વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત

વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત
વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત

વલસાડ જિલ્લાના એક ઠગબાજે દર્દીના પરિવારજનો પાસેથી સારવાર માટે અત્યંત જરૂરી એવા ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેક્શ બે દિવસમાં લાવી આપવાની લાલચ આપી 42500 હજાર રૂપિયા ખંખેરી લીધા

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ : રાજ્યના અન્ય વિસ્તારોની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવા સમયે કેટલાક લેભાગુ તત્વો દર્દીના પરિવારજનોની મજબૂરીનો લાભ ઉઠાવી મોંઘાદાટ ઇન્જેક્શનો લાવી આપવાની લાલચ આપી અને હજારો રૂપિયાની ઠગાઈ કરતા હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

  વલસાડ જિલ્લાના એક ઠગબાજે દમણના એક દર્દીના પરિવારજનો પાસેથી સારવાર માટે અત્યંત જરૂરી એવા ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેક્શ બે દિવસમાં લાવી આપવાની લાલચ આપી અને 42500 હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા કર્યા બાદ પણ ઇન્જેક્શન નહીં આપતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમ હોસ્પિટલમાં મરણ પથારીએ પડેલા દર્દીના સ્વજનોની મજબૂરીનો લાભ લઇ લોકોને ઇન્જેક્શન લાવી આપવાની લાલચ આપી અને ઠગાઈ કરતા ઠગબાજ ને ગણતરીના સમયમાં જ ઝડપી અને સળિયા પાછળ ધકેલી દીધો છે.  બનાવની વિગતે વાત કરીએ તો દમણના મોર્ગેશ ભાઈ જયરામ ભાઈ પટેલ નામના એક દર્દીની તબિયત લથડતા 25મી એપ્રિલના રોજ વાપીની શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે દર્દીની પરિસ્થિતિ ગંભીર હોવાથી સારવાર માટે જરૂરી એવું ટોસિલીઝુમેબ નામના ઇન્જેક્શનની તાત્કાલિક જરૂર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી દર્દીના સ્વજનોએ કોઈપણ ભોગે ઇન્જેક્શન મેળવવા માટે સરકારી માધ્યમથી લઈ મેડિકલ સ્ટોર સુધી તપાસ હાથ ધરી હતી. કોઈ જગ્યાએથી ઇન્જેક્શન નહીં મળતા આખરે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી બેરવાડ ગામમાં રહેતા હેમંત ભાઈ નાથુભાઈ પટેલ નામના એક સ્વજને તેમના મિત્ર મારફતે વલસાડ જિલ્લાના પારડી શાઢપોરમાં રહેતા હેમંતભાઈ વાલજીભાઈ સાવરીયા નામના એક વ્યક્તિનો મોબાઇલ નંબર મળ્યો હતો અને આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાથી આ ઇંજેક્શન મળી જશે તેવી માહિતી મળી હતી.

  આ પણ વાંચો - મોત પછી નદીમાં પધરાવી દેવાય છે કોરોના સંક્રમિતોની લાશો? ગંગામાં તરતી જોવા મળી 40-45 લાશ

  જેથી દર્દીના સ્વજને તાત્કાલિક હેમંત સાવરીયા નામના આ વ્યક્તિનો મોબાઇલ પર સંપર્ક કરી અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન અંગે પૂછપરછ કરી હતી. આરોપી હેમંત સાંવરિયાએ 45 હજારની કિંમતે બે દિવસમાં ઇન્જેક્શન લાવી આપશે તેવી વાત કરી હતી અને ઇન્જેક્શન જોઈતું હોય તો તાત્કાલિક તેના એકાઉન્ટમાં અડધા પૈસા ટ્રાન્સફર કરવા માંગ કરી હતી. આથી મરણ પથારીએ પડેલા પોતાના સ્વજનને બચાવવા પરિવારજનોએ તાત્કાલિક 22500 રૂપિયા હેમંત સાવરીયા નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બે દિવસ બાદ ફરી એક વખત હેમંત સાંવરિયાએ દર્દીના સ્વજનોને ફોન પર જણાવ્યું હતું કે ઇન્જેક્શન આવી ગયું છે. જો ઇન્જેક્શન જોઈતું હોય તો બાકીની રકમ એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ તેઓને ઇંજેક્શન મળશે તેવી વાત કરી હતી. આથી તાત્કાલિક દર્દીના સ્વજનોએ બાકીના 20 હજાર રૂપિયા હેમંત સાવરીયા નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

  જોકે 2 હપ્તામાં રૂપિયા 42500 બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ પણ ઇન્જેક્શન આપ્યું ન હતું. ઇન્જેકશનના બદલે ફોન પર જ વાત કરી અને અવનવા બહાના બતાવતા બતાવતો હતો. આમ પૈસા આપ્યા બાદ પણ દર્દીના સ્વજનોને ઇન્જેક્શન નહીં મળતા ઇન્જેક્શનના અભાવે હોસ્પિટલમાં જીવન-મરણ ની વચ્ચે ઝોલા ખાઇ રહેલા દર્દીનો મોત નીપજયું હતું. આથી પરિવારજનો રોષે ભરાયા હતા અને માત્ર ફોન પર જ સંપર્ક કરતા હેમંત સાવરીયા નામના વ્યક્તિ વિરુદ્ધ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી.

  ફરિયાદ મળતા જ પારડી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ આઈ ગોહિલ અને તેમની ટીમે વલસાડ જિલ્લાના પારડી સાંઢપોરના લક્ષ્મીનારાયણ બિલ્ડિંગમાં A વિંગના ફ્લેટ નંબર 209માં રહેતા હેમંત વાલજીભાઈ સાવરીયા નામના આરોપીની ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. આરોપીએ અગાઉ કેટલા લોકો પાસેથી ઇન્જેક્શનના નામે આવી ઠગાઈ કરી છે તે તમામ હકીકતોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે લોકોને પણ સૂચન કર્યું છે કે જો દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શનો મેળવી આપવાની લાલચ આપી અને કોઈ વ્યક્તિ મોટી રકમની માંગ કરે તો તેના પર વિશ્વાસ કરવાના બદલે સરકારી ધોરણે અને મેડિકલ સ્ટોર પરથી જ ઇન્જેક્શન કે દવાઓ ખરીદવાનો જ આગ્રહ રાખે તેવું સૂચન કર્યું હતું. આવા કોઈ વ્યક્તિઓ ઇન્જેક્શન લાવી આપવાના બહાને મોટી રકમની માંગ કરતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ પોલીસે જણાવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:May 11, 2021, 15:22 pm

  ટૉપ ન્યૂઝ