ભરૂચ: જિલ્લાનાં અંકલેશ્લરનાં (Ankleshwar) રેલવે ટ્રેક પાસેથી ત્રણ ટ્રાવેલ બેગમાં હત્યા કરીને કાપીને નાંખેલી લાશનાં ટુકડા મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, આ કેસનો (Murder Mystery) ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબીને (Bharuch LCB) મોટી સફળતા મળી છે. આ ચકચારી હત્યાકાંડમાં ત્રણ બેગમાંથી એક બાંગ્લાદેશી (Bangladeshi murder) વ્યક્તિનાં કાપી નાખેલા હાથ,પગ અને ઘડ મળી આવ્યાં હતા. જેમાં પોલીસે હત્યા મામલે બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણ બાંગ્લાદેશીઓ અને રીક્ષા ચાલક મળી ચારની ધરપકડ કરી છે.
આ હત્યાકાંડ પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરી અને તે માટે વારંવાર બાંગ્લાદેશી દ્વારા જ થતું બ્લેકમેઇલિંગનું કારણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઘૂસણખોરી કરીને ભારતમાં આવેલા બાંગ્લાદેશીઓને તેઓને પરત બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવે છે.
મૃતક અકબર મુળ બાંગ્લાદેશનો હતો જે અમદાવાદ ચંડોળા તળાવ, ઇશનપુર ખાતે રહેતો હતો. તે આરોપીઓને વારંવાર ધમકીઓ આપતો હતો કે, તમને લોરકોને પોલીસમાં પકડાવી ડિપોર્ટ કરાવી દઇશ. જો આમ ન થવા દેવુ હોય તો રૂપિયા આપવા પડશે. જેથી અનેકવાર આરોપીઓએ અકબરને રુપિયા આપ્યાં હતા.
આનાથી આરોપીઓ કંટાળી ગયા હતા જેથી તેમણે આ ચકચારી હત્યાને અંજામ આપ્યો હતો. બાંગ્લાદેશી હત્યારા લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા ઉ.વ. 37, મુફીસ મોહંમદ મુલ્લા ઉ.વ. 34, અજોમ સમસુ શેખ ઉ.વ. 55 ત્રણેય અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતકે આરોપી અજોમને આ અગાઉ અમદાવાદ હવેલી પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાવી દીધો હતો. કાયમી થતી હેરાનગતીથી કંટાળી ત્રણેય બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ડ્રાઇવર નૌસાદ સાથે કાવતરૂ રચી આયોજન મુજબ આરોપીઓએ મૃતકને ઘરે બોલાવ્યો હતો.
જે બાદ અકબરને ઉંઘની ગોળીઓ પીવડાવી બેહોશ કરી દીધો હતો. અકબરને આયોજન મુજબ આરોપીઓ દ્રારા ઓશીકા વડે ભોગ બનનારનું મોઢું દબાવીને મારી નાંખ્યો હતો. જે બાદ તિક્ષ્ણ હથીયારથી તેના શરીરનાં ટુકડાઓ કરી પોલીથીનની કોથળીઓમાં ભરીને બેગમાં મુકી દીધા હતા. જે બાદ નૌસાદની રીક્ષામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ બેગ ફેંકી દઈ નાસી ગયા હતા. આરોપીઓ દ્રારા હત્યામાં વાપરવામાં આવેલા તિક્ષ્ણ હથીયાર અને બીજા પુરાવા મેળવવા અંકલેશ્વર શહેર પોલીસ તપાસ ચલાવી રહી છે .