આગામી 10 વર્ષમાં રિલાયન્સ રાજ્યમાં રોકાણ-રોજગારી બમણાં કરશેઃ મૂકેશ અંબાણી

વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂકેશ અંબાણણીએ ઉદબોધન કર્યુ હતું.

વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂકેશ અંબાણીનું ઉદબોધન: પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં વધુ રૂ. 150 કરોડનું રોકાણ થશે.

 • Share this:
  ગાંધીનગર: નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સમાં અમારો આદર્શ છેઃ ભારત પ્રથમ અને ભારતમાં ગુજરાત પ્રથમ. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ. “ગુજરાત હંમેશા રિલાયન્સ માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે અને રહેશે.
  અમે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી રૂ.3 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને ગુજરાતમાં 10 લાખ કરતાં વધારે જીવનનિર્વાહ તકોનું નિર્માણ કર્યું છે.
  છેલ્લાં એક દશકની સરખામણીમાં, રિલાયન્સ આગામી 10 વર્ષમાં આ રોકાણ અને રોજગારીને બમણાં કરશે,” એમ મૂકેશ અંબાણીએ ઉમેર્યું હતું.

  ગુજરાતના ભવિષ્યના વિકાસ મોડલ માટેની રિલાયન્સની પાંચ પહેલની વાત કરતાં મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દરેક નાગરિક માટે જીવન જીવવાની સરળતાના પ્રેરણાદાયી વિઝનમાં મહત્વનું પ્રદાન આપશે.

  પ્રથમ પહેલ તરીકે જિયો ગુજરાતને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ડિજીટલી કનેક્ટેડ રાજ્ય બનાવશે. બીજી પહેલ તરીકે જિયો અને રિલાયન્સ રીટેલ નવું કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે જે ગુજરાતના 12 લાખ નાના રીટેલરો અને દુકાનદારોનું સશક્તિકરણ કરશે અને તેમને સમૃધ્ધ બનાવશે.  ત્રીજી પહેલ તરીકે અમારી ઓઇલ ટુ કેમિકલ વ્યૂહરચના ભારતીય નિકાસોનાં મૂલ્યમાં અનેકગણી વૃધ્ધિ કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. ચોથી પહેલ તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ.)માં રૂ.150 કરોડનું રોકાણ કરીને તેને વધારે મજબૂત અને આંતર્રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ સંસ્થા બનાવશે.


  પાંચમી પહેલ તરીકે હાલમાં ભારતના હજારો ગામડાંમાં અને ગુજરાતના દરેક જિલ્લામાં હાજરી ધરાવતું રિલાયન્સ ફાઉન્ડેશન 'રૂરલ ડિસ્ટ્રેસને રૂરલ પ્રોગ્રેસ' (ગ્રમીણ કઠણાઇઓને ગ્રામીણ પ્રગતિ)માં કઈ રીતે પરિવર્તન કરી શકાય તે દર્શાવશે.

  મૂકેશ અંબાણીના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ‘મેન ઓફ એક્શન’ તરીકે પ્રસિધ્ધ છે અને તેથી જ તેમણે ભારતના ડેટાનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકો પાસે રહે તે માટે વિચારણા હાથ ધરવા સૂચન કર્યુ હતું.

  મૂકેશ અંબાણીએ મહાત્મા ગાંધીના 150મી જન્મજયંતિ વર્ષમાં ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, “ગાંધીજીએ રાજકીય ગુલામી સામે ભારતની લડત ચલાવી હતી.

  આજે, ડેટાની ગુલામી સામે સાથે મળીને લડતનો પ્રારંભ કરવાની જરૂરિયાત છે. ડેટા જ નવું ઓઇલ છે અને ડેટા નવી સંપત્તિ છે. ભારતના ડેટા પર ભારતનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકોની હોવી જોઇએ નહીં કે કોર્પોરેટ કંપનીઓની ખાસ કરીને વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓની. ભારતે ડેટાથી ચાલતી ક્રાંતિમાં સફળ થવું હોય તો પણ ભારતીય ડેટાનું સંચાલન અને માલિકી ભારતમાં લાવવું પડશે, અન્ય શબ્દોમાં કહીએ તો ભારતીય સંપત્તિ પાછી દરેક ભારતીયને પાછી આપવી પડશે.”

  એક ગર્વિષ્ઠ ગુજરાતી તરીકે મૂકેશ અંબાણીએ છ કરોડ ગુજરાતીઓને જણાવ્યું હતું, “તમારું સ્વપ્ન એ મારું સ્વપ્ન છે. વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધ ઔદ્યોગિક સાહસની તાકાતને વધારે વેગવાન બનાવીને અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિની ઊભરતી ડિજીટલ ક્રાંતિની તાકાતને ઉપયોગમાં લઇને આપણે સાથે મળીને ગુજરાતને વિશ્વનું સૌથી સમૃધ્ધ સ્થળ બનાવી શકીએ.આ રીતે, ગુજરાત માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મોડલ બની રહેશે.”

  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રશંસા કરતાં મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના પરિવર્તનકારી મોડલને દરેક ભારતીય રાજ્યએ અપનાવ્યું છે તેનો સંતોષ છે. આ પાયાની પહેલનો શ્રેય જે માત્ર એક નેતાને જાય છે તે છે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના દૂરંદેશી ધરાવતા નેતા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જેમની આગેવાની હેઠળ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધિ પામતું અર્થતંત્ર બની રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

  તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સનું નવું બિઝનેસ મોડલ માત્ર થોડાં જ સ્થળોએ કેન્દ્રિત રોકાણોથી આગળ વધીને સમગ્ર ગુજરાતમાં જુદાં-જુદાં સ્થળોએ વિકેન્દ્રિત રીતે ઘણું વધુ રોકાણ કરશે.
  Published by:Jay Mishra
  First published: