Home /News /gujarat /Power Corridor: મહિલા અને બાળ વિકાસ વિભાગના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ CM સુધી પહોંચી.. રેલો કોના સુધી પહોંચશે?
Power Corridor: મહિલા અને બાળ વિકાસ વિભાગના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ CM સુધી પહોંચી.. રેલો કોના સુધી પહોંચશે?
રાજ્યના વહીવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન આવે એ પ્રકારે આ વખતે બદલીઓનું લિસ્ટ રેડી કરાયુ છે.
Gandhinagar News: રાજ્યના વહીવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન આવે એ પ્રકારે આ વખતે બદલીઓનું લિસ્ટ રેડી કરાયુ છે. આ નિમણુંકોના પરિણામે રાજ્યના વહીવટી તંત્રમાં અકલ્પનિય પરિવર્તનો આવશે.
ગાંધીનગર: રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ સીએમઓ સુધી પહોંચી છે. વાત જાણે એમ છે કે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓની બહેનોને મફતમાં સાડી અપાય છે. આ સાડીઓની ખરીદી આ વિભાગે જ કરવાની હોય છે.
સચિવાલયની ચર્ચા અનુસાર હવે વિભાગની તમામ ખરીદીઓ Gem પોર્ટલ દ્વારા કરવાની થતી હોઇ સીધી રીતે કોઇ ભ્રષ્ટાચારને અવકાશ રહેતો નથી. ત્યારે આ વિભાગ દ્વારા કહેવાતી રીતે કોઇ એક કંપનીને ટેન્ડર લાગે તે હેતુથી પહેલી વખત ત્રણ મહિના પહેલા અપાયેલું ટેન્ડર રદ કરવામા આવ્યું હોવાની ચર્ચા છે અને બીજી વખતના રી-ટેન્ડરીંગમાં એક ચોક્કસ કંપનીને ૩ મહિના પહેલા અપાયેલા ટેન્ડરમાં સાડીઓની જે કિંમતો હતી તેનાંથી પણ ઉંચી કિંમતે ટેન્ડર આપી દેવામાં આવ્યું છે.
ત્રણ મહિનામાં રાતો રાત સાડીઓની કિંમત કેવી રીતે વધી જાય? ને કોઇ ચોક્કસ કંપનીઓને ઊંચી કિંમતે ટેન્ડર આપી શકાય?
આ મુદ્દે કથિત ભ્રષ્ટાચારના પૂરાવાઓ સાથેની ફરિયાદ CMO સુધી પહોંચી છે. સૂત્રોનું માનીયે તો આ મુદ્દે તપાસના આદેશ પણ અપાયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં શું તથ્યો સામે આવેછે. તપાસ પછી જ ખબર પડશે કે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં.
ગૃહ પ્રધાનની જેલ રેઇડ પાછળ કઇ ફરિયાદ જવાબદાર?
અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં કોઇપણ મિનિસ્ટર એ ખુદ કોઇ જેલની સરપ્રાઇઝ વિઝીટ કરી હોય કે એકસાથે 17 જેલોમાં રેઇડ કરી હોય અને તેના પર ઓનલાઇન વોચ રાખી હોય એવુ કયારેય બન્યુ નથી. પહેલી વખત ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ આ કામ કર્યું છે. જે ખરેખર કાબિલે તારીફ છે અને ભ્રષ્ટાચારીઓની સંપૂર્ણપણે હવા કાઢી નાંખે તેવુ છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસ બેડામાં ચર્ચા છે કે આખરે એવી તો કઇ ફરિયાદ હોમ મિનિસ્ટર સુધી પહોંચી? જેને લઇને પહેલા સાબરમતી જેલની સરપ્રાઇઝ વિઝીટ અને બાદમાં એક સાથે 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની ગૃહ પ્રધાનને ફરજ પડી?
પોલીસ બેડામાં થતી ખાનગી ચર્ચા મુજબ મોટા શહેરોમાંની જ એક જેલમાં એક ઉચ્ચ અધિકારી દ્વારા જેલમાં રીતસરના પેકેજ અપાયા હતા. બે લાખ રુપિયાથી લઇને મહિને પાંચ લાખ, દસ લાખ. જેવી સુવિધાઓ જોઇતી હોય એવા ભાવ સાથેનું પેકેજ જાહેર કરાયુ હતુ.
જેમાં મોબાઇલથી લઇને ઘરનું ટિફિન, દારુની બોટલ, તમાકુ-ગુટખા, ઘરના ગમે તેટલા સભ્યોને જેટલી વાર મળવું હોય એટલીવાર મળવાની સુવિધાઓ જેવી ઘણી સુવિધાઓ સામેલ હતી. એટલે સુધી કે કેદીઓ વીડિયો કોલ સુધ્ધાં કરી શકતા હતા.
આજ નેટવર્કનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની વાત ગૃહ પ્રધાન સુધી પહોંચતા રાજકીય ઇતિહાસમાં ક્યારેય ના થઇ હોય એવી પહેલ ગૃહ પ્રધાને કરી છે. આના રિપોર્ટમાં જોવાનું રહ્યું કે કેવા તથ્યો બહાર આવે છે. અને ત્યારે જ ખરાઇ થશે કે ખરેખર શું થતું હતું જેલોમાં અને બહાર ચર્ચાતી વાતોમાં કેટલું તથ્ય છે.
મંત્રી મંડળ વિસ્તરણ હમણાં તો નહીં જ...
હાલ ગુજરાતમાં સૌથી નાનુ મંત્રી મંડળ છે અને ઘણાં મહત્વના ખાતાઓ સીએમ પાસે જ છે. એટલે સ્વાભાવિક પણે જ મંત્રી મંડળ વિસ્તરણની ચર્ચા દર મહિને જોર પકડે છે. પહેલા ચર્ચા હતીકે 26 જાન્યુઆરી બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થશે. પરંતુ એ તારીખ આસપાસ કંઇ ના થતા પાછી ચર્ચા ચાલી કે હવે બજેટ સત્ર બાદ વિસ્તરણ થશે. હવે જ્યારે બજેટ સત્ર પતવા આવ્યું છે ત્યારે ફરી નવી ચર્ચા પીએમ મોદીની છેલ્લી ગુજરાત વિઝીટ અને છેલ્લા અઠવાડિયામાં સીએમ એ કરેલી દિલ્હી વિઝીટને સાંકળીને થઇ રહી છે કે સીએમ પાસે લિસ્ટ તૈયાર છે અને ગમે તે ઘડીએ હવે વિસ્તરણની જાહેરાત કરાશે. પરંતુ સૌની આશા પર ઠંડું પાણી ફરી વળે તેવા સમાચાર એ છે કે કેન્દ્રના ટોચના સૂત્રો અનુસાર હાલમાં ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ થવાનો કોઇ અવકાશ નથી.
ના તો વિસ્તરણની શક્યતા છે, ના તો સંસદીય સચિવોની નિમણુંક થવાની કોઇ સંભાવના છે. હા... બોર્ડ નિગમોમાં નિમણુંકો ટૂંક જ સમયમાં જાહેર થશે.
જેલ ઓપરેશન બાદ હવે ગૃહ પ્રધાન હોમ ઓપરેશન કરે તેવી સૌ પોલીસકર્મીઓને આશા
ગૃહ પ્રધાને જે રીતે જેલો પર સપાટો બોલાવ્યો છે તેનાંથી પોલીસ કર્મીઓના મોઢા ખુલ્લા'નાં ખુલ્લા રહી ગયા છે. કંઇક નવુ આ ગૃહ પ્રધાનના રાજમાં થઇ શકશે, એવી સૌ કોઇને આશા પણ જાગી છે. હાલ 13 હજાર પોલીસ કર્મીઓ સામે માત્ર 2200 કવાર્ટર ઉપલબ્ધ છે. અને બે મહિના પહેલા કરાયેલા ડ્રો બાદ તો હવે 2200માંથી નહિવત્ મકાનો પોલીસ હાઉસિંગ પાસે બચ્યા હશે. કવાર્ટરની સમસ્યા એટલી વિકટ છે કે કેટલીક જગ્યાએ જોખમી કવાર્ટર્સ થઇ ચૂક્યા હોવા છતાં જાનના જોખમે પણ પોલીસ કર્મીઓ તેમા રહેવા તૈયાર છે કેમ કે પરિવારના ખર્ચ, બાળકોની સ્કૂલ ફીસ સાથે ખાનગી મકાનોના ભાડા તેઓને પોસાય તેમ નથી. ત્યારે પોલીસ આવાસનો પ્રશ્ન ઉકેલાય તે માટે ગૃહ પ્રધાન પહેલ કરે તેવી આશા સૌ કોઇ કરી રહ્યા છે.
પોલીસ કવાર્ટર્સનો પ્રશ્ન જૂનો હોવા છતાં તે ઉકેલાયો નથી. એનુ કારણ એ છે કે કોઇ બિલ્ડર આ ટેન્ડરીંગમાં પડવા તૈયાર નથી. પોલીસ બેડામાં જે ચર્ચાઇ રહ્યું છે તે અનુસાર પોલીસ હાઉસિંગના જ એક ઉચ્ચ અધિકારી પ્રાઇઝ અને કવોલિટી બેમાંથી એકય લેવલે સહેજેય સમાધાન કરવાની માનસિકતા નહી ધરાવતા હોવાથી કોઇ બિલ્ડર હવે પોલીસ આવાસના ટેન્ડરમાં પડવા માંગતાનથી.
ચારેક દિવસ પહેલા જ પોલીસ આવાસ માટે 400 કરોડ રુપિયાનું ટેન્ડર બહાર પડાયુ છે જેમાં સાવ જૂજ બિલ્ડરો એ રસ બતાવ્યો છે. ત્યારે પોલીસ બેડાના મોટા ભાગના પોલીસકર્મીઓને લાગીરહ્યું છે કે આમાંથી કોઇ રસ્તો તો કાઢવો જ પડશે.
પોલીસ આવાસનાં આ અધિકારીની પ્રામાણિક્તાને સૌ કોઇ સલામ કરેછે, પરંતુ કવાર્ટર્સ મામલે થોડી ઘણી બાંધછોડ સાથે પણ સાહેબ વચલો રસ્તો અપનાવીને પ્રેકટીકલી આખો મામલો આગળ વધારે અને ગૃહ પ્રધાન આ મુદ્દે પહેલ કરે તો સોનામાં સુગંધ ભળશે તેમ સૌ કોઇ માની રહ્યા છે.
રાજ્ય સરકાર તરફથી કેન્દ્રમાં ઘણાં આઇએએસને ડેપ્યુટેશન માટે દિલ્હી મોકલાતા હોય છે. કેટલાક ઓફિસરો હાલ ડેપ્યુટેશન ઉપર ઓલરેડી દિલ્હી છે અને કેટલાક હજુ કતારમાં છે. ઘણાં અધિકારીઓ એ તેમને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. પરંતુ રાજ્યમાં સિનિયર અધિકારીઓની હાલ અછતનું કારણ આગળ ધરીને તમામની અરજીઓ રોકી દેવાઇ છે.
એટલું જ નહીં ઓલરેડી જેમને ડેપ્યુટેશન પર મોકલવાનો ઓર્ડર દોઢ મહિના પહેલા થઇ ચૂક્યો છે. તેવા આઇએેએસ અધિકારી કુલદીપ આર્યનું દિલ્હી ગમન પણ હાલ રોકી દેવાયુંછે. ઉલ્લેનિય છે કે કુલદીપ આર્યએ તેમના આઇએફએસ પત્ની દિલ્હીના વિદેશ મંત્રાલયમાં પોસ્ટીંગ પામ્યા હોવાથી પોતા માટે દિલ્હી ડેપ્યુટેશન માંગ્યું હતુ. જેને ગ્રાહ્ય રખાયુ હતુ.
એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં જ IAS બદલીઓ જાહેર થાય તેવી સંભાવના...
ગત શુક્રવારે મોડી સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સફર્સને લગતી આખરી ફાઇલો પર પોતાની મહોર લગાવી છે. સૂત્રોનું માનીએ તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ આઇએએસ કેડરમાં ધરખમ ફેરફારો સાથે નવી બદલીઓનું લિસ્ટ બહાર પડાશે.
સૂત્રોનું માનીએ તો રાજ્યના વહીવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન આવે એ પ્રકારે આ વખતે બદલીઓનું લિસ્ટ રેડી કરાયુ છે. આ નિમણુંકોના પરિણામે રાજ્યના વહીવટી તંત્રમાં અકલ્પનિય પરિવર્તનો આવશે.
સૂત્રો અનુસાર, એક સમયે એમ જણાતું હતુ કે માત્ર આઇએએસ કેડરમાં જ પ્રમોશન્સ અને બદલીઓ આવશે પરંતુ જે પ્રકારે જેલમાં રેઇડનો સિલસિલો ચાલ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ફરી આઇપીએસની બદલીઓનો ગંજીપો પણ ચીપાશે. નિષ્ઠાવાનને ટોચે બેસાડાશે, અને કરપ્ટવને સાઇડલાઇન કરાશે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર