અમદાવાદ : રાજ્યમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
વરસાદની આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે આગાહી કરતા ન્યુઝ18ને જણાવ્યું કે, આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વ્યારા, બરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ વરસાદ ધોધમાર રહેશે. તો સોમવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેને પગલે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર સર્જાય તેવો વરસાદ વરસી શકે છે. જેને પગલે જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે. તેમના માટે આનંદના સમાચાર છે. આ વરસાદની સિસ્ટમ એક લાંબી હેલીની જોવા મળી શકે છે. એટલે કે, જુલાઈ મહિનો પુરો મેઘરાજા મનમુકીને વરસશે. જ્યાં સિસ્ટમ સ્થિર થશે ત્યાં મેઘતાંડવ પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટા ભાગના તમામ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ, વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ, સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોને રાહત મળી છે. આ સિવાય પુરો મહિનો વરસાદ રહેવાની આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, જે લોકોએ હજુ સુધી વાવેતર નથી કર્યું તે લોકો વરાસદ થયાના બે દિવસની ગેપ રાખી જ્યારે વરસાદ શાંત પડે ત્યારે વાવણી જરૂરથી કરી દે તેવી સલાહ પણ આપવામાં આવી રહી છે. સમયસર ફરી એકવાર ચોમાસુ સક્રિય થઈ જતા, વાવણી કરેલ પાકને જીવતદાન જરૂરથી મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર