રવિ પૂજારીનો આતંક પરંતુ ગુજરાત પોલીસના 'વોન્ટેડ' લિસ્ટમાં પણ નથી પૂજારી!

ગુજરાત પોલીસના મોસ્ટ વોન્ટેડની સૂચિ તથા રેડ કોર્નર નોટિસમાં રવિ પૂજારીનું નામ પણ શામેલ નથી

ગુજરાત પોલીસના મોસ્ટ વોન્ટેડની સૂચિ તથા રેડ કોર્નર નોટિસમાં રવિ પૂજારીનું નામ પણ શામેલ નથી

 • Share this:
  - તા.6 થી 8 જૂન, 2018 : વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને સતત ત્રણ દિવસ સુધી મળી રવિ પૂજારી તરફથી ધમકી.
  -30-31 માર્ચ, 2018 : સુરતના એક બિઝનેસમેનને તેના મોબાઇલ અને લેન્ડલાઈન ફોન પરથી મળે છે રૂ.5 કરોડની ખંડણીની ધમકી, ફરી રવિ પૂજારીનું નામ ઉજાગર થાય છે.
  -10 માર્ચ, 2017 : ભાજપના નેતા પ્રેમચંદ લાલવાણીને મળે છે રવિ પૂજારી તરફથી ધમકી.
  -14 જાન્યુઆરી, 2017 : કોંગ્રેસના પ્રવર્તમાન પ્રમુખ અને આંકલાવના ધારાસભ્યને મળે છે ઑસ્ટ્રેલિયાથી રવિ પુજારીની ધમકી.
  -10 માર્ચ, 2017 : જાણીતા માનવાધિકાર ચળવળકાર મુકુલ સિંહાના પુત્ર અને અલ્ટ ન્યૂઝ વેબસાઈટના એડિટર પ્રતીક સિન્હાને મળે છે રવિ પુજારીની ધમકી.

  આ કેટલાક તાજેતરના કિસ્સાઓ છે, જ્યાં રવિ પૂજારી એક યા બીજી રીતે સામાજિક અને આર્થિક ક્ષેત્રના અગ્રણીઓને ધમકાવતો હોવાની બાબત સામે આવી છે. આ પ્રત્યેક કિસ્સાઓમાં જે-તે જિલ્લા પોલીસ કે અમદાવાદની બહુ હોનહાર કહેવાતી ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હોવાની પ્રાથમિક માહિતી પણ કદાચ ક્યાંકથી મળી જાય. કિન્તુ આ પૈકીના એકપણ મામલામાં કંઈ કોંક્રીટ થયું હોય તેવું ભાગ્યે જ ધ્યાનમાં આવ્યું છે.

  આ 'રવિભાઈ' ક્યારે-ક્યારે અને ક્યા સમયે કોને-કોને ધમકી આપે છે તેનું 'ટાઈમિંગ' પણ જબરદસ્ત છે. ખરેખર જ રવિભાઈ ધમકાવે છે કે અન્ય કોઈ તેના નામે સમય જોઈને ચરી ખાઈ છે તે પણ વિચારણીય મુદ્દો તો ખરો  જ ! વાત સાચી હોય કે ખોટી પણ ધમકી કોઈક આપી જાય  છે તે ખરું અને આ પ્રકારના સંખ્યાબંધ કિસ્સાઓમાં પોલીસ પાસે તેની કંઈક  માહિતી પણ હોવી અપેક્ષિત છે.

  જોકે, ગુજરાત પોલીસ પાસેથી આ અપેક્ષા રાખવી વધુ પડતી છે. કારણ રવિ પૂજારી નામનો આ ગુનેગાર કે કથિત ગેંગસ્ટર આ પ્રકારે અહીંના પ્રજાજનોને ઘણા લાંબા સમયથી રંજાડતો હોવા છતાં ગુજરાત પોલીસના "મોસ્ટ વોન્ટેડ" ગુનેહગારોની સૂચિમાં તે છે જ નહિ!  ગુજરાત પોલીસ પાસે જે 15 'મોસ્ટ વોન્ટેડ' આરોપીઓના નામ છે તેમાં દાઉદ ઇબ્રાહિમ, શરીફખાન એજાઝખાન પઠાણ, રસૂલ પાર્ટી યાકુબખાન પઠાણ, ઇબ્રાહિમ ઉર્ફ અબ્દુલખાન ઉર્ફ ટાઇગર મેમણ, ભોગીલાલ દરજી ઉર્ફ સલીમ ભોગી, ફારુકી ઉર્ફ યુનુસ લોટો, જુસબમિયાં ઉર્ફ દદલીમિયાં પંજુમિયા સૈયદ, મહમદ ફારૂક મહમદ ગુલામ સુરતી, મહમદ હનીફ ઉર્ફ હનીફ ટાઇગર, ગજનફરલી ગુલામ મહમદ બેતવાળા, સલીમ અબ્દુલ હમિદ, હનીફ મોહમ્મદ ચૌહાણ, બબલુ રાજેદ્રપ્રસાદ યાદવ ઉર્ફ બબલુ બિહારી, છોટા શકીલ અને છોટા રાજન ઉર્ફ સદાશિવ નિખાલજેનો સમાવેશ થાય છે.

  આ ઉપરાંત જૂન 11, 2018 એટલે કે આજથી માત્ર એક અઠવાડિયા પહેલા ક્રિમીનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટ (સીઆઇડી), ગુજરાત દ્વારા જારી કરેલી "રેડ કોર્નર" નોટિસમાં પણ 59 ગુનેહગારોના નામની યાદી જરૂર છે, પરંતુ રવિ પૂજારીનું નામ અહીં પણ નથી!  આ તમામ માહિતી રાજ્ય સરકારના ગૃહ વિભાગમાંથી જ પ્રાપ્ત થઇ છે એટલે આમાં કઈ નવું નથી. કદાચ, નાસતા-ફરતા આરોપીઓની જિલ્લાવાર સૂચીમાં 'રવિભાઈ' હોય તો સરકારના ગૃહ વિભાગ પાસે કશુંક બચાવ જેવું રહે.

  ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ પોલીસ (ઇન્ટરપૉલ)ની યાદીમાં  વર્ષ-2002થી રવિ પૂજારીનું નામ 'મોસ્ટ વોન્ટેડ'ની યાદીમાં છે. જો કે ઇન્ટરનેશનલ પોલીસ અને ગુજરાત પોલીસમાં અંતર હોય'ને ? ! અન્ય કોઈ વ્યક્તિને ફરી એક વખત ધમકી મળવાની રાહ જોઈએ.
  Published by:sanjay kachot
  First published: