સુરત: શહેરમાં (Surat) 10 વર્ષની બાળકી પર દુષકર્મ ગુજારીને હત્યા (murder after rape on Minor) કરનાર આરોપી દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની (hanging) સજા ફટકારી છે. આરોપીએ વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી દિનેશ બૈસાણે (Dinesh Besane) વિરુધ્ધ પોલીસે 15 જ દિવસોમાં ચાર્જશીટ (Chargesheet) રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી.
માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી હતી
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પ્રતિકાર કરતા આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભર્યું હતું. જેનાથી આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી.
પોલીસે 15 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી
બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પણ ફાંસીની સજા
આ પહેલા પણ બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને મારી નાંખવાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા થઇ હતી. સુરતનાં પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder Case) કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલે માત્ર 29 દિવસમાં આ સુરત સેશન્સ કોર્ટે (Surat Sessions Court) સજા ફટકારી છે. કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો તેના એક દિવસમાં જ આરોપીને કસુરવાર પુરવાર કર્યો હતો. જે બાદ એક જ દિવસમાં કોર્ટે સજા સંભળાવી છે. એક જ દિવસમાં આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી છે.