ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ, કનેક્ટિવિટીની સમસ્યાથી ખેડૂતોમાં રોષ

News18 Gujarati
Updated: October 1, 2019, 2:12 PM IST
ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ, કનેક્ટિવિટીની સમસ્યાથી ખેડૂતોમાં રોષ
નોંધણી કરવા ઉમટી પડેલા ખેડૂતો.

ખેડૂતોએ વહેલી સવારથી જ નોંધણી કેન્દ્રો બહાર લાઈનો લગાવી, નિર્ધારિત સમયે નોંધણી ન શરૂ થતાં ખેડૂતોમાં રોષ.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજે સરકાર તરફથી 11 માર્કેટિંગ યાર્ડમાં નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રથમ ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી ચાલશે. જે બાદમાં પહેલી નવેમ્બરથી સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. જોકે, નોંધણી શરૂ થતાની સાથે જ અનેક જગ્યાએથી ખેડૂતોને નોંધણીમાં તકલિફો પડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ટેકાનો ભાવ વધારવાની માંગણી

રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી કરાવવા માટે ખેડૂતો ગઇકાલ રાતથી જ લાઇનોમાં ઉભા છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન સ્થળે પીવાના પાણી સહિતની વ્યવસ્થા ન હોવાથી તેમજ કનેક્ટિવિટીને કારણે નોંધણીમાં વાર લાગી રહી હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ખેડૂતોએ ટેકાનો ભાવ રૂ. 1500 હોવો જોઈએ તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે આ વર્ષે સરકારે ટેકાનો ભાવ રૂ. 1018 જાહેર કર્યો છે. ગત વર્ષે એક મણનો ટેકાનો ભાવ રૂ. 1000 હતો. ખેડૂતોની કહેવું છે કે સરકારે ટેકાના ભાવમાં સામાન્ય વધારો કર્યો છે.માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતોની લાઇનો લાગી

ટેકાના ભાવે ખરીદીની નોંધણી થવાની હોવાથી ખેડૂતોએ વહેલી સવારથી જ રાજકોટ યાર્ડ ખાતે લાઇનો લગાવી દીધી હતી. બીજી તરફ ખેડૂતોને પડી રહેલી તકલીફો બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાનું કહેવું છે કે, ખેડૂતોને પડી રહેલી હાલાકી મામલે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રજુઆત કરવામાં આવશે. પૂરતો સ્ટાફ ન હોવાની ફરિયાદ મળતા આ મામલે કલેક્ટરને પણ રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત નિયત સમયે નોંધણી શરૂ નહીં થવાની ફરિયાદ અંગે પણ રજુઆત કરવામાં આવશે.

હાપા યાર્ડમાં નોંધણીના કોઈ ઠેકાણા નથી

બીજી તરફ જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશનમાં પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવી સ્થિતિ થઈ છે. હાપા યાર્ડ ખાતે ખેડૂતો સવારથી ઉભા છે પરંતુ રજીસ્ટ્રેશનના કોઈ ઠેકાણા નથી. આવી ફરિયાદ બાદ મામલતદાર હાપા યાર્ડ ખાતે પહોચ્યાં હતા. સમયસર નોંધણી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.

ગીર સોમનાથમાં સવારથી લાઈનો

ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી ટેકાના ભાવે મગફળીની રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મગફળીની નોંધણી માટે ખેડૂતોએ સવારના પાંચ વાગ્યાથી જ લાઈનો લગાવી હતી. કલેક્ટરના આદેશ પ્રમાણે નોંધણી શરૂ થઈ હતી.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर