ચામુંડા ધામ ચોટીલામાં બનશે રોપ-વે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત

ચામુંડા ધામ ચોટીલામાં બનશે રોપ-વે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત
ચામુંડા ધામ ચોટીલામાં બનશે રોપ-વે

રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે હવે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા વરિષ્ઠ વડીલો, વૃદ્ધો, બાળકો કે જરૂરતમંદ યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટીલા પર્વતની ટોચે માતાજીના દર્શને પહોચવામાં સરળતા થશે

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોંચી શકાય તેવી યાત્રી સુવિધા માટે ચોટીલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન એક પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામોમાં આવતા શ્રદ્ધાળુ-યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકારે યાત્રી સુખાકારીના અનેક આયોજનબદ્ધ કામો ઉપાડયા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે હાલ આદ્યશક્તિ પીઠ અંબાજી, મહાકાળી ધામ પાવાગઢમાં દર્શનાર્થીઓ માટે રોપ-વે સફળતાપૂર્વક કાર્યરત છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વે ની સેવાઓ પણ લોકાર્પણ કરી છે. આ ત્રણેય રોપ-વે સેવાઓને યાત્રિકો-પ્રવાસીઓના મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદને પગલે હવે રાજ્યમાં ચામુંડા ધામ ચોટીલા ખાતે પણ રોપ-વે સેવા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.



આ પણ વાંચો - વિશ્વના સૌથી નાનકડા સાધુ, કુંભ મેળાના 1.5 ફૂટના સાધુના આશીર્વાદ મેળવવા પડાપડી

આ રોપ-વે કામગીરી માટેની એજન્સી પણ નિયત કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ રોપ-વે નિર્માણની કામગીરી શરૂ થઇ જશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ચોટીલામાં રોપ-વે શરૂ કરવાના રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે હવે, ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા વરિષ્ઠ વડીલો, વૃદ્ધો, બાળકો કે જરૂરતમંદ યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટિલા પર્વતની ટોચે માતાજીના દર્શને પહોચવામાં સરળતા થશે. એટલું જ નહીં સમય અને શ્રમ પણ બચશે.

આ રોપ-વે સેવા શરૂ થવાથી ચોટીલા યાત્રાધામની તળેટી સહિતના આસપાસના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં યાત્રિકો-પર્યટકો આવતા થશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી તેમજ આર્થિક ગતિવિધિને પણ નવું બળ મળશે.
Published by:Ashish Goyal
First published:April 01, 2021, 19:49 pm

ટૉપ ન્યૂઝ