Home /News /gujarat /વડોદરાની આ બેંકને RBI એ 35A ની નોટિસ આપી, ખાતેદારો 6 મહિનામાં 30 હજાર જ ઉપાડી શક્શે
વડોદરાની આ બેંકને RBI એ 35A ની નોટિસ આપી, ખાતેદારો 6 મહિનામાં 30 હજાર જ ઉપાડી શક્શે
ઇન્ચાર્જ બેંક મેનેજરએ ખાતેદારોને ભીડ ન કરવા અપીલ કરી હતી
આરબીઆઇની ગાઇડલાઇન મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિઓ 6 મહિનામાં વધુમાં વધુ રૂ.30 હજાર જ ઉપાડી શકશે. આરબીઆઇની નોટિસના પગલે ખાતેદારો બેંક પર દોડી આવ્યા હતા, જેના કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી.
અંકિત ઘોંસીકર, વડોદરા: વડોદરાના ડભોઇમાં આવેલી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્કની આર્થિક સ્થિતિ કથળતા આરબીઆઇએ 35A ની નોટિસ આપી 6 મહિના માટે નિયંત્રણો મૂકતા ખાતેદારો દોડતા થયા છે. ડભોઈ અને વડોદરામાં બેંકની બ્રાન્ચમાં મોટી સંખ્યામાં ખાતેદારો રૂપિયા લેવા દોડી આવતા અંધાધૂંધી સર્જાઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડભોઇની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી છે. બેંકની આર્થિક સ્થિતિ નબળી જણાતા આરબીઆઇએ પગલા લીધા છે. જો કે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. આ કાર્યવાહીને પગલે આજે ડભોઇ અને વડોદરાના ખાતેદારોમાં દોડધામ મચી હતી. બેકિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર થઇ હતી.
આરબીઆઇની ગાઇડલાઇન મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિઓ 6 મહિનામાં વધુમાં વધુ રૂ.30 હજાર જ ઉપાડી શકશે. આરબીઆઇની નોટિસના પગલે ખાતેદારો બેંક પર દોડી આવ્યા હતા, જેના કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. બેંકમાં રૂપિયા લેવા ખાતેદારોની લાંબી લાઈન લાગી હતી. કેટલાક ખાતેદારો રૂપિયા ડૂબી જવાના ડરે રીતસરના રડતા નજરે પડ્યા તેમજ બેંક મેનેજર અને આરબીઆઇને તેમના નાણાં પરત મળી જાય તેવી અપીલ કરી હતી. તો કેટલાક ખાતેદારોએ બેંક પર ભરોસો રાખી બેંકની સ્થિતિ સુધરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આરબીઆઇના નિયંત્રણ બાદ હવે બેંક કોઇ લોનને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિન્યૂ કરી શકશે નહીં, નવું રોકાણ નહીં કરી શકે, કોઇ ઉધાર ફંડ લઇ શકશે નહીં, નવી ડિપોઝિટ પણ લઇ શકશે નહીં. કોઇ ચૂકવણી કે તેના માટે સંમતિ આપી શકશે નહીં. અકસ્માયતો કે મિલકતોનું વેચાણ, તબદિલી કરી શકશે નહીં. બેંકમાં એફડી રાખનારા ડિપોઝિટર વીમાનો ક્લેઇમ રૂ.5 લાખની મર્યાદામાં મેળવી શકશે તેવી જાહેરાત પણ કરાઈ છે. જેના લીધે વેપારી, ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો હતો.
ઇન્ચાર્જ બેંક મેનેજરએ ખાતેદારોને ભીડ ન કરવા અપીલ કરી હતી સાથે જ જેટલું ફંડ છે તે પ્રમાણે ખાતેદારોને ચુકવણી કરી રહ્યા હોવાનું કહ્યું હતું. મહત્વની વાત છે કે બેંક પર નિયંત્રણો નાખવામાં આવતા ખાતેદારો હવે શું કરવું તેવી મુંઝવણમાં મૂકાઇ ગયા છે. મહાલક્ષ્મી બેંકની શાખાઓ ડભોઇ ઉપરાંત છોટાઉદેપુરના ક્લબ રોડ, વડોદરામાં ન્યૂ લહેરીપુરા રોડ ખાતે પણ કાર્યરત છે. જ્યાં સવારથી ભીડ જામી હતી. અને લોકોના મનમાં એક જ સવાલ છે કે તેમના રૂપિયા મળશે કે પછી ડૂબી જશે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર