Home /News /gujarat /

બાળકોની જાતિય સતામણીનાં કિસ્સાઓમાં મોટે ભાગે સગાવ્હાલાઓ જ આરોપી

બાળકોની જાતિય સતામણીનાં કિસ્સાઓમાં મોટે ભાગે સગાવ્હાલાઓ જ આરોપી

પ્રતિકાત્મક તસવીર

રોજના સરેરાશ છમાંથી ચાર કિસ્સામાં જાતીય સતામણી કરનાર આરોપી ઘરની જ કોઈ વ્યક્તિ અથવા નજીકના સંબંધી કે વિશ્વાસપાત્ર પરિવારજન હોય છે. ચેન્નાઈમાં ગયા વર્ષે થયેલા એક સર્વેમાં ૧૦૦ માંથી ૩૫ બાળકો બાળકના સગાસંબંધી હોવાનું નોંધાયું છે.

  સુરત: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સુરત જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તેમજ યુનિસેફના સહયોગથી આજરોજ સુરત ખાતે ‘શહેરી વિસ્તારમાં બાળ સુરક્ષા’ વિષય સંદર્ભે વર્કશોપ યોજાયો હતો.

  સુરત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોરે બાળસુરક્ષા પર વિસ્તૃત ચિતાર આપતા કહ્યું કે, બાળસુરક્ષા એટલે બાળકને શારીરિક, માનસિક હાનિ ન પહોંચે, હિંસા, જાતીય શોષણ, પારિવારિક સમસ્યામાંથી બચાવી તેને સુસભ્ય બનાવી સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાના પ્રયાસો કરવા.

  તેમણે કહ્યું કે, સુરત જિલ્લામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ૩૨૬ છોકરાઓ અને ૨૧૩ છોકરીઓ એમ કુલ ૫૩૯ બાળકોને કાળજી અને રક્ષણ પૂરું પાડતી જુદી જુદી બાળસંરક્ષણ સંસ્થાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. પાલક માતા પિતા યોજના એટલે કે પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય આવી સ્થિતિમાં બાળક એકલું પડી ગયું હોય ત્યારે બાળકને સરકાર દ્વારા નિશ્ચિત સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ વર્ષ ૨૦૧૮માં શહેરમાં ૩૧૩ બાળકો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૩ બાળ લાભાર્થીઓ સહાય મેળવી રહ્યા હોવાનું અને સેરો પોઝિટિવ યોજના હેઠળ બાળક અથવા માતા-પિતા એઇડ્સગ્રસ્ત હોય તેવા ૯૦૭ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે”.

  બાળરોગ નિષ્ણાંત ડો.પ્રશાંત કારિયાએ દિવસેને દિવસે બાળકો પર હિંસા, યૌનશોષણ, માનસિક હેરેસમેન્ટના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે, જે ચિંતાજનક હોવાનું જણાવી કહ્યું કે, બાળકો પર શારીરિક અડપલાં, જાતીય સતામણીના કિસ્સા ન બને અને બાળકોને ગુડ ટચ-બેડ ટચ શું છે તે ખબર પડે તે જરૂરી છે. બાળકોને નાનપણથી જ સ્પર્શ અને તેની પાછળના ઈરાદા વિશે જાણકારી મળે તો તેમની પર થતા અત્યાચારોને રોકવાની દિશામાં ઘણી મદદ મળશે.

  કારીયાએ એક આઘાતજનક મુદ્દા પર પ્રકાશ પાડતાં કહ્યું કે, રોજના સરેરાશ છમાંથી ચાર કિસ્સામાં જાતીય સતામણી કરનાર આરોપી ઘરની જ કોઈ વ્યક્તિ અથવા નજીકના સંબંધી કે વિશ્વાસપાત્ર પરિવારજન હોય છે. ચેન્નાઈમાં ગયા વર્ષે થયેલા એક સર્વેમાં ૧૦૦ માંથી ૩૫ બાળકો બાળકના સગાસંબંધી હોવાનું નોંધાયું છે. બાળક નિર્દોષ હોય છે, અને તેમને રમાડવા કે બીજી રીતે નિર્દોષભાવથી સ્પર્શ કરવાના બહાને જ આ સતામણીની શરૂઆત થતી હોય છે. જાતીય શોષણ કરનાર પુરૂષ નજીકની ઓળખાણ ધરાવતો હોવાથી બાળક તેની સાથે સાહજિક રીતે જોડાઈ જતું હોય છે. આથી બાળકને સ્વાભાવિક રીતે જ જે તે ઓળખીતા પુરૂષની હરકતો આપત્તિજનક લાગતી નથી. વળી, સૂક્ષ્મ રીતે બાળકને સેક્સ્યુઅલી મોલેસ્ટ કરનાર વ્યક્તિ મોટેભાગે બાળકના શાંત સહયોગને ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી બાળકોને ગમતી વસ્તુથી રિવોર્ડ આપીને બિરદાવે છે. જેથી ખુશ અને પ્રભાવિત બાળક પુરૂષની ખરાબ હરકતોને પણ ચલાવી લેવાનું વલણ રાખે છે. તેથી જ રાજ્ય સરકારે સારી ભાવનાથી અને ખરાબ ભાવના સાથે કરવામાં આવતા સ્પર્શથી બાળકોને વાકેફ કરવા શાળાના શિક્ષકોને તાલીમ આપવાની કવાયત હાથ ધરી છે, જેથી આ દૂષણને નિવારવામાં ઘણી મદદ મળશે.”

  ડો.કારિયાએ ઉમેર્યું કે. દરેક માતાપિતાએ બાળકને ત્રણ ‘આર’ એટલે કે, રિકગ્નાઇઝ, રેઝિસ્ટ અને રિપોર્ટની તાલીમ આપવી જોઈએ. ઓળખો, વિરોધ કરો અને પરિવારને જાણ કરો એવું સમજાવી બેડ ટચ થાય ત્યારે તાત્કાલિક જ બાળક માતાપિતાને જાણ કરે તો બાળકોની જાતીય શોષણ અટકાવવામાં સફળતા મળશે. બાળ અત્યાચાર નિવારવા ૧૦૯૮ હેલ્પલાઇન કાર્યરત હોવાનું અને તેનો આવા કિસ્સામાં મદદ લેવાનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.”

  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વી.વી. મોઢે બાળગુનેગારો અંગે જાણકારી આપતા કહ્યું કે, જયારે ગુનાઓમાં ભોગ બનનાર અને અપરાધી બંને બાળક હોય છે, ત્યારે આવા સંજોગોમાં સમાજ, સરકાર તેમજ પોલીસતંત્રની જવાબદારી વધી જાય છે. આવા બાળ અપરાધીનું સમાજમાં પુનઃસ્થાપન થાય અને તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશતો અટકે, ભવિષ્યમાં સંગીન ગુનાઓ ન કરે, જુવેનાઇલમાંથી રીઢો ગુનેગાર ન બને તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી સતત પ્રયત્નશીલ છે”
  Published by:Jay Mishra
  First published:

  Tags: Child abuse, ગુજરાત

  આગામી સમાચાર