સુરત : કોરોનાની મહામારીને લઈને મનપા તંત્રએ સુરતમાં દંડ વસુલવાની શરૂઆત કરી છે જેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ મનપા કચેરી બહાર ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોધાવ્યો હતો અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
કોરોનાની મહામારીને લઈને સુરતમાં રાતે કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ માસ્ક નહીં પહેરતા, ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો સામે મનપાએ લાલ આંખ કરી છે. એટલું જ નહી લગ્ન પ્રસંગમાં પણ મનપાએ દંડ ફટકારવાનું શરુ કર્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ દંડ ઉઘરાવવાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મનપા કચેરી પહોચ્યા હતા અને ભારે સુત્રોચ્ચાર અને વિવિધ બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આમ જનતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહી છે ત્યારે અધિકારીઓ તેમના વ્યવસ્થાના સ્થળે જઈને કાયદાના નામે ડરાવી ધમકાવી પોતાના ઉપરી અધિકારીઓએ આપેલા ટાર્ગેટ પુરા કરવા માત્રના હેતુથી મસમોટા દંડ ફટકારીને અમાનુષી રીતે પૈસા પડાવે છે. જેથી તાત્કાલિક ધોરણે ઉઘરાવેલો દંડ પરત કરવામાં આવે અને દંડના નામે કરાતા આ ઉઘરાણા બંધ કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
" isDesktop="true" id="1052378" >
આ ઉપરાંત આવેદન આપવા આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આમ જનતા માટે જ છે જયારે ભાજપના નેતાઓ સામે તંત્ર મુકપ્રેક્ષક બનીને બેસી રહે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપની રેલીના બેનરો પણ બતાવ્યા હતા અને તંત્રને સવાલ કર્યો હતો કે ભાજપના નેતાઓને કેટલો દંડ વસુલ કર્યો તે જાહેર કરો. આ ઉપરાંત ખીચડી, પતરા ઇન્જેક્શન અને સ્મશાન તો ખાઈ ગયા હજુ ભૂખ અધુરી છે અને કોરોનાના નામે લૂટવાનું બંધ કરો જેવા બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.