ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં 10 કરોડની લાંચ લીધી હોવાની પીએમ સુધી ફરિયાદ થતા ઇડીએ તપાસ શરૂ કરી છે. પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટ શરૂ કરવામાં નિષફળ ગયેલ કંપનીની ડિપોઝીટ જપ્ત કરવાને બદલે કરોડો રૂપિયાનું પેકેટ લઈ ને ખાસ કિસ્સામાં ડિપોઝીટ પરત કરી છે. તાજેતરમાં ગુજરાતના નિવૃત થયેલ મુખ્ય સચિવ પર ઇડીની ગાજ પડી છે. નિવૃત થયેલ આઈએએસ અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન મોટાપાયે ભષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે બાબતે ઇડીએ તેમની તપાસ શરૂ કરી છે. આ અધિકારીએ ગુજરાતમાંથી હવાલા મારફતે દુબઇ રૂપિયા મોકલ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો ભાજપના સાંસદની કંપનીને ધ્રોલ જોડિયામાં દરિયાના પાણીને મીઠું કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે પ્રોજેકટનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું. જોકે આ પ્રોજેકટનું કામ શરૂ કરવામાં ભાજપના સંસદ સભ્યની કંપની નિષ્ફળ ગઈ હતી. આ કંપનીની 50 કરોડની ડિપોઝીટ જપ્ત કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ભલામણ કરાઈ હતી. જોકે તત્કાલીન રાજયના મુખ્ય સચિવે 50 કરોડ ની ડિપોઝીટ જપ્ત કરવાને બદલે તેમણે બીજેપીના સંસદ સભ્યની કંપનીને 50 કરોડ ડિપોઝીટ પરત આપવા માટે વચલો રસ્તો અપનાવ્યો હતો. આ પણ વાંચો - રાજ્યમાં 10થી 12 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ તેમણે 50 કરોડ ડિપોઝીટ પરત કરવાના બદલામાં 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી. તેમણે નિવૃત્તિના એક સપ્તાહ પહેલા જ ગાંધીનગરની હોટલ હવેલીની બહાર ડિપોઝીટ પરત કરવાની ફાઇલ ક્લિયર કરી દેતા તેમને 10 કરોડ રોકડા પહોંચાડી દીધા હતા. જે બાબતે પીએમઓમાં ભાજપના સાંસદ દ્વારા જ ફરિયાદ કરાઈ હતી. જેના કારણે રાજ્યના નિવૃત આઈએએસના પગ નીચે રેલો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના આઈએએસ અધિકારીએ ગુજરાતથી જ મોટી રકમ દુબઈ હવાલા મારફતે મોકલી છે. આ હવાલા બાબતે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કવાયરી શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે ઇડીની ટીમે આ નિવૃત્ત આઈએએસ અધિકારીની કલાકો સુધી પૂછપરછ કરી છે. આ આઈએએસ અધિકારી રાજય સરકારની ગુડબુકમાં હતા. તેઓએ નિવૃતિના સમયે ચારે તરફથી ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની સામેના તમામ કેસોની તપાસ ઇડીએ શરૂ કરી છે. બીજી તરફ સેન્ટ્રલ એજન્સી દ્વારા પણ તપાસ શરૂ કરાઇ છે.