Sanskrit Board Exam: સામાન્ય પ્રવાહની સંસ્કૃતની બોર્ડની પરીક્ષા જે રદ્દ કરવામાં આવી હતી તે 29મી માર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 31મી માર્ચથી રાજ્યભરમાં પેપર ચકાસણીની શરુઆત કરવામાં આવશે.
ગાંધીનગરઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સંસ્કુતનું પેપર જુના અભ્યાસક્રમ મુજબ નીકળવાના મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાને આગામી અઠવાડિયે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું કારણ નાયબ પરીક્ષા સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે બોર્ડના પેપરોની ચકાસણી પણ આગામી અઠવાડિયાથી શરુ કરવામાં આવશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્રનો કેટલોક ભાગ અભ્યાસક્રમ બહારનો હોવાથી પરીક્ષા ફરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પેપરમાં 35% પ્રશ્નો અભ્યાસક્રમની બહારના હોવાનું માલુમ પડતા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 500 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃતના પેપરની પરીક્ષા આપશે.
29મી માર્ચે સંસ્કૃતની પરીક્ષા યોજવાનો નિર્ણય
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલત્તાબેન પટેલે જણાવ્યું કે, સંસ્કૃત મધ્યમાં પ્રશ્નપત્ર નંબર 701 પ્રથમ પેપર ફરીથી તારીખ 29 માર્ચના રોજ બપોરે ત્રણ વાગ્યે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ 31 માર્ચથી ઉત્તરવહી ચકાસવાની શરુઆત કરવામાં આવશે. રાજ્યભરમાં એક સાથે 362 પરીક્ષા ચકાસણી કેન્દ્રો પર પેપર તપાસવામાં આવશે. જેમાં 61,500 વિદ્યાર્થીઓ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાશે. 362 પરીક્ષા ચકાસણી કેન્દ્રો પર સવારના 11 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી પેપર ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
એક સાથે રાજ્યમાં 31 માર્ચથી પેપર ચકાસવાની કામગીરી શરુ થશે તેમાં એક શિક્ષક 6 કલાકમાં 25થી 30 ઉત્તરવહીઓની ચકાસણી કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર