Home /News /gujarat /khambhalia Toll Plaza: દ્વારકામાં ટોલબૂથ પર બબાલઃ ટોળાના હુમલામં બે મહિલા સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ
khambhalia Toll Plaza: દ્વારકામાં ટોલબૂથ પર બબાલઃ ટોળાના હુમલામં બે મહિલા સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ
જામખંભાળિયામાં ટોલ ભરવા મુદ્દે થયેલી બબાલમાં ત્રણ ઘાયલ
Dwarka Toll Plaza Quarrel: દ્વારકામાં ટોલ બૂથ પર ટોલ ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો વધારે ઉગ્ર બની ગયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મહિલા કર્મી સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં દેખાય છે કે ટોળા દ્વારા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવે છે.
દ્વારકાઃ ટોલબૂથો પર રૂપિયા ભરવા સહિતની સામાન્ય બાબતો પર બબાલ થતી જતી હોય છે. આવી જ વધુ એક ઘટના દ્વારકા ટોલબૂથ પર બની છે. અહીં ટોલ ભરવાની બાબતે થયેલી બબાલ અચાનક એટલી ઉગ્ર બની ગઈ કે ટોળાએ ટોલબૂથના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મહિલા કર્મચારી પણ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે મોકલીને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર ટોલ ભરવા મુદ્દે બોલાચાલી થયા પછી મામલો ઉગ્ર બન્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ બબાલમાં વાહનમાં સવાર 15 જેટલા લોકોએ ટોલબૂથના કર્મચારીઓ પર પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.
ટોલબૂથ પર થયેલી બબાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિને એક ટોળું ખેંચીને લઈને જાય છે અને પછી માર મારવાનું શરુ કરે છે. આ દરમિયાન બે મહિલા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારીને બચાવવા તથા મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડે છે. આ દરમિયાન ટોળું આવેશમાં આવીને મહિલા કર્મચારીઓ પર પણ હુમલો કરી દે છે. હુમલામાં ઘાયલ થયેલા ટોલબૂથના ત્રણ કર્મચારીઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાના બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એકમાં દેખાય છે કે કેટલાક લોકો મહિલા કર્મચારીઓ કે જેઓ મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડે છે તેમને ઢોર માર મારવામાં આવે છે. આ પછી એક અન્ય સીસીટીવી વીડિયો છે જેમાં એક ટોળું રસ્તા પર આમથી તેમ ભાગતું દેખાય છે અને તેમાંથી કેટલાકના હાથમાં પાઈપ જેવી વસ્તુ છે અને તેનો ઉપયોગ કરીને લોકોને મારવામાં આવી રહી છે.
આ ઘટનામાં મામલો ટોલ ટેક્સ ભરવાની બાબતે બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચી ગયો હતો. જોકે, ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ સામે આવશે. આ અંગે ત્યાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે રવિવારે સાંજે અલગ-અલગ વાહનો સાથે હતા અને ટોલ ચૂકવાવ મુદ્દે ઝઘડો થતા ટોળાએ મહિલા કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઘાયલ થયેલા કર્મચારીઓને જામનગરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું ટોલ પ્લાઝાના અન્ય કર્મચારીએ જણાવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા પણ જરુરી કાર્યવાહી કરીને ગુનેગારોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર