રાજકોટમાં સોશિયલ મીડિયામાં ચમકવા માટે કાયદાનો ભંગ?
Rajkot Police: રાજકોટમાં જાણે યુવાનોને પોલીસનો કોઈ ડર ના હોય તે રીતે સોશિયલ મીડિયામાં રોફ મારવામાં આવી રહ્યો છે. ગન લઈને રીલ બનાવીને યુવાનો પોતાનો જુસ્સો બતાવી રહ્યા છે, જોકે આ કારણે સમાન્ય નાગરિકોમાં ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે.
રાજકોટઃ શહેરમાં જાણે કે રિવોલ્વર અને પિસ્તોલ સાથે વિડીયો બનાવો અને સોશિયલ મીડિયામાં શેર કરો સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જાણે કે, યુવાધનમાં પિસ્તોલ અને રિવોલ્વર સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવાનો ક્રેઝ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવાનો જે રીતે સોશિયલ મીડિયા પર ચમકવા માટે વીડિયો બનાવી રહ્યા છે કે જાણે તેમને શહેર પોલીસનો કોઈ ડર જ ના હોય. હવે આ અંગે ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ દ્વારા આ પ્રકારે રોફ મારવાના યુવાનો સામે કેવા પગલા ભરવામાં આવશે?
રાજકોટ શહેરમાં 12 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડિયો Akki 307 નામના instagram એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં એક બેગ્રાઉન્ડ ડાયલોગ પણ મૂકવામાં આવ્યો છે. જે ડાયલોગમાં "हमें और दुश्मन चाहिए, क्योंकि पुराने दुश्मन तो हमारे फैन बन चुके हैं।". ત્યારે વીડિયોમાં દેખાનાર રિવોલ્વર યુવાન કોની પાસેથી લાવ્યો હશે, કોની પરવાનાવાળી રિવોલ્વરનો તેણે વીડિયો બનાવવા માટે ઉપયોગ કર્યો છે તેવા સવાલો ઉઠવાના શરુ થઈ ગયા છે.
નોંધનીય છે કે, આ જ પ્રકારનો વિડીયો અગાઉ વોર્ડ નંબર-6ના ભાજપના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવના પુત્ર નિલેશ જાદવનો પણ વાયરલ થયો હતો. પરંતુ તે મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે બાબત પ્રેસનોટ જાહેર કરવામાં આવી નથી. જે તે સમયે જ વાત સામે આવી હતી કે નિલેશ જાદવ પાસે રહેલું પરવાનાવાળું હથિયાર અન્ય કોઈનું નહીં પરંતુ તેના પિતાનું છે. જોકે આજ દિન સુધી કોર્પોરેટરના પતિના હથિયારનો પરવાનો રદ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે પણ હજુ સુધી શહેર પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આવા અનેક વિડીયો રાજકોટ શહેરમાં સામે આવી ચૂક્યા છે. તેમ છતાં આજ દિવસ સુધી યુવાનોમાં દાખલો બેસે તેવા કડક પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે યુવાધનના એક બાદ એક આ પ્રકારના વિવાદિત વિડિયો વાયરલ થતા અટકવાનું નામ નથી લઈ રહ્યા.