ગાંધીનગર : મધ્ય ગુજરાતનાં (Central Gujarat)એક જિલ્લાના વર્ગ -3 ના મહેસૂલ કર્મચારી એસોસિએશને જિલ્લાના જ નિવાસી કલેક્ટર (Collector)વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આ નિવાસી અધિકારી દ્વારા કથિત રીતે માનસિક તથા અંગત પજવણી કરાતી હોવા ઉપરાંત-તેમના કારણે સરકારી કામમાં (Government work)અવરોધો ઉભા થતા હોવાની પણ લેખિતમાં રજૂઆત કલેક્ટરને કરવામા આવી છે.
ત્રણ પાનાની આ રજૂઆતમાં કુલ 11 મુદ્દાઓ ટાંકીને કર્મચારીઓને માનસિક રીતે તોડી પાડવાના, તેમની તદ્દન અંગત બાબતોમાં નુક્શાન પહોંચાડવાની ધમકી આપવાના, વર્ગ-4ના નાના કર્મચારીઓને નોકરી છોડાવવાની ધમકી આપીને વર્ગ-૪ ના અનેક કર્મચારીઓને રૂખસદ આપવાના, અધિકારીની ખોટી બાબતોમાં સહમત ન થતાં કર્મચારીઓને ખાતાકીય તપાસ, બદલી તેમજ નોકરીમાંથી બરતરફ કરવાની ધમકી આપવાના કથિત આરોપો લગાવાયા છે.
ઉચ્ચ કક્ષાની ઓળખાણોનો હવાલો આપીને “ તને પૂરો કરી નાંખીશ” જેવા શબ્દ પ્રયોગો કરાતા હોવાનો ઉલ્લેખ પણ આ રજૂઆતમાં કરાયો છે. 11 મુદ્દા સાથેની આ રજૂઆત જિલ્લા કલેક્ટર સહિત, મહેસૂલ મંત્રી અને મહેસૂલ અગ્ર સચિવને પણ મોકલવામા આવી છે.
પબ્લિસિટી માટે મરી પડતા અધિકારીઓ પણ અત્યારે પ્રસિદ્ધિથી દૂર ભાગી રહ્યા છે
વહીવટી તંત્રમાં કેટલાય અધિકારીઓ એવા છે જે દરેક મોસમમાં સહજ છે. નિષ્ઠાથી કામ કરેછે, સહજતાથી તેમના વિભાગની કામગીરી પ્રજા - સરકાર અને મીડિયા સમક્ષ લઇને જાય છે. તેઓ દરેક વાતે સહજ છે. જ્યારે કેટલાક અધિકારીઓ એવા છે જે કામ કરતા પ્રસિદ્ધમાં વધુ વિશ્વાસ કરે છે. આ બીજી કેટેગરીના અધિકારીઓ હાલ ચૂંટણી ટાણે ટાઢા પડી ગયા છે.
કારણ કંઇપણ હોય પરંતુ , હાલ તેઓ પ્રસિદ્ધિ થકી સરકારની નજરમાં આવવાને બદલે સાયલન્ટ મોડમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. નેગેટિવ કે પોઝિટિવ તમામ પ્રસિદ્ધિઓ થી હાલ તેઓ દૂર ભાગી રહ્યા છે.
અલોક કુમાર બન્યા ટૂરીઝમ ના બચ્ચન…
અમિતાભ બચ્ચન સહિત વિવિધ કલાકારો અત્યાર સુધી ખુશ્બુ ગુજરાત કી સહિત ના વિવિધ એડ કેમ્પેઇન થકી ગુજરાત પ્રવાસનનો પ્રચાર કરતા આવ્યા છે. પરંતુ ટૂરીઝમમાં એમ ડી તરીકે અલોક કુમારના આવ્યા પછી લાગે છે કે હવે તમામ પ્રોફેશનલ મોડેલોની છુટ્ટી થઇ જશે.
કેમ કે તેઓ એ જે રીતે પોતાની યુ ટયૂબ ચેનલ પર ગુજરાત ટૂરીઝમને લઇને ખુદ જ એન્કર પ્રમોટર તરીકે મોડેલિંગ શરુ કર્યું છે તે જોતા આગામી સમયમાં ટૂરીઝમને હવે પ્રોફેશનલ મોડલની જરુર વર્તાશે નહી. અલોક કુમાર પોતાની યુ ટયૂબ ચેનલ ધરાવનાર રાજ્યના પહેલા આઇએએસ તો છે જ પરંતુ હવે ટૂરીઝમ વિભાગના સૌથી પહેલા મોડલ આઇએએસ પણ બન્યા છે.