સુરત : મૃત્યુઆંક વધતા સ્મશાનો ઉભરાયા, અંતિમક્રિયા માટે 1500થી 2000 રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ
સુરત : મૃત્યુઆંક વધતા સ્મશાનો ઉભરાયા, અંતિમક્રિયા માટે 1500થી 2000 રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ
સુરત : મૃત્યુઆંક વધતા સ્મશાનો ઉભરાયા, અંતિમક્રિયા કરવા માટે 1500થી 2000 પડાવી લેતા હોવાનો આક્ષેપ
અંતિમક્રિયા માટે મૃતકના સંબંધી વેઇટિંગમાં છે. કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. લોકો આવી સ્થિતિમાં માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે
સુરત : સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ઉંચો જઈ રહ્યો છે. સ્મશાનો ઉભરાઈ રહ્યા છે. ત્યારે આવી કરુણાંતિકાની સ્થિતિ વચ્ચે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરવા માટે 1500થી 2000 પડાવી લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આવા લોકો નિર્દય થઇને કમાઈ લેવાનું છોડતા નથી તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાનગૃહમાં મૃતદેહોના ઢગ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એક એમ્બ્યુલન્સમાં ત્રણથી પાંચ જેટલા મૃતદેહો લઈ જવાય છે. અંતિમક્રિયા માટે મૃતકના સંબંધી વેઇટિંગમાં છે. કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. લોકો આવી સ્થિતિમાં માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ અગ્નિદાહ ન થયાના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
કેટલાક લોકો મૃતકના સંબંધીઓ પાસેથી રૂપિયા ખંખેરી લઈ ઝડપથી અંતિમક્રિયા કરાવી આપી રહ્યા છે. જો કલાકો સુધી વેઇટિંગમાં ન ઊભા રહેવું હોય તો 1500થી 2000 રૂપિયા આપવા પડશે એવી માંગણી કરી રહ્યા છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતકોની સંખ્યા વધતાં દરેકને ટોકન ફાળવી દેવામાં આવ્યા છે અને એ ટોકન પ્રમાણે અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે કલાકો સુધી અંતિમસંસ્કારની પ્રક્રિયા પૂર્ણ ન થતાં માલૂમ પડ્યું કે સ્મશાનગૃહના કેટલાક ઇસમો રૂપિયા લઈને પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલા અંતિમક્રિયા કરી આપે છે, જેને લઈને ભારે હોબાળો અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં જોવા મળ્યો હતો.
લાશોના નામે પણ કમાણી કરી લેવાનું લોકો છોડતા નથી એવા પ્રકારની સ્થિતિ સ્મશાનગૃહમાં જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને કારણે એકાએક પોતાનાં સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ આવા લાલચી ઈસમો આવા સમયે પણ નિર્લજ્જ થઈ મૃતદેહની અંતિમવિધિને માટે પણ પૈસા કમાવી લેવાનું તરકટ રચી રહ્યા છે.
હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે સ્મશાનમાં સવારથી લોકો સ્વજનોની અંતિમવિધિ માટે લાંબી કતારો લગાવીને બેઠા છે તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે અને સાંજ પડી તો પણ તેમનો નંબર આવ્યો નથી. પાછળના ટોકન નંબર હોય તેમને પણ 1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલા અંતિમક્રિયા કરી આપે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર