મોરબીના ગોઝારા બ્રીજ અકસ્માત ની બચાવ કામગીરી દરમિયાન કાંતિ અમૃતિયા છવાયા ને બ્રિજેશ મેરજા બેકફુટ પર કેમ?
મોરબીના ઝૂલતા પુલનું તૂટવું એ અત્યંત દુખદ ઘટના છે. કેટલાય પરિવારોના અકાળે સાગમટે અવસાન પર રાજનીતિ ચોક્કસ ના હોઇ શકે. તેમ છતાં આગામી વિધાનસભા ચૂંટણી હવે ગણતરીના કલાકોમાં જાહેર થવાની સંભાવના છે ત્યારે એ ઉલ્લેખ કરવો જરુરી છે કે ભાજપે મોરબીમાં આ વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિ ભાઇ અમૃતિયાને ટિકિટ આપવાનું મન બનાવી લીધુ છે.
આમ તો આ સીટ પરથી બ્રિજેશ મેરજા ધારાસભ્ય અને મંત્રી છે. પરંતુ આ વખતે તેમને મોરબી સીટ પરથી નહી લડાવાય તેઓ મોરબી નજીકની અન્ય કોઇ સીટ પરથી લડશે.
કાંતિ ભાઇ અમૃતિયાને કારણે આ સીટ પર આંતરિક વિખવાદ હતો, ને આ વિખવાદ ટાળવા હવે અમૃતિયાને અહીંથી ટિકિટ આપવામા આવશે. જ્યારે મેરજાને અન્ય સીટ પરથી લડાવાશે.
ગુપ્તાને કયા મંત્રી સાથે ચકમક ઝરી?
કોઇપણ વિભાગની યોજનાઓને લીલી ઝંડી નથી મળી શકતી જયાં સુધી નાણાં વિભાગની મંજૂરી ના મળે. એ રીતે જોઇયે તો તમામ વિભાગોની ચોટલી હાલના નાણાં સચિવ જે.પી.ગુપ્તાના હાથમાં છે.
દિવાળી બાદ રજૂ થયેલુ ખેડૂતો માટેનું પેકેજ એકચ્યુઅલી દિવાળી પહેલા રજૂ કરવાનું પ્લાનિંગ હતું. પરંતુ સચિવાલયમાં ચાલતી ચર્ચા અનુસાર ગુપ્તા એ યોજનાને બહાલી આપવાને બદલે કવેરી કાઢતા મંત્રી રાઘવજી પટેલ અને ગુપ્તા વચ્ચે ચકમક ઝરી હતી.
સીએમ સાથેની બેઠક મા રાઘવજી અને ગુપ્તા પોતપોતાના મુદ્દે અડી રહ્યા હતા અને સીએમ એ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
રાજેન્દ્ર અંસારીને કેમ સાઇડ લાઇન કરાયા?
અમદાવાદ એડીશનલ સીપી રાજેન્દ્ર અંસારીને આઇબીના ડીઆઇજી બનાવીને ગાંધીનગર ટ્રાન્સફર કરાતા પોલીસ બેડામાં આશ્ચર્ય સાથે ગણગણાટ શરુ થયો છે. 2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની તપાસ પૂરી કર્યા પછી રાજુ અંસારીને ભાવનગરનાં એસપી બનાવેલા આ તેમનું સૌ પ્રથમ એસપી તરીકેનું પોસ્ટીંગ હતું. ત્યારબાદ તેમને નડિયાદ, આણંદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, અમદાવાદ ગ્રામ્યના એસપી બનાવાયા હતા. ગ્રામ્ય પછી ડીઆઇજીમાં પ્રમોશન મેળવીને અમદાવાદ શહેરના સેકટર-1 ના એડીશનલ સીપી બન્યા હતા.
આમ સળંગ 13 વર્ષ સુધી એકધાર્યુ ક્રીમ પોસ્ટીગ મેળવનાર અંસારીને અચાનક જ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આઇબીમાં ડીઆઇજી તરીકે ટ્રાન્સફર કરાતા આ બદલી પોલીસ બેડામા ચર્ચાનો વિષય બની છે. જો કે ઘણાં એવું પણ માને છે કે ચૂંટણીમાં ગુપ્તચર ખાતાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે એટલે ત્યાં કોઇક વિશ્વાસુ વ્યક્તિને જ રાખવા એવી ગણતરીને કારણે પણ એમને ત્યાં મૂકાયા હોઇ શકે છે.
કેટલાય અધિકારીઓએ દિવાળીની શુભેચ્છા મુલાકાત માટે સી.આર.પાટીલનો સંપર્ક કર્યો પણ પાટીલે મચક ના આપી
અત્યાર સુધીના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં દિવાળી દરમિયાન સીએમની શુભેચ્છા મુલાકાત માટે જવાનું વલણ જરુર રહ્યું છે. પણ કોઇ અધિકારી ભાજપના પ્રદેશ અધ્યક્ષને દિવાળી નિમિત્તે સ્પેશિયલ મળવા માટે સમય માંગે એવુ ક્યારેય બન્યુ નથી. પણ આ દિવાળીએ ટ્રેન્ડ બદલાયો છે. આ વખતે કેટલાય ઓફિસરો એ ફોન દ્વારા પાટીલ પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે. જયારે જે પતિ-પત્નીની જોડીઓ આઇએએસ-આઇપીએસ છે તેઓએ આ દિવાળીએ પાટીલને સજોડે મળવા જવાનો આગ્રહ રાખ્યો હતો.
જોકે સૂત્રોનુ માનીએ તો સીઆર પાટીલે કોઇને મચક આપી નથી. અધિકારીઓના મામલે માથું નહી મારનાર પાટીલે કોઇને મળવાનો સમય આપવાને બદલે ફોન પર જ શુભેચ્છાઓ સ્વીકારી લીધી છે.
લ્યો... આખુ કોળું શાકમાં ગયું...
હજુ દિવાળીના દિવસે જ અમદાવાદમાં એપોઇન્ટ કરાયેલા આઇપીએસને સરકાર આગામી બે દિવસમાં ફરી બદલશે... ચૂંટણી પંચે રાજ્ય સરકારને 6 પોલીસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો છે તેમાથી પાંચ અધિકારીઓ તો હાલ અમદાવાદ શહેરમાં જ ફરજ બજાવી રહ્યાછે. એટલે આ 5 ઓફિસરોની ગણતરીના કલાકમાં બદલી આવવી નિશ્ચિત છે. જેમા મુક્શ પટેલ અમદાવાદ સિટી (ઝોન-4) , ભક્તિ ઠાકર ડીસીપી ટ્રાફિક (એડમિન), અશ્વિન ચૌહાણ એડીશનલ સીપી (ટ્રાફિક), ડો હર્ષદ પટેલ ડીસીપી (કંટ્રોલ રુમ), પ્રેમવીર સિંગ એડીશનલ સીપી (ક્રાઇમ બ્રાન્ચ) અને સુરતના મહિલા ડીસીપી ( ક્રાઇમ) નો સમાવેશ થાય છે.
આ પાંચ અધિકારીઓમાંથી અશ્વિન ચૌહાણને અમદાવાદમાં પોસ્ટીંગ તો હજુ દિવાળીના દિવસે જ અપાયુ છે. પરંતુ આ બદલીમાં ગૃહ વિભાગે ઉંધુ વેતરી નાંખ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેઓ અગાઉ સીઆઇડી ક્રાઇમમા વેસ્ટર્ન રેલ્વેના ડીઆઇજી તરીકે પોલીસ ભવન ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા. એમની સરકારે અમદાવાદ શહેરના એડીશનલ સીપી (ટ્રાફિક) તરીકે દિવાળીના દિવસે બદલી કરી હતી. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓએ અમદાવાદમાં જ ડીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવી હોવાથી તેમને આ ચૂંટણીમાં સેઇમ જગ્યા પર રાખી શકાય નહી માટે તેમની ફરીથી બદલી આવશે.