Home /News /gujarat /

રાજ્યમાં ગ્રામીણ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ 69 % જેટલું નોંધપાત્ર ઘટ્યું !

રાજ્યમાં ગ્રામીણ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ 69 % જેટલું નોંધપાત્ર ઘટ્યું !

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં આજકાલ ઘટતી લગભગ તમામ ઘટનાઓમાં 'દુખે છે પેટ’ને ફૂટે છે માથું' જેવો ઘાટ જોવા મળે છે

  સંજય કચોટ, ન્યૂઝ18 ગુજરાતી :

  રાજ્યમાં આજકાલ ઘટતી લગભગ તમામ ઘટનાઓમાં 'દુખે છે પેટ’ને ફૂટે છે માથું' જેવો ઘાટ જોવા મળે છે. વાત સિંહની કરીયે તો કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(સીડીવી)ના બદલે સરકાર ઈન-ફાઈટ આગળ ધરે છે, મગફળી કાંડની તપાસની વાત કરીયે તો ‘નાફેડ’ વચ્ચે આવે છે, શાળા ફીની ઘટાડાની વાત કરીયે તો સરકાર 'એફઆરસીની ભલામણો' ને આગળ મૂકે છે અને હવે જયારે સાબરકાંઠામાં 14 માસની બાળકી ઉપર દુષ્કર્મ અને ત્યારબાદ પરપ્રાંતીયો ઉપર હુમલાઓની વાત થઇ રહી છે; તો "બેરોજગારી'ના મૂળ કારણમાં જવાને બદલે સરકાર જાણે મૂળ મુદ્દા ઉપર 'લીંપણ' કરી એકબીજા ઉપર વ્યક્તિગત કે પક્ષીય આક્ષેપો કરી રહી છે !

  પરપ્રાંતીયો ઉપર હુમલાઓ કોણે કર્યા કે કરાવ્યાનું રાજકારણ શરુ થઇ ગયું છે. 'ઠાકોર સેના'ના કાર્યકર્તાઓ સામે ખોટા કેસ થયા હોવાનું કારણ રજુ કરીને કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર લડાયક મૂડમાં છે. એટલું જ નહિ, તેઓ ખોટા કેસમાં 'ફિટ' કરી દેવાયેલા તેમના કાર્યકરોને મુક્ત નહિ કરવામાં આવે તો તેઓ આગામી ગુરુવારથી 'સદભાવના ઉપવાસ' ઉતરશે તેવી જાહેરાત કરી ચુક્યા છે.

  ભાજપના ગુંડા તત્વો સમગ્ર વાતાવરણ કલુષિત કરતા હોવાના અલ્પેશ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ-છ દિવસથી ગુજરાતમાં જે બની રહ્યું છે, તે બધા જોઈ રહ્યા છે. પરપ્રાંતિયો પર હુમલા કોણ કરે છે, કેવી રીતે કરાવે છે, શા માટે કરાવે છે, ક્યા પક્ષ સાથે સંકળાયેલા છે, ક્યાં હોદ્દા પર છે એ ગુજરાતની જનતા જાણે છે.

  આ નિમ્નસ્તરની આક્ષેપબાજીથી પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે. મૂળ મુદ્દો બેરોજગારીનો છે.

  ગુજરાતમાં વર્તમાનમાં પેદા થતી નોકરીઓ પણ પ્રોત્સાહક નથી. શિક્ષિત સ્નાતકો અનૌપચારિક ક્ષેત્રમાં નબળી કુશળ નોકરીઓમાં રોજગારી ચાલુ રાખે છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીના સંદર્ભમાં ગુજરાતનો ક્રમ 8- મો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 13-મા ક્રમે છે. ગુજરાતમાં રોજગારીનો 93% હિસ્સો કોન્ટ્રાક્ટ આધારીત અથવા કામચલાઉ કામ છે, જેમાં નોકરીની સલામતી જ નથી. આ કારણે ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં જ્યાં વધારે મજૂરી છે તેવા ક્ષેત્રોમાં સ્થાનિક ગુજરાતી યુવાનોને બદલે બહારથી એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં આવેલા લોકો કાપડ, બ્રાસ-પાર્ટ, મશીન ટૂલ્સ, સીરામીક, રાસાયણિક એકમોમાં કામગીરી કરી રહ્યા છે.

  સરકારી સહયોગ ન હોવાના કારણે અને ઓછા વેતનના લીધે ખાસ કરીને રાજ્યના ગ્રામીણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત "સોશિયો-ઇકોનોમિક રિવ્યૂ : 2017-18” નો અભ્યાસ કરતા માલુમ પડે છે કે, વર્ષ-2016-17માં ગ્રામીણ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ 69 % જેટલું નોંધપાત્ર ઘટ્યું છે. એક તરફ રોજગારી ઘટી રહી છે અને બીજી તરફ જે ઉપલબ્ધ રોજગારી છે તેમાં પણ રાજ્ય બહારથી આવેલા લોકોને પ્રાધાન્ય મળે ત્યારે સાબરકાંઠા જેવી ઘટનાઓ ઘટે તે બહુ સ્વાભાવિક બાબત છે !

  શું ખબર ગુજરાતની ? બેન, 5.38 લાખ બેરોજગાર છે...

  ગુજરાત એ એકમાત્ર રાજ્ય છે જ્યાં છેલ્લા એક દાયકામાં ઔપચારિક ક્ષેત્રનો રોજગાર ઘટ્યો છે. રાજ્યમાં શિક્ષણની નબળી ગુણવત્તાના લીધે, સફેદ કોલરની નોકરીઓ મોટેભાગે એવા જ યુવાનોને મળી છે જેઓ રાજ્યની બહાર ગયા છે.

  'અનએમ્પ્લોયમેન્ટ રેટ ઈન ઇન્ડિયા-બીએસઈ' દ્વારા પેદા કરાયેલા 30-દિવસના સરેરાશ મૂવિંગ ડેટાના આધારે ગુજરાતમાં વર્તમાન બેરોજગારીનો દર 6.8% છે જે રાષ્ટ્રીય બેરોજગારી દર 5.4 %થી ઉપર છે. ગુજરાતમાં આ આંકડાઓ ચિંતાજનક છે, કારણ કે ગુજરાતના બેરોજગાર લોકોમાં 5.6% એવા બેરોજગાર વ્યક્તિઓ છે, જેમણે સ્નાતક અથવા ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે, જે કર્ણાટકમાં 4.2% છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઇ) મુજબ ગુજરાતના 80% થી વધુ ગ્રેજ્યુએટ એન્જિનિયરોને નોકરી મળી નથી. કર્ણાટકમાં બેરોજગારીનો 1% દર છે, રોજગારીમાં ગુજરાત બિહાર કરતાં પણ પાછળ પડી ગયું છે. ગુજરાત સરકારે માત્ર 10,000 સરકારી નોકરીઓ ઊભી કરી છે જ્યારે હિમાચલ પ્રદેશ સરકારે 60,000 નોકરીઓ ઊભી કરી છે.

  ક્યાં 'ગાયબ' થઈ ગયા 4 કરોડ 30 લાખ બેરોજગાર?

  નોટબંધી અને જીએસટીને કારણે ગુજરાતમાં બેરોજગારીના બજારમાં બળતામાં ઘી નાખ્યું છે. એક અંદાજ અનુસાર સુરતમાં નોટબંધી પછીનાં સમયગાળા દરમિયાન 60,000 લૂમ્સ બંધ થઈ ગયા હતા અને એવો અંદાજ છે કે આના કારણે 21,000 નોકરીની ખોટ થઈ. આના ઉપરાંત 10 લાખથી વધુ લોકોને રોજગારી આપતા આ ક્ષેત્રનો વેપાર 400 કરોડથી ઘટીને 150 કરોડનો થયો છે.

  સુરત અને સૌરાષ્ટ્રમાં 50,000 થી વધુ નાના અને મધ્યમ હીરા પ્રોસેસિંગ એકમોમાં GSTનાં કારણે લગભગ 2 લાખ કસબીઓ અસરગ્રસ્ત થયા હતા. યાદ રહે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રીયન લોકોના આર્થિક સંકળામણના કારણે અપમૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે.

  મોરબી સિરામિક્સ ઉદ્યોગમાં કુલ ઉત્પાદનના 90% હિસ્સો ધરાવતું ભારતનું સૌથી મોટું સિરામીકમાં મોટી અસર થઈ હતી. 80 ટકાથી વધુ યુનિટ્સ કામચલાઉ રૂપે રોકડની તંગી અને જીએસટી કારણે બંધ રહ્યા હતા, આ ઉદ્યોગની નફાકારકતામાં ઘટાડો થયો અને એક લાખથી વધુ કામદારોને પ્રતિકૂળ અસર થઈ હતી. રાજ્યમાં બેરોજગારી પર જીએસટીની અસરની વાત આવે ત્યારે, સતત વધારો થયો છે. જીએસટી પછી બેરોજગારીમાં મે મહિના 2017માં 1.9 ટકા, જુલાઈમાં 2.6 % સપ્ટેમ્બરમાં 5.3 ટકા અને ઓક્ટોબર 2017 માં 6.8 ટકાનો વધારો જોવા મળ્યો.

  ઉલ્ટી દિશામાં જઈ રહેલું જોબ સેક્ટર દેશને આર્થિક મંદી તરફ દોરી રહ્યું છે. ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝિસ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે, જેમાં 2004 થી 2014 વચ્ચે 60,000થી વધુ એકમો બંધ થયા છે. ગુજરાતનાં આ આંકડાઓ નોકરી બજારમાં વાસ્તવિકતાનું વિપરીત અને નિરાશાજનક ચિત્ર દર્શાવે છે.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Child abuse, Gujrat, Sabarkantha, Unemployment, અલ્પેશ ઠાકોર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહેસાણા

  આગામી સમાચાર