલો સહીત કુલ ૭૮૬૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે પૈકી હાલ ૭૦૮૯ બેડ ખાલી છે. હાલ ૧૨૧૦ એક્ટીવ કોરોના કેસ છે, જેમાંથી ઘણા લોકો હોમ ક્વોરેન્ટાઇન કે આઇસોલેશન સેન્ટરમાં છે. આ સાથે તેઓએ ઉમેર્યું હતું કે અગાઉ દર ૧૦૦ ટેસ્ટ પૈકી ૧૫-૧૬ દર્દીઓ પોઝિટિવ મળતા હતા, જે સંખ્યા એટલી ઘટી છે કે હવે દર ૧૦૦ ટેસ્ટ પૈકી માંડ બે દર્દીઓ પોઝિટિવ મળી રહ્યા છે. મનપા કમિશ્નરે વધુમાં મહત્વની માહિતી આપતા કહ્યું હતું કે આખા શહેરમાં એકસાથે ૧૮૨ સ્થળોએ સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ રોજેરોજ થતા હોય એવું આખા ભારતમાં સુરત એકમાત્ર શહેર છે.
મનપા કમિશ્નરે કહ્યું હતું કે તહેવારોમાં લોકો વધુ સાવચેતી રાખશે તો આપણે વધુ સફળતા હાસલ કરી શકીશું. પરંતુ પ્રશાસન દ્વારા કોરોનાને હળવાશથી લેવામાં નથી આવતો જેથી અમે પણ વધુ ટેસ્ટિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ. ખાસ કરીને જયા કામ અર્થે વધુ લોકો ભેગા થાય છે. ત્યા સૌથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે જ લોકો કોવિડ પોઝિટિવમાથી ઝડપથી સારા થઇ રહ્યા છે. કારણ કે શરૂઆતના સમયમાં જ પોઝિટિવ કેસની માહિતી હોવાથી તેને સારવાર આપી ઝડપથી સારા કરી શકાય છે.