Home /News /gujarat /રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસે કરી લીધી છે તૈયારીઓ
રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહેશે, ગુજરાત કોંગ્રેસે કરી લીધી છે તૈયારીઓ
રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થશે
Rahul Gandhi, Surat Defamation Case: રાહુલ ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે. સુરતની કોર્ટમાં ચાલી રહેલા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી હાજર રહેવાના છે. રાહુલ ગાંધી ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. પુર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે.
સુરતઃ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજર રહેવાના છે. બદનક્ષીના કેસમાં આજે સુરતની કોર્ટ ચુકાદો સંભળાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી ગુજરાત પહોંચે તે પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોર્ટની પ્રક્રિયાને સંપૂર્ણ માન-સન્માન આપ્યું છે. ચાવડાએ મહાત્મા ગાંધીએ અત્યાચારો સામે લડત લડાવી તે વાતનો પણ અહીં ઉલ્લેખ કરીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વાત કરી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી આજે સવારે 10 વાગ્યાની આસપાસ સુરત પહોંચશે અને 11 વાગ્યે તેમણે કોર્ટમાં હાજર થવાનું છે. મોદી અટક પર તેમણે કરેલી ટિપ્પણીના કેસમાં તેમની પર બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં તેમના ભાષણ દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી બાદ પુર્ણેશ મોદી દ્વારા આ મામલે કેસ કરવામાં આવ્યો હતો જેમાં અગાઉની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. આજે આ કેસમાં કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.
ગાંધીજીએ અત્યાચાર અને અન્યાય સામની લડાઈનું નેતૃત્વ કર્યું હતું, અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિ હતી તેની સામે લડાઈનું નેતૃત્વ કરાવ્યું હતું, એ જ રીતે રાહુલ ગાંધી પર અત્યારની નીતિઓ સામે લડવાનું કામ કરી રહ્યા હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે. આવામાં રાહુલ ગાંધી પણ હાલની નીતિઓ સામે લોકો માટે લડી રહ્યા હોવાનું જણાવ્યું છે.
અમિત ચાવડાએ ખોટી રીતે ડરાવવા માટે કેસ કરાયો હોવાનું પણ જણાવ્યું હતું અને આમાં સત્યની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીના સત્કાર કરવા અને તેમની તાકાત, જુસ્સો અને બળ વધારવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે લોકોને ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે.