સુરત : સુરતના રત્નકલાકારો કોરોના સંક્રમણ માટે સ્પ્રેડર બની રહ્યા છે સંક્રમણ અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા આજરોજ ડેપ્યુટી ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી કતારગામ ઝોન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 5 હીરા પેઢીમાં 135 ઘંટી પર કામ કરતા 1509 રત્ન કલાકારોના ટેસ્ટિંગ દરમિયાન 19 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જેમાં એચ.વી.કે. ડાયમંડ માંથી 16 પોઝિટિવ કેસ બહાર આવતાં આ ત્રણે યુનિટને બંધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આઠ ગેરેજમાં કામ કરતા મિકેનીક અને પંજાબ નેશનલ બેંકના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
રત્નકલાકારોમાં કેસમાં વધારો થતાં મનપા તંત્ર દ્વારા કતારગામ વિસ્તારમાં આજરોજ ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ કોર્પોરેશને જાહેર કર્યું જ હતું કે જે કારખાનામાં એક પણ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ બંધ કરાવવામાં આવશે અને એ આધારે જ આજ રોજ ધર્મનંદનની બાજુમાં આવેલ એચ.વી.કે ડાયમંડમાં 50 ઘંટી પર કામ કરતા 800 રત્ન કલાકારોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડાયમંડ પેઢીમાંથી 16 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર ચોંકી ઉઠયું અને આખા યુનિટને બંધ કરાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ડાયમંડ હાઉસ 13-14. ગ્રાઉન્ડ ફ્લોર કેસરબા માર્કેટ ગોટાલાવાડીના યુનિટની 5 ઘંટી પર કામ કરતા 9 રત્ન કલાકારોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાં એક રત્ન કલાકાર પોઝિટિવ આવતાં યુનિટને બંધ કરાવાયું હતું. આ ઉપરાંત એસઆરકે હાઉસ કાસા નગર ખાતે 100 રત્ન કલાકારોના ચેકિંગમાં 2 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં આઠમા માળના સેલ યુનિટને પણ બંધ કરાવવામાં આવ્યું છે.
" isDesktop="true" id="1025098" >
મનપા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં કોરોના અટકાવવા આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. સોમવારે વિવિધ સંસ્થાઓ અને ગેરેજમાં ટેસ્ટિંગનું અભિયાન હાથ ધરતા દિવસ દરમિયાન 860 વ્યક્તિના ટેસ્ટિંગમાં આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જોકે કતારગામ, વરાછા બી ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ટેસ્ટિંગ દરમિયાન એક પણ દર્દી મળી આવ્યો નથી. જયારે રિંગરોડ, સિંગાપુરીની વાડી પાછળ સ્થિત પંજાબ નેશનલ બેન્કના ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવતાં આજે મનપા કમિશનરની સૂચનાને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા બેન્કની શાખા બંધ કરાવવામાં આવી હતી.