ગાંધીનગર : રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આવતી કાલે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
વેધર વોચ ગ્રૂપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતા રાહત કમિશનરે જણાવ્યુ હતું કે આજે સવારે 6 થી બપોરના 2 સુધી 5 તાલુકાઓમાં 1 મીમી થી લઇ 8 મીમી સુધી વરસાદ નોધાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સૌથી વધુ 8 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં 22 સપ્ટેમ્બર સુધી 1095.55 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 131.84% છે
IMDના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે. પરંતુ આવતીકાલે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોઈ 24 સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25 સપ્ટેમ્બર બાદ વરસાદ નહિવત રહેશે.
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલુ વર્ષે 21 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 86.22 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.87 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.56 ટકા વાવેતર થયું છે. સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,19,887 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 95.75% છે. રાજયનાં 205 જળાશયોમાં 5,23,431 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 93.97% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ -174 જળાશય, એલર્ટ ૫ર કુલ-7 જળાશય તેમજ વોર્નિંગ ૫ર 6 જળાશય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર