Home /News /gujarat /Power Corridor: રેરાના નવા ચેરમેન કોણ બનશે? બિલ્ડર લોબીનો જીવ તાળવે ચોંટ્યો, પંકજ કુમારનું નામ ચર્ચામાં
Power Corridor: રેરાના નવા ચેરમેન કોણ બનશે? બિલ્ડર લોબીનો જીવ તાળવે ચોંટ્યો, પંકજ કુમારનું નામ ચર્ચામાં
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી
New Chairman of RERA: બ્યુરોક્રેસીમાં એવી ચર્ચા છે કે, 31મી જાન્યુઆરી 2023માં નિવૃત્ત થનારા ચીફ સેક્રેટરી પંકજકુમારને સરકાર રેરાના ચેરમેન બનાવી શકે છે. ગુજરેરા ઉપરાંત પંકજકુમારની નિયુક્તિ ગુજરાત વિઝિલન્સ કમિશનમાં પણ થઇ શકે છે. જો કે સૂત્રો એવું કહે છે કે, પંકજકુમારને નિવૃત્તિ પછીની નોકરી ગુજરાતમાં આપવી કે નવી દિલ્હીમાં તે હવે દિલ્હી હાઇકમાન્ડે નક્કી કરવાનું છે.
અમદાવાદ: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન કોણ બનશે? તેની પર રાજ્યની બિલ્ડર લોબીની નજર છે. કેમ કે ચાર વર્ષના લાંબા સમય સુધી આ પદ પર ફરજ બજાવતા નિવૃત્ત આઇએએસ અધિકારી અમરજીતસિંઘ ગયા નવેમ્બર મહિનામાં નિવૃત્ત થઇ ચૂક્યાં છે. હવે સચિવાલયથી લઇને બિલ્ડર લોબીમાં એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે, ખાલી પડેલા રેરાના ચેરમેન પદ પર ક્યા નિવૃત્ત અધિકારી આવશે?
પંકજકુમારને સરકાર રેરાના ચેરમેન બનાવી શકે છે
બ્યુરોક્રેસીમાં એવી ચર્ચા છે કે, 31મી જાન્યુઆરી 2023માં નિવૃત્ત થનારા ચીફ સેક્રેટરી પંકજકુમારને સરકાર રેરાના ચેરમેન બનાવી શકે છે. ગુજરેરા ઉપરાંત પંકજકુમારની નિયુક્તિ ગુજરાત વિઝિલન્સ કમિશનમાં પણ થઇ શકે છે. જો કે સૂત્રો એવું કહે છે કે, પંકજકુમારને નિવૃત્તિ પછીની નોકરી ગુજરાતમાં આપવી કે નવી દિલ્હીમાં તે હવે દિલ્હી હાઇકમાન્ડે નક્કી કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, રેરાના ચેરમેનની જેમ એપેલેટ ટ્રિબ્યુનલમાં પણ ચેરમેનની જગ્યા હજી સુધી ભરાઇ નથી. પરિણામે અપીલના કેસોમાં લોકોને ન્યાય મેળવવા માટે હાઇકોર્ટનો આશરો લેવો પડી રહ્યો છે. આ જગ્યાએ સરકારને નિવૃત્ત જસ્ટીસની નિયુક્તિ કરવાની થાય છે.
ખાલી પડેલી જગ્યાઓ માટે અધિકારીઓની ફેરબદલ
ગુજરાત સરકારનું 2023-24નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવા માટે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીની 23મી તારીખે શરૂ થઇ રહ્યું છે ત્યારે તે પહેલાં સચિવાલયના વિભાગોમાં અને બોર્ડ-નિગમમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અધિકારીઓની ફેરબદલ થવાની સંભાવના છે. ખાસ કરીને જેમને ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તે રાજકુમારના ગૃહ અને ઉદ્યોગ વિભાગના મહત્વના પદ ખાલી પડી રહ્યાં છે. સરકારને તે 31મી જાન્યુઆરી સુધીમાં ભરવા પડશે. તે સાથે વિપુલ મિત્રાને ખસેડવામાં આવી રહ્યાં હોવાથી પંચાયત વિભાગનું પદ પણ ખાલી પડશે. સરકારમાં વધારાના હવાલા ધરાવતા પાંચથી સાત જાહેર સાહસો છે કે, જેમાં નવી નિયુક્તિ થવા સંભવ છે.
સચિવાલયમાં તો હાલ ગૃહ અને ઉદ્યોગ વિભાગ માટે સંભવિત અધિકારીઓના નામોની અટકળો ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા બે અધિકારીઓ કે શ્રીનિવાસ અને એસ અપર્ણા પાછા આવી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ચિંતન શિબિર હવે વિસરાઇ ચૂકી છે. મોદીએ તેમના ગુજરાત શાસનમાં તમામ કેબિનેટ મંત્રીઓ અને સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને રાજ્યના વિકાસના પ્લેટફોર્મરૂપી ચિંતન શિબિર યોજી છે અને સરકારી વહીવટમાં પરિવર્તન કર્યાં છે.
મોદીની આ બ્રેઇનસ્ટોર્મિંગ કસરત આ નવી સરકારમાં વિસરાઇ ચૂકી છે. રાજ્યમાં છેલ્લે વિજય રૂપાણીની સરકારમાં ચિંતન શિબિર યોજવામાં આવી હતી ત્યારપછી એટલે કે છેલ્લા બે વર્ષથી સરકારમાં કોઇ ચિંતન થયું નથી. હવે મુખ્યમંત્રીના ચીફ એડવાઇઝર ડો. હસમુખ અઢીયા ચિંતન શિબિરની સરકારને ભલામણ કરી શકે છેૉ. કેમ કે મોદીએ જ્યારે પહેલી ચિંતન શિબિર યોજી હતી ત્યારે હસમુખ અઢિયા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા. તેમણે અને બીજા ઉચ્ચ અધિકારીઓએ આવી શિબિર માટે નરેન્દ્ર મોદીને ભલામણ કરી હતી. અઢિયાના નેતૃત્વમાં મોદી સરકારે જે તે સમયે ગુજરાતના કર્મચારીઓ અને અધિકારીઓ માટે કર્મયોગી અભિયાન પણ શરૂ કર્યું હતું જેમાં કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ, વર્તણૂક તેમજ આરોગ્યની કાળજી સહિતના મુદ્દાઓ અગ્રેસર હતા પરંતુ આ સરકારમાં કર્મયોગી કલ્ચરનો પણ દાટ વળી ગયો છે.
પદ્મશ્રી એવોર્ડ વિનર અને મુખ્યમંત્રીના એડવાઇઝર (ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ) હવે તેમનું ફોક્સ ત્રણ મહત્વના પ્રોજેક્ટ પર કેન્દ્રિત કરી રહ્યાં છે. કેશુભાઇ પટેલના સમયથી જે પ્રોજેક્ટ એક સ્વપ્ન બની રહ્યો છે તે કલ્પસરને આગળ વધારવા રાઠૌર આ યોજનાને સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે. ઉપરાંત તેઓ ભાડભૂત બેરેજ યોજના ઝડપથી પૂર્ણ કરવા માગે છે. આ સાથે અમદાવાદમાં સાબરમતી નદીના બન્ને કાંઠે બનાવાયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવવાની યોજના માટે તેમણે વિચાર-વિમર્શ શરૂ કર્યો છે.
ગાંધીનગરમાં 9.3 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કે 353.58 કરોડનો ખર્ચ અંદાજ્યો છે. અમદાવાદમાં બનેલો રિવરફ્રન્ટ 11.2 કિલોમીટર લાંબો છે અને તે ઇન્દિરાબ્રીજ પાસે પૂર્ણ થાય છે. હવે આ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. આ કામ ઝડપથી શરૂ થાય તે માટે રાઠૌરે અધિકારીઓને સૂચના આપી છે. અધિકારીઓ સાથેની ચર્ચામાં એસએસ રાઠૌરે કલ્પસર યોજના તેમજ ભાડભૂત યોજનાનો રિપોર્ટ પણ માગ્યો હતો. આ બન્ને યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. મુખ્યમંત્રીના સલાહકાર સમક્ષ આ ત્રણ પ્રોજેક્ટ મુખ્ય છે, જેમાં બજેટ એલોકેશન કરવાનું હોય તો અધિકારીઓને પણ કહી દેવામાં આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર