Home /News /gujarat /Ruchi Soya FPO: ફક્ત 13,650 રૂપિયામાં બાબા રામદેવના બિઝનેસ પાર્ટનર બનો, શું તમારા માટે આ ડીલ ફાયદાનો સોદો રહેશે?

Ruchi Soya FPO: ફક્ત 13,650 રૂપિયામાં બાબા રામદેવના બિઝનેસ પાર્ટનર બનો, શું તમારા માટે આ ડીલ ફાયદાનો સોદો રહેશે?

બાબા રામદેવ (ફાઇલ તસવીર)

Ruchi Soya FPO: રુચિ સોયાની ફૉલો ઑન પબ્લિક ઑફર (FPO) આજે એટલે કે 24 માર્ચના રોજ ખુલી છે. એફપીઓમાં તમે 28 માર્ચ સુધી રોકાણ કરી શકશો. કંપનીએ પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ 615-650 રૂપિયા રાખી છે.

મુંબઇ: બાબા રામદેવની રુચિ સોયા (Ruchi Soya) કંપની રોકાણકારોને ખૂબ સસ્તા ભાવે શેર ખરીદવાનો મોકો આપી રહી છે. કંપનીની ફૉલો ઑન પબ્લિક ઑફર (Ruchi Soya FPO) આજે એટલે કે 24 માર્ચના રોજ ખુલી છે. રોકાણકારો 28મી માર્ચ સુધી આ એફપીઓમાં રોકાણ કરી શકશે. કંપની એફપીઓ (FPO) મારફતે 4,300 કરોડ રૂપિયા એકઠા કરશે. રુચિ સોયાની માલિકી બાબા રામદેવ (Baba Ramdev)ની પતંજલિ આયુર્વેદની છે. કંપનીએ એફપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Ruchi Soya price band) 615-650 રૂપિયા રાખી છે. આ દરમિયાન આજે બપોરે 2:10 વાગ્યે રુચિ સોયાનો શેર એનએસઈ (Ruchi Soya Stock) પર 2.51 ટકા એટલે કે 22.55 રૂપિયા ઘટીને 875.05 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

એફપીઓનો ઉદેશ્ય


આ એફપીઓનો ઉદેશ્ય કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો ઘટાડવાનો છે. સેબીના નિયમ પ્રમાણે રુયિ સોયામાં પ્રમોટર્સની ભાગીદારી ઘટાડીને 75 ટકા સુધી લાવવાની છે. હાલ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 98 ટકાથી વધારે છે.

શું રોકાણ કરવું જોઈએ?


શેરઇન્ડિયાના વાઇસ-પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંહે આ ઑફરમાં પૈસા લગાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, "કંપનીની નાણાકીય સ્થિતિ થોડી નબળી લાગી રહી છે પરંતુ મજબૂત બેઝ અને બેકગ્રાઉન્ડને પગલે આ એફપીઓમાં પૈસા લગાવવા જોઈએ. કંપનીની વસ્તુઓની ખૂબ સારી માંગ છે."

તેમનું કહેવું છે કે યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે ખાદ્ય તેલની કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત સપ્લાયર્સ પર પણ અસર પડી છે. ભારત 90 ટકા સનફ્લાવરની આયાત રશિયા અને યુક્રેન પાસેથી કરે છે. મોટાભાગના ખાદ્ય તેલોમાં સનફ્લાવર ઓઇલની ભાગીદારી 15 ટકા છે.

અન્ય બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતાનું કહેવું છે કે, સોયાબીન માર્કેટ, સોયાબીન, મસ્ટર્ડ ઓઇલ વગેરે પ્રોડક્ટ્સમાં રુચિ સોયા મુખ્ય પ્લેયર છે. આવી પ્રોડક્ટ્સ વાળી કંપનીઓમાં રોકાણકારોએ ખાસ રસ દાખવ્યો છે. આથી આ એફપીઓમાં કોઈ પણ પ્રકારનો મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

આશિકા સ્ટૉક બ્રોકિંગનું કહેવું છે કે રુચિ સોયા બ્રાન્ડ ખૂબ મજબૂત છે. તેનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ખૂબ જ મજબૂત છે. સાતા નાણાકીય રેકોર્ડ અને આરઓઈને પગલે આ એફપીઓ ખૂબ આકર્ષક લાગે છે. રોકાણકારો લાંબાગાળાને ધ્યાનમાં રાખીને પૈસા લગાવી શકે છે.

કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી એકઠા કર્યાં 1,290 કરોડ રૂપિયા


રુચિ સોયાએ એફપીઓ (FPO) ખુલ્યા પહેલા જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી આશરે 1,290 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીએ બીએસઈ (BSE)ને આપેલી સૂચના પ્રમાણે તેણે 46 એન્કર રોકાણકારો (Anchor investors)ને ઉપરની પ્રાઇસ બેન્ડ 650 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 1.98 કરોડ ઇક્વિટી શેર ફાળવ્યા છે. જેમાંથી 41.91 લાખ શેર્સ ચાર ઘરેલૂ મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા છે. આ મ્યુચ્યુઅલ ફંડોએ તેમની 24 અલગ અલગ સ્કીમ્સ હેઠળ રોકાણ કર્યું છે.

એન્કર ઇન્વેસ્ટર્સ


જે રોકાણકારોએ એન્કર રાઉન્ડમાં ભાગ લીધો હતો તેમાં આદિત્ય બિરલા સન લાઇફ ટ્રસ્ટી, એજી ડાયનામિક ફંડ્સ, અલ્કેમી ઇન્ડિયા, એએસકે એમએફ, ઑથમ ઇન્વેસ્ટમેન્ટ, બેલગ્રેવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બીએનપી પરિબાસ આર્બિટ્રેઝ, કોહેશન એમકે બેસ્ટ આઇડિયાઝ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, કોટક એમએફ, ક્વાન્ટ એમએફ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, સોસાયટી જનરલ, UPS ગ્રુપ ટ્રસ્ટ, UTI મ્યુચ્યુઅલ ફંડ્સ, વોરાડો વેન્ચર પાર્ટનર્સ, વિનરો કૉમર્શિયલ વગેરે સામેલ છે.

પ્રાઇસ બેન્ડ


રુચિ સોયાના FPO માટે પ્રાઇસ બેન્ડ 615-650 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો 28મી માર્ચ સુધી બોલી લગાવી શકશે. FPO માટે 21 શેર માટે બોલી લગાવી શકાય છે.

4,300 કરોડ રૂપિયાનો FPO


પતંજલિના રોકાણવાળી કંપની રુચિ સોયા એફપીઓ મારફતે 4,300 કરોડ રૂપિયાના બે રૂપિયાની ફેસ વેલ્યૂવાળા ઇક્વિટી શેર જાહેર કરશે. આ એફપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક હિસ્સો અનામત હશે.

આ પણ વાંચો: આ પાંચ શેરમાં થઈ શકે છે ધોમ કમાણી

મહત્ત્વની તારીખો


એફપીઓ 24મી માર્ચના રોજ ખુલશે અને 28મી માર્ચના રોજ બંધ થશે. શેરનું અલોટમેન્ટ 31મી માર્ચના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી એપ્રિલ સુધી રિફંડ મળી જશે. લિસ્ટિંગ તારીખ છઠ્ઠી એપ્રિલ, 2022 છે.

કોના માટે કેટલો હિસ્સો અનામત


એફપીઓનો 50 ટકા હિસ્સો QIB એટલે કે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત રખાયો છે. જ્યારે 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે. NII એટલે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે 15 ટકા હિસ્સો અનામત છે.

કેટલું રોકાણ કરવું પડશે?


એફપીઓ માટે ઓછામાં ઓછા 21 શેરના એક લોટ માટે અરજી કરી શકાશે. આ માટે ઓછામાં ઓછું 13,650 રૂપિયાનું રોકાણ જરૂરી છે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 14 લોટ માટે અરજી કરી શકશે. આ માટે 1,91,100 રૂપિયાનું રોકાણ જરૂરી છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી-પીએનજીના ભાવમાં પણ વધારો

પતંજલિ આયુર્વેદે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી રુચિ સોયા


રુચિ સોયાને દેવાળિયા પ્રક્રિયા મારફતે પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં 4350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. દેવાળિયાની પ્રક્રિયા દરમિયાન રુચિ સોયા શેર બજારમાં લિસ્ટેડ કંપની હતી. હાલ કંપનીની 99 ટકા ભાગીદારી પ્રમોટર્સ પાસે છે. કંપનીએ FPOના આ રાઉન્ડમાં આશરે 9 ટકા જેટલી ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સ માટે લાવવાની છે.
First published:

Tags: Investment, IPO, Ruchi Soya, બાબા રામદેવ