Home /News /gujarat /

આખરે વિકાસ વકર્યો, 1100 કરોડના રોકાણ સામે ગુજરાતની પ્રજાએ 'પાણી' ભર્યું!

આખરે વિકાસ વકર્યો, 1100 કરોડના રોકાણ સામે ગુજરાતની પ્રજાએ 'પાણી' ભર્યું!

રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે.

રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે.

  અમદાવાદ :

  વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને 'ધ એન્જોય સિટી' વચ્ચે થયેલા રૂ.1100 કરોડના સમજૂતી કરારની સામે ગુજરાતની સવા છ કરોડની જનતાએ પાણી ભર્યું. એવું પણ કહી શકાય કે, મુખ્યમંત્રી રૂપાણીએ પાણીથી પીડિત ગુજરાતની પ્રજાને "ભૂ" પાઇ દીધું અને આખરે "ધ એન્જોય સિટી વોટર પાર્ક' નું આણંદના વાલવોડ ખાતે ઉદ્ઘાટન કરી જ નાખ્યું ! વોટરપાર્કમાં લોકો જાય, મોજ-મજા કરે તેની સામે કોઈને કંઈ જ વાંધો ન હોય શકે. પરંતુ જે વિપરીત સમયે આ બધું થઇ રહ્યું છે, તે ચિંતાનો વિષય હોઈ, જવાબદાર માધ્યમ તરીકે આ પ્રકારની વાતને લોકો સમક્ષ મુકવાની અમારી જવાબદારી છે.

  સરકાર અસંવેદનશીલ, અસહિષ્ણુ અને ગેરજવાબદારીથી વર્તી શકે છે. કારણ તેને સત્તાનો નશો હોય. સરકાર પોતાના પાપ છુપાવવા બહુ ખોખલી રીતે મનફાવે ત્યારે વિપક્ષોને આગળ ધરીને પોતાનું કામ કાઢી લે. જો કે, આ વોટરપાર્ક મામલે મુખ્યમંત્રી વિપક્ષને આગળ શા માટે ધરે છે ? છાતી હોય તો માધ્યમોને જ સીધી ગાળો આપે ? 'ધ એન્જોય વોટરપાર્ક' નો મામલો વિરોધ પક્ષે નહિ, માધ્યમોએ ઉઠાવ્યો છે.

  મુખ્યમંત્રી વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા રોકાણ અને રોજગારીની ચિંતા કરે છે અને કહે છે કે, આ વોટરપાર્કના નિર્માણ પાછળ 1100 કરોડ રૂપિયાનું ‘મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ અને ખર્ચ થયો હતો. 2000 લોકોને રોજગારી તો આ વોટરપાર્ક જ આપશે અને ભવ્ય વોટરપાર્કની આસપાસ ઉભી થનારી અન્સીલરીને કારણે રોજગારીની બીજી વધુ તકો પણ પ્રાપ્ત થશે! મુખ્યમંત્રી છો કે વોટર પાર્કના પ્રવકતા, હેં સાહેબ ?

  રોજગારીની આટલી  જ ચિંતા હોય તો તેમને એ ખબર જ હશે કે  ર૦૧૦-૧૧માં ૪.૧૧ લાખ નવા બેકારો નોંધાયા હતા. જ્યારે વર્ષ ર૦૧પમાં ૪.૭૪ લાખ બેકારો નોંધાયા હતા. આઠ-આઠ "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ" દરમિયાન રાજ્યમાં રોકાણો આવશે અને યુવાઓને રોજગારી મળશે તેવા કેટલાય મોટા વચનો અપાયા. સાહેબ, થયું શું ? ખેડા, પંચમહાલ, વલસાડ જિલ્લામાંતો કોઈને સરકારી નોકરી જ મળી નથી. રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે. માત્ર 12,869 લોકોને જ સરકારી નોકરી પ્રાપ્ત થઇ છે. આ આંકડા પાછલા બે વર્ષના છે. યુવાશિક્ષિતોને રોજગારી આપવાના વાયદા પોકળ સાબિત થયા છે. સરકારી આંકડાઓ મુજબ અમદાવાદમાં 62,608, ખેડામાં 20,988, પંચમહાલમાં 13,227, વલસાડમાં 14,967, આણંદમાં 23,175, ગીર-સોમનાથમાં 7678, વડોદરામાં 37937, તાપીમાં 9975, નવસારીમાં 12,244 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. આ આંકડાઓ તો જે 'રોજગાર નિયામકની કચેરી" માં નોંધાયા હશે તે છે, બાકી ચિત્ર અલગ.

  સરકારે એવા દાવા કર્યા હતા કે, અમે બે વર્ષમાં 7 લાખ રોજગારી ઉભી કરીશું. "સોશિયો-ઇકોનોમિક સર્વે" અનુસાર વર્ષ-2015માં રાજ્યમાં 4.74 લાખ નવા ઉમેદવારો રોજગારી માટે નોંધાયા હતા જે પૈકીના 3.37 લાખને રોજગારી મળી હતી. 2016માં  નોંધાયેલા 4.44 લાખ ઉમેદવારો પૈકી 3.44લાખને રોજગારી મળી હતી, જયારે 2017ના ઓક્ટોબર મહિના સુધી 4.55 લાખ નવા ઉમેદવારો અલગ-અલગ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયા છે, જે પૈકીના 3.60 લાખને રોજગારી મળી છે.

  મજાની વાત તો એ છે કે, મુખ્યમંત્રી કહે છે, "સરકારનું એક બુંદ પાણી પણ આ 'ધ એન્જોય સિટી' વોટર પાર્ક કરવાનો નથી. તેઓ તેમના સ્ત્રોતમાંથી પાણી લાવશે. સરકારનું કોઈ પાણી અહીં વાપરવાનું નથી !" વાહ, બહુ ચિંતનાત્મક નિવેદન છે આ. પાણીનો સ્ત્રોત શું ગાંધીનગર કે મુખ્યમંત્રીનું કાર્યાલય છે, હેં રૂપાણી સાહેબ ? "ધ એન્જોય સિટી' વોટરપાર્ક વાળા પાણી લાવશે ક્યાંથી ? કહો જરા ?

  જળ, જમીન અને કુદરતી સ્ત્રોતો કોના હસ્તક હોય ? હવે કહેશો કે, આ સ્ત્રોત સરકાર હસ્તકના છે. હા, હતા એટલે જ તો તમે અને તમારી સરકારે બેફામ રૂપે તેની લ્હાણી ઉદ્યોગજગતના લોકોને કરી. પાણી પીવા અને વપરાશ માટે એટલું નથી વપરાતું જેટલું ઔદ્યોગિક ગૃહો અને આવા વોટર પાર્ક્સના માધ્યમથી વપરાય છે. ઉદ્યોગકારો સામે તો તમારી પીપુડી વાગતી નથી, એટલે વાંકા વાળીને ત્યાં ઉદ્ઘાટન કરવા દોડી જાવ છો.

  સામાન્ય પ્રજા પાણી માટે વલખે છે, લાંબી કતારો લગાવે છે, કેનાલના પાણી ઉપર સરકાર પહેરો લગાવે છે ત્યારે તો તમારા પેટનું પાણી'ય નથી હલતું ? ખોટી વાતોથી લોકોને ભરમાવો નહિ, સત્ય સ્વીકારો અને પ્રજાની હાલાકી ઓછી કરો, નહિ પ્રજા પાણી માપી લેશે !
  Published by:sanjay kachot
  First published:

  Tags: Rupani, Unemployment, Water Crisis, Water park, એમઓયુ, સીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन