Home /News /gujarat /

EVMની ભવાઈ, ટેકનિકલ સમસ્યા અને મશીન સાથે છેડછાડની ઉઠી સર્વત્ર ફરિયાદ

EVMની ભવાઈ, ટેકનિકલ સમસ્યા અને મશીન સાથે છેડછાડની ઉઠી સર્વત્ર ફરિયાદ

ગુજરાત પ્રથમ તબક્કાના ઈલેક્શનમાં EVM જ સૌથી મોટી સમસ્યા બનીને સામે આવ્યું હતું. ઘણી બધી જગ્યાએ ઈવીએમ મશીન બગડી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈને મતદાતાઓ મતદાન શરૂ થાય તે પહેલા જ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જેને લઈને ઘણી સીટો પર મતદાતાઓએ હોબાળો પણ કર્યો હતો. તે ઉપરાંત ઘણી બેઠકો પર ઈવીએમ સાથે છેડછાડ કરાઈ હોવાના આક્ષેપ પણ લાગ્યા છે.

આમ મતદાન કરાવવા માટેનું સાધન જ જ્યારે કામ ના આવે ત્યારે કેવી સ્થિતિ સર્જાય તે આપણે સમજી શકીએ છીએ. ઘણી બેઠકો પર ઈવીએમ મશીનને રિપેરિંગ કરવામાં આવ્યા હતા. જેનાથી પણ ઘણો સમય પ્રસાર થઈ ગયો હતો.

ઈવીએમે ઠેર-ઠેર કરાવ્યા હોબાળા

ભરૂચ
ભરૂચની આર.એસ.દલાલ શાળાના મતદાન મથક પર EVM ધીમું ચાલતું હોવાના હોબાળો થયો હતો. મતદાતાઓ અને કોંગ્રેસના નગર સેવકો વિરોધ નોંધાવ્યો હતો.

પોરબંદર
પોરબંદરમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અને ઈવીએમ મશીન બ્લૂટૂથ સાથે કનેક્ટ થતું હોવાના કારણે હોબાળો થયો હતો. બુથ નંબર 127નું ઈવીએમ મશીન જ ચાલું ના થતાં સવારે મતદાન કરવા આવેલ મતદાતાઓને લાઈનોમાં લાગવું પડ્યું હતું. પોરબંદર જિલ્લાની બંને વિધાનસભા સીટમાં અંદાજે 7-7 ઈવીએમ મશીન મતદાન શરૂ થાય તે પહેલા જ બંધ થઈ ગયા હતા. જેથી લોકો લાઈનમાં ઉભા રહીને કંટાળી ગયા હતા. ઈવીએમ એન્જિનિયરિંગ એસ.વી આનંદે સ્પષ્તા કરતાં જણાવ્યું હતું કે, "બ્લુટુથ કે વાઈફાઈથી ઈવીએમ કે વીવીપેટથી જોડાણ થઇ શકે નહી". પોરબંદરમાં આ પહેલા બાબુ બોખિરિયા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઈવીએમ મશીન સાથે બ્લૂટૂથને ક્નેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ વિશે તેમણે જણાવ્યું હતું કે, અમે આની પ્રિન્ટ સ્ક્રિન સાથે અમે કેસ કર્યો છે.

મહુવા
મહુવાના અતિ સંવેદનશીલ બુથમાં EVM બંધ થઈ ગયું હતું. મહુવાના કતપર ગામે બુથ નંબર 1નું EVM બંધ થઈ ગયું હતું. જેથી અહીના લોકો પણ હાલાકી અનુભવી હતી. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈવીએમ મશીનને રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તે છતાં પણ અડધીથી એક કલાક સુધી મતદાતાઓને રાહ જોવાની ફરજ પડી હતી.

માંગરોળ
માંગરોળની પણ અમુક બેઠકો પરથી ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવી ફરિયાદો સામે આવી છે. માંગરોળની પણ અમુક બેઠકો પર ઈવીએમ મશીન બ્લૂટૂથ સાથે કનેક્ટ થવાની ફરિયાદ સામે આવી હતી. જેને કારણે હોબાળો થયો હતો. કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી હતી.

મોરબી
મોરબી જિવાપરચકમપર ગામે EVMમાં મતદાન ધીમુ થતુ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ લગાવ્યો હતો.

સુરત
સુરતના કામરેજ વિધાનસભામાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પહેલા જ ત્રણ કલાકમાં 7થી 8 જેટલા ઈવીએમમાં ખામી સર્જાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે, લોકોનું મતદાન અટકાવવા માટે સરકારે ઈવીએમ બગાડવાનું ષડયંત્ર રચ્યો હતો. ઓલપાડની એક સિટ પર મતદાતાઓ વહેલી સવારે મત આપવા માટે આવી ગયા હતા, જોકે તેઓ ઈવીએમ બગડી ગયું હોવાના કારણે એકથી પણ વધારે કલાક સુધી વોટિંગ કરી શક્યા નહતા.

રાજકોટ
રાજકોટમાં પણ ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ પશ્ચિમમાં વોર્ડ નંબર 3માં 3 ઈવીએમ બગડી ગયા હતા. તે ઉપરાંત રાજકોટ રેયા રોડ પર બે ઈવીએમ અને બૂથ નંબર 11માં ઈવીએમમાં પણ ખામી સર્જાઈ હતી. આમ રાજકોટમાં પણ લોકોને મતદાન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નર્મદા
નર્મદાના નાંદોદની રાજેન્દ્ર હાઈસ્કૂલમાં ઈવીએમ મશીન ખોટવાઈ ગયો હતો. મતદાન શરૂ પણ થયો નહતો અને આ ઈવીએમ મશીનમાં ખામી મળી આવી હતી. NOTAનું બટન દબાવ્યું હોવા છતાં મત રજિસ્ટ્રાર થતો નહતો. તે ઉપરાંત નાંદોદ વિધાનસભાની જેતપુર બેઠક પર પણ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી. અહી EVMમાં ત્રણ નંબરનું બટન દબાતું નહતું. આ બટન પર કોંગ્રેસના ઉમેદવાર પી.ડી વસાવાનું ચિન્હ હોવાના કારણે તંત્ર દ્વારા તેને તાત્કાલિત બદલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

નવસારી
નવસારીમાં આવેલ ગણદેવીના આંતલિયા ગામે EVMના બટનમાં ખામી સર્જાઈ હતી. ઈવીએમનું બટન રિપેર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વોટિંગની શરૂઆત કરવામાં આવી હતી.

જામખંભાળીયા
જામખંભાળીયમાં કન્યા શાળામાં 128 નંબર બુથ પર ઈવીએમ ખોટવાઈ પડ્યું હતું. અહી પણ ઈવીએમ ખોટવાઈ પડતા મતદાતાઓની લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ બધા વચ્ચે ઈવીએમને બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રાજપીપળા
રાજપીપળા 1 વિભાગના 141 નંબરના બુથમાં ઈવીએમ એકાએક બંધ થઈ ગયું હતું. ઈવીએમમાંથી બીપનું આવાઝ બંધ થઈ ગયું હતું, જેના કારણે તે ઈવીએમ બદલીને નવું ઈવીએમ ગોઠવવામાં આવ્યું હતું.

ભાવનગર
ભાવનગરના પાલિતાણામાં ગોરજીની વાડીમાં ઈવીએમ ખોટવાઈ પડ્યું હતું. અચાનક બગડી ગયેલા ઈવીએમ મશીનને બદલવા માટે તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી હતી.

ભરૂચ-વાપી- લખતર
ભરૂચના વાગરાના દયાદરા ગામે પણ ઈવીએમમાં ખરાબી સર્જાવાના કારણે મતદાન મોડુ શરૂ કરવામાં આવ્યું હતું. તે ઊપરાંત વાપીના 187 બૂથ નંબર ઈવીએમ ખોટવાઈ ગયું હતું. જેથી મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. લખતરના ઓઠ અને ધ્રાંગધ્રામાં ઈવીએમ મશીનને ઝડપી બદલવામાં આવ્યા હતા.

વલસાડ
વલસાડના કોસંબામાં ઈવીએમ ખરાબ થઈ ગયું હતું. પાંચ નંબર પર ઈવીએમ ખોરવાતા તરત જ તેમની ફેરબદલી કરવામાં આવતી હતી.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવી ફરિયાદ સામે આવી હતી. પોલીસ અધિકારીઓ પાસેથી મોબાઈલ અને બ્લૂટૂથ મળી આવતા કોંગ્રેસના ઉમેદવાર મોહન પેટેલ હોબાળો કર્યો હતો. મોહન પટેલે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ ઈવીએમમાં ચેડી કરી રહ્યાં છે. આથી લઈને મતદાન અટકાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગીરસોમનાથ - 2, અમરેલી- 2, કચ્છ- 2, અબસાડા- 9, અંજાર-1, ભૂજ-1માં ઉપરાંત સમગ્ર ચૂંટણી દરમિયાન 125થી વધારે ઈવીએમ મશીનમાં ખરાબી સર્જાઈ હતી.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર